મોદી સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં 2967 વાઘ માટે રૂ. 1010.42 કરોડ અને 523 સિંહ માટે રૂ. 32 કરોડ આપ્યા

Spread the love

પર્યાવરણ, વન અને જળ-વાયુ પરીવર્તન રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર

નવી દિલ્હી- મી.રીપોર્ટર, ૧૬મી માર્ચ. 

 કેન્દ્ર સરકાર દ્વારા પ્રયોજિત વન્યપ્રાણી રહેણાંક વિકાસ યોજના હેઠળ, કેન્દ્ર સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રોજેક્ટ ટાઇગર માટે રૂ.1010.42 કરોડ અને એશિયાઇ સિંહો માટે રૂ. 32 કરોડનું ફંડ આપ્યું છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળ-વાયુ પરીવર્તન રાજ્ય મંત્રી  બાબુલ સુપ્રિયોએ આ માહિતી માર્ચ 16, 2020ના રોજ રાજ્ય સભામાં સાંસદ પરીમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉપલબ્ધ બનાવી હતી.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળ-વાયુ પરીવર્તન રાજ્ય મંત્રી  બાબુલ સુપ્રિયોના મતે, કેન્દ્ર સરકારે એશિયાઇ સિંહોના સંરક્ષણ સહિત ગુજરાતમાં વન્યપ્રાણી રહેણાંક વિકાસ યોજના હેઠળ 2016-17, 2017-18 અને 2018-19ના વર્ષ માટે અનુક્રમે રૂ. 4.98 કરોડ, રૂ. 5.59 કરોડ અને રૂ. 21.42 કરોડનું ભંડોળ આપ્યું હતું. સમાન સમયગાળા માટે, કેન્દ્ર સરકારે પ્રોજેક્ટ ટાઇગ હેઠળ રૂ. 342.25 કરોડ, રૂ. 345 કરોડ અને રૂ. 323.17 કરોડનું ભંડોળ આપ્યું હતું.

મંત્રાલયે ગંભીર રીતે લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓને બચાવવા માટે રીકવરી પ્રોગ્રામના ભાગરૂપે કેન્દ્ર પ્રાયોજિત વન્યપ્રાણી રહેણાંક વિકાસ યોજનાના એશિયાટી લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટ અન્વયે 2018-19થી શરૂ કરીને 2020-21 સુધીના ત્રણ વર્ષ માટે રૂ. 97.85 કરોડની ફાળવણી ધરાવતા એશિયાટીક લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો.

અત્રે ઉલ્લેનીય છે કે , પરિમલ નથવાણી વન વિભાગ દ્વારા એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે લેવામાં આવેલાં પગલાં અને છેલ્લાં ત્રણ વર્ષમાં એશિયાઇ સિંહોની સરખામણીએ વાઘ માટે ફાળવવામાં આવેલા બજેટ અંગે જાણવા માંગતા હતા. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, “સિંહોના સંવર્ધન માટે આપવામાં આવેલા ભંડોળના આંકડામાં ગુજરાત સરકારે આપેલા ભંડોળનો સમાવેશ થતો નથી. રાજ્ય સરકારે થોડા સમય પહેલાં રાજ્યમાં સિંહોના સંવર્ધન માટેની લાંબાગાળાની પ્રવૃત્તિઓના અમલ માટે રૂ. 350 કરોડને મંજૂરી આપી હતી. પરંતુ, કેન્દ્રએ એશિયાઇ સિંહોના સંવર્ધન માટે વધારે ભંડોળ ફાળવવાની જરૂર છે કારણ કે તે માત્ર ગુજરાતમાં ગીર અને જ જોવા મળે છે, જ્યારે વાઘ ભારતના ઘણાં રાજ્યોમાં અને એશિયાના ઘણાં દેશોમાં જોવા મળે છે.”

 રાજ્યસભા સાંસદ પરિમલ  નથવાણી દ્વારા પૂછવામાં આવેલા અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે છેલ્લી ત્રણ વસતી ગણતરીમાં એશિયાઇ સિંહોની સંખ્યા વર્ષ 2005ના 359થી 45.68 ટકા વધીને વર્ષ 2015માં 523 થઈ હતી, જ્યારે વાઘની સંખ્યા છેલ્લી ત્રણ વસતી ગણતરીમાં વર્ષ 2010માં 1706માં 73.91 ટકાના વધારા સાથે વર્ષ 2018માં 2967 થઈ હતી.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળ-વાયુ પરીવર્તન રાજ્ય મંત્રી  બાબુલ સુપ્રિયોએ વધુમાં જણાવ્યું હતું કે, સંરક્ષિત વિસ્તારો અને અન્ય વન્યજીવ સમૃધ્ધ વિસ્તારોમાંથી પસાર થતાં રેલ ટ્રેક, રોડ/હાઇવે અને વીજ પરિવહન લાઇ સહિતની ભૂ-પૃષ્ઠીય માળખાકીય સુવિધાઓમાં વન્યજીવોના સંઘર્ષની પરિસ્થિતિ ટાળવા મંત્રાલયે માર્ગદર્શીકા વન્યજીવો પર ભૂ-પૃષ્ઠીય માળખાકીય સુવિધાઓની અસરને પહોંચી વળવાના ઇકો-ફ્રેન્ડલી પગલાં જારી કરી છે. જાહેર જનતાને માનવ-પ્રાણી ઘર્ષણ અંગે સંવેદનશીલ બનાવવા, માર્ગદર્શન આપવા અને સલાહ આપવા માટે વિવિધ પ્રકારના મીડિયામાં માહિતી આપવા સહિતના જાગૃતિ કાર્યક્રમોનું આયોજન રાજ્યના વન વિભાગ દ્વારા કરવામાં આવે છે.

તાજેતરમાં જ મંત્રાલય દ્વારા વન્યજીવો દ્વારા સર્જવામાં આવતી તારાજીના સંદર્ભે રહેમરાહે આપવામાં આવતી રકમ અને વળતરની રકમ વધારીને મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં રૂ. 5 લાખ, ગંભીર ઇજા માટે રૂ. 2 લાખ અને નજીવી ઇજા માટે રૂ. 25,000 કરવામાં આવી છે, જ્યારે મિલકત/પાકને થયેલા નુકસાનનો ખર્ચ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોએ ચૂકવવાનો રહે છે.

(નોંધઃ આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)