એટલાન્ટા સિટીના ગોકુલધામમાં ઇન્ડિયા ડે સેલિબ્રેશન : 300 ફુટ લાંબા ત્રિરંગા સાથે પરેડ યોજાઇ

એટલાન્ટા સિટીના ગોકુલધામમાં ઇન્ડિયા ડે સેલિબ્રેશન : 300 ફુટ લાંબા ત્રિરંગા સાથે પરેડ યોજાઇ

ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એસોસિયેશન-જ્યોર્જિયાના નેજા હેઠળ આયોજન : કોન્સલ જનરલ ડૉ.સ્વાતિ કુલકર્ણીએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો : કારગીલ યુદ્ધના હિરો મેજર જનરલ જી.ડી.બક્ષી ઉપસ્થિત રહ્યા…

એટલાન્ટા-અમેરિકા, મી.રીપોર્ટર, દિવ્યકાંત ભટ્ટ.

અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલીના યજમાનપદે ભારતના આઝાદી પર્વ સ્વતંત્રતા દિવસની ઉજવણીનું આયોજન કરાયું હતું. ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એસોસિયેશન ઓફ જ્યોર્જિયાના નેજા હેઠળ અાયોજિત દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત 300 ફુટ લાંબા તિરંગા સાથેની પરેડમાં ભારતીય સમુદાય મોટી સંખ્યામાં ઉમટી પડ્યો હતો. એટલાન્ટાના કોન્સલ જનરલ ઓફ ઇન્ડિયા ડૉ.સ્વાતિ કુલકર્ણીએ તિરંગો લહેરાવ્યો હતો. આ પ્રસંગે કારગીલ યુદ્ધના હિરો મેજર જનરલ જી.ડી.બક્ષી અતિથિ વિશેષ રહ્યા હતા.

ગોકુલધામ હવેલીના યજમાનપદે અને ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એસોસિયેશન ઓફ જ્યોર્જિયાના નેજા હેઠળ ભારતના 73 મા સ્વતંત્રતા પર્વની દેશભક્તિની ભાવના સાથે ઉજવણી કરાઇ હતી.

ગોકુલધામના ચેરમેન અશોક પટેલ, એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, હેતલ શાહ, અલકેશ શાહ, પરિમલ પટેલ, કેતુલ ઠાકર તેમજ એફ.આઇ.એ.ના પ્રમુખ વાસુદેવ પટેલ, રાજીવ મેનન અને સુધીર અગ્રવાલની આગેવાની હેઠળ શનિવારે સાંજે 4 વાગે 300 ફુટ લાંબા તિરંગા સાથે ભવ્ય પરેડનો પ્રારંભ થયો હતો. ગોકુલધામના પ્રાંગણમાં વંદે માતરમ્ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે યોજાયેલી આ પરેડથી વિદેશની ધરતી પર ભારતીય સમુદાયની દેશભક્તિનો માહોલ છવાયો હતો.

પરેડ સંપન્ન થયા બાદ આયોજિત ધ્વજારોહણ કાર્યક્રમમાં એટલાન્ટાના કોન્સલ જનરલ ઓફ ઇન્ડિયા ડૉ.સ્વાતિ કુલકર્ણીએ ત્રિરંગો લહેરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે ભારતીય સમુદાયને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી. મેજર જનરલ જી.ડી.બક્ષીએ કારગીલ યુદ્ધ, ભારત સરકાર દ્વારા કાશ્મીર મુદ્દે લેવાયેલા રાજકીય નિર્ણયો તેમજ આતંકવાદ અંગે મનનીય વકતવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં જ્યોર્જિયા સ્ટેટ સેનેટ પી.કે.માર્ટિન, જ્યોર્જિયા પબ્લિક સર્વિસ કમિશનના કમિશનર ટ્રિસિયા પ્રિડેમોર ખાસ ઉપસ્થિત રહી ભારતીય સમુદાયને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિને ઉજાગર કરતા ડાન્સ તેમજ ક્લાસિકલ નૃત્ય રજૂ થયા હતા. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અને સાંસ્કૃતિક કાર્યક્રમને ભારતીય સમુદાયે આનંદઉલ્લાસપૂર્વક માણ્યો હતો. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વેળા ભારતીય યુવક-યુવતીઓની બનેલી ઢોલ બેન્ડની ટીમે આકર્ષણ જમાવ્યું હતું. ગોકુલધામની કીચન ટીમના ભાનુબહેન પટેલ, હસુભાઇ પટેલ, સોહિનીબહેન-પ્રકાશભાઇ પટેલ, રંજનબહેન સિરોયા અને નરપત મહારાજ દ્વારા તૈયાર કરાયેલી ખાણીપીણીની ચટાકેદાર વાનગીઓ આરોગવા ખાણીપીણીના સ્ટોલ પર જબરદસ્ત ધસારો રહ્યો હતો.