લોકોએ ભાજપ-કોંગ્રેસના કાઉન્સિલર્સની સાથે ઉમેદવારને પણ આડે હાથ લીધા, ગુસ્સો ઠાલવતાં કહ્યું કે, ‘મત લેવા જ દેખાયા છો : વાડી અને સુભાનપુરા વિસ્તારમાં કાઉન્સિલર્સની કફોડી હાલત
વડોદરા-મિ.રિપોર્ટર, ૧૧મી એપ્રિલ
કાળઝાળ ગરમીમાં વચ્ચે જ વડોદરા લોકસભા બેઠકની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાના નેતા અને કાર્યકતા સાથે જોરશોરથી કરી રહ્યા છે. પ્રચાર માટે જતાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને સ્થાનિક કાઉન્સિલર્સ સમક્ષ મતદારો પ્રશ્નોનો મારો ચલાવી રહ્યા છે અને તેમની નબળી કામગીરી અંગે રીતસરનો ટોણો મારી રહ્યા છે. મતદારો વચ્ચે જઈને મત માંગતા ઉમેદવાર અને કાઉન્સિલર્સને સ્થાનિક લોકો ચોખ્ખું સંભળાવી રહ્યા છે કે, અત્યાર સુધી ક્યાં હતા ? હવે મત લેવાના થયા ત્યારે દેખાયા છો.
વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર રંજનબહેન ભટ્ટ અને કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ (ટીકો) તેઓના પક્ષના કાઉન્સિલર્સ સાથે પ્રચાર-ફેરણીમાં નીકળે છે, ત્યારે સ્થાનિક લોકો પાણી, ડ્રેનજ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ જેવા પ્રશ્નો અંગે કાઉન્સિલર્સ સામે રોષ ઠાલવી રહ્યા છે. વાડી વિસ્તારમાં ભાજપાની ફેરણી દરમિયાન સ્થાનિક લોકોએ ઉમેદવાર સાથે ફેરણીમાં જોડાયેલા સ્થાનિક કાઉન્સિલર્સને લોકોએ જણાવ્યું કે, ચૂંટણી આવી, ત્યારે તમે દેખાયા છો. અત્યાર સુધી ક્યાં ખોવાઇ ગયા હતા. આજે વોટની જરૂર પડી ત્યારે દેખાયા છો. આવા જ સવાલો કોંગ્રેસના કાઉન્સિલરોને લોકો કરી રહ્યા છે. મત માંગવા નીકળેલા કાઉન્સિલર્સને લોકોનો રોષ જોઇને ફેરણી છોડીને પલાયન થવાની ફરજ પડી રહી છે. સુભાનપુરા વિસ્તારમાં પણ કોંગ્રેસ-ભાજપાના કાઉન્સિલર્સના કારણે ઉમેદવારોને પ્રજાના રોષ ભોગ બનવું પડ્યું હતું.
23 એપ્રિલે યોજાનાર ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. કાળઝાળ ગરમીના કારણે ચૂંટણી પ્રચાર ઉપર અસર પડી રહી છે, ત્યારે પ્રચારમાં જતાં વડોદરા લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર રંજનબહેન ભટ્ટ અને કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ (ટીકો)ને વડોદરા શહેરના મતદારો સ્થાનિક પ્રશ્નો અંગે ઘેરી રહ્યા છે. વડોદરા શહેરના ગોત્રી, ડભોઇ રોડ જેવા વિસ્તારોમાં તો કામ નહીં થાય તો મતદાન બહિષ્કારના બેનર્સ પણ અગાઉ લાગી ચૂક્યા છે.