ગજાનંદ મંદિરમાં શંખ-છીપલાં મિશ્રિત માટીમાંથી બનેલી શંકર સ્વરૂપ ત્રિલોચનધારી શ્રીજીની 9 ફુટ ઊંચી અને 7 ફુટ પહોળી મૂર્તિ બિરાજે છે

www.mrreporter.in
Spread the love

જંબુસર નજીક ભાણખેતરમાં આવેલું મરાઠા-પેશ્વાકાળ સમયનું 400 વર્ષ પુરાણું : શ્રી સિદ્ધિ વિનાયક ગજાનંદ મંદિર આસ્થાનું કેન્દ્ર

 વડોદરા -એટલાન્ટા-અમેિરકા, દિવ્યકાંત ભટ્ટ.

ભરૂચ જિલ્લાના જંબુસર નજીક ભાણખેતર ગામ આવેલું છે. પુરાણકાળમાં ભાનુક્ષેત્ર તરીકે ઓળખાતા આજના ભાણખેતરની ભૂમિ પર મહર્ષિ યાજ્ઞવલ્ક્યજીએ સેંકડો વર્ષ સુધી સૂર્યનારાયણ(ભાનુ)ની ઉપાસના કરતાં ભગવાન સૂર્ય(ભાનુ)ને આ ભૂમિ પર ઉતરવાની ફરજ પડી હતી. આ તપોભૂમિ પર મરાઠા-પેશ્વાકાળ સમયના અંદાજે 400 વર્ષ પુરાણા શ્રી સિદ્ધિ વિનાયક ગજાનંદ મંદિરમાં શંખ-છીપલાં મિશ્રિત માટીમાંથી નિર્મિત શ્રીજી-ગણેશજીની 9 ફુટ ઊંચી અને 7 ફુટ પહોળી મૂર્તિ બિરાજમાન છે.શ્રદ્ધાળુઓમાં ભારે આસ્થા ધરાવતા આ ગણેશ મંદિરે હાલ ગણેશોત્સવ દરમિયાન શ્રીજીના દર્શન હેતુ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

શ્રી સિદ્ધિ વિનાયક ગજાનંદ મંદિરના સંચાલક ઉરેશભાઇ અને જ્યોતિષભાઇ ઉપાધ્યાયે શંખ-છીપલાં મિશ્રિત માટીમાંથી બનેલી શ્રીજીની મૂર્તિ અને મંદિરના ઇતિહાસ વિશે જણાવ્યું હતું કે, ચાર સૈકા અગાઉ તપસ્વી સાધુમહાત્માઓના સંઘે વિહાર દરમિયાન મહર્ષિ યાજ્ઞવલ્ક્યજીની તપોભૂમિ ભાનુક્ષેત્ર આવી મોતીરામ ભટ્ટના ખેતરમાં પડાવ નાંખ્યો હતો. સાધુ મહાત્માઓ ગણેશજીના ઉપાસકો હોઇ તેમણે મહર્ષિ યાજ્ઞવલ્ક્યજીની તપોભૂમિ પર ગણેશજીની મૂર્તિ સ્થાપવાનો સંકલ્પ કરી જ્યાં પડાવ નાંખ્યો હતો ત્યાં જ મૂર્તિ બનાવવાનો પ્રારંભ કર્યો હતો.

મૂર્તિ માત્ર માટીમાંથી બનાવાય તો કાળક્રમે ખંડિત થઇ જાય તેમ હતી. જેથી સાધુસંતોએ જમીનમાં ખોદકામ કરતાં જમીનના પેટાળમાંથી શંખ-છીપલાં સાથેની રાખોડી રંગની માટી મળી આવી હતી. આ માટીમાં પાણીનું મિશ્રણ કરવાથી  માટી સૂકાતાં પથ્થર બની જતી હોઇ તેમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી તેની વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરી મંદિર બનાવ્યું હતું.

સાધુસંતો દ્વારા સૈકાઓ પહેલાં સ્થપાયેલી શ્રીજીની મૂર્તિ 9 ફુટ ઊંચી અને  7 ફુટ પહોળી છે. શંકર સ્વરૂપ-ત્રિલોચનધારી અને જમણી સૂંઢવાળા ગણેશજીના મસ્તક ઉપર શેષનાગ બિરાજમાન છે. ચમત્કારિક અને મનોકામના પૂર્ણ કરનાર શ્રી સિદ્ધિ વિનાયક ગજાનંદ મંદિર આ પ્રકારનું એક માત્ર મંદિર હોઇ આ સ્થળે ગણેશોત્સવ, ગણેશ ચોથ અને મંગળવારે ગણેશ ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટે છે.

જો કે, ગણેશોત્સવમાં એસ.ટી.સત્તાવાળાઓ દ્વારા ભાણખેતર ગણેશ મંદિરે જવા માટે સ્પેશ્યિલ બસની વ્યવસ્થા કરાતી નથી. જેથી 400 વર્ષ પુરાણા ગણેશ મંદિરે ગણેશોત્સવમાં દર્શન માટે જવા ઇચ્છુક ભાવિક ભક્તોને રિક્શાના ભાડાં ખર્ચવા પડી રહ્યા છે. આ તકલીફને ધ્યાનમાં રાખી ભાણખેતર જવા માટે ગણેશોત્સવમાં વિશેષ ટ્રીપ શરૂ કરવાની માગ ઉઠી છે.

ધરતીકંપમાં શ્રીજીની મૂર્તિ સલામત રહી હતી 

જંબુસરથી દોઢ કિ.મી.ના અંતરે ભાણખેતર ગામમાં મરાઠા-પેશ્વાકાળ વખતના 400 વર્ષ જૂના ગણેશ મંદિરનો અનન્ય મહિમા છે. પેટાળની માટીમાંથી બનેલી ત્રિલોચનધારી-જમણી સૂંઢવાળા ગણેશજીની મૂર્તિ ચમત્કારિક છે. 2001 ના ધરતીકંપ વખતે મંદિરની લોખંડની ગ્રીલને નુકશાન થયું હતું પરંતુ શંખ-છીપલાં મિશ્રિત માટીમાંથી બનેલી ગણેશજીની મૂર્તિ સલામત રહી હતી. ગણેશ મંદિરની નજીકમાં વૈષ્ણવ સંપ્રદાયની હરિરાય મહાપ્રભુજીની બેઠક તથા થોડે દૂર પૂ.વલ્લભાચાર્ય મહાપ્રભુજીની બેઠક આવેલી છે

સાધુસંતોએ મંદિરની નીચે ભૂગર્ભ માર્ગ પણ બનાવ્યો હતો 

400 વર્ષ પહેલાં ભાનુક્ષેત્રમાં ગણેશજીનું મંદિર બનાવ્યા બાદ સાધુસંતોએ અવરજવર માટે મંદિરની નીચે ભૂગર્ભ માર્ગ પણ બનાવ્યો હતો. આ ભૂગર્ભ માર્ગ કેટલાય વર્ષોથી માટી તથા ભેખડો ધસી પડવાથી પૂરી દેવાયો છે. આ માર્ગ જંબુસરના જોગનાથ મહાદેવ મંદિર તરફ નીકળતો હતો. આ ભૂગર્ભ માર્ગ બાળપણમાં જોયો હોવાનું મંદિરના સંચાલક જ્યોતિષ ઉપાધ્યાયે જણાવ્યું હતું.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.