નવી દિલ્હી, મિ.રિપોર્ટર, ૨૬મી ફેબ્રુઆરી
ભારતીય આર્મી-વાયુસેનાએ મંગળવારની વહેલી સવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘાતકી હુમલો કરીને પુલાવમા આતંકી હુમલાનો ઘાતક બદલો લીધો છે. ભારતીય વાયુસેનાએ 12 મિરાજ 2000 ફાઈર પ્લેન દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના આતંકી જગ્યા પર 1000 કિલોગ્રામાના બોમ્બથી મારો કરીને જૈશ-એ-મોહમ્મદના અલ્ફા 3 કંટ્રોલ રુમ સહિત જગ્યાઓ પર ઘાતકી હુમલો કરતા જ 200-300 આતંકીઓ માર્યા ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવાર રાતથી જ સરહદ પર લડાકુ વિમાનોનો અવાજ સંભળાતો હતો. ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ ગુજરાતમાં પણ તકેદારીની પગલા ભરવામાં આવી રહ્યા છે.
પુલાવમા આતંકી હુમલા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સુરક્ષાબળોને કાર્યવાહી કરવા માટેની છૂટ આપી હતી. જેમાં આજે ભારતીય આર્મીએ પુલાવમા આતંકી હુમલાનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ પહેલી વખત વાયુસેનાએ સરહદ પાર જઈને હુમલો કર્યો છે. ભારતીય એરફોર્સના 12 મિરાજ 2000 વિમાનોએ વહેલી સવારે 3.30 કલાકે પઠાનકોટ એરબેસ અને મધ્ય ભારતથી ઉડાન ભરીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના બાલાકોટ અને ચકોટીમાં આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદની જગ્યાઓ-અડ્ડાઓ પર 1000 કિલોગ્રામાના બોમ્બથી હુમલો કર્યો હતો. જેમાં 200-300 આતંકીઓ માર્યા ગયા છે. ભારતીય એરફોર્સ એ પાકિસ્તાનના રડારને જામ કર્યા બાદ હુમલો કર્યો હતો. આ હુમલા અંગે અજીત ડોભાલ એ વડાપ્રધાન મોદીને માહિતી આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે સંપૂર્ણ તૈયારી સાથે આ હુમલો કર્યો છે. લડાકુ વિમાન હવામાં ફ્યુલ ભરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ હુમલા બાદ પાકિસ્તાન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તે પહેલા ભારતીય સેના દ્વારા તકેદારીના પગલા ભરવામાં આવ્યા છે જેમાં દેશની તમામ ઈન્ટરનેશનલ બોર્ડર પર જવાનોને સતર્ક કરી દેવામાં આવ્યા છે, આ સાથે દેશના ડિફેન્સ મિકેનિઝમ રાખનારા શહેરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેમાં ગુજરાતના જામનગર, માળિયા, અમદાવાદ, વડોદરાને હાઈએલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં યોજાનારી DGP કોન્ફરન્સને પણ રદ કરી દેવામાં આવી છે.