મી.રિપોર્ટર, ૩૦મી નવેમ્બર.
એમ.એસ.યુનિવર્સિટીમાં એમ.કોમ.પ્રિવિયસની ચાલતી પરીક્ષામાં એક સિનિયર અધ્યાપક આજે કેફી દ્રવ્ય પીને ફરજ પર આવ્યા હોવાનું અને તેમના મોઢામાંથી દુર્ગંધ આવતી હોવાની માહિતી બહાર આવતા જ પરીક્ષા કેન્દ્ર પર ભારે હોબાળો મચી ગયો હતો. જોકે અધ્યાપક ની પોલ વિદ્યાર્થીઓ અને યુનિ.ની હેડ ઓફિસ સમક્ષ ખુલે તે પહેલાં જ બે પટાવાળા ની મદદથી પોતાના ઘરે જતાં રહ્યાં હતાં.
એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં ગઇકાલથી એમ.કોમ.પ્રીવિયસની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં આજે પરીક્ષામાં બીજા દિવસે એડવાન્સ કોસ્ટ એકાઉન્ટિંગ ના પેપર વખતે ગર્લ્સ કોલેજ બિલ્ડિંગ ખાતે એક અધ્યાપક કેફી દ્રવ્ય પીણું પીને આવ્યા હતા. અધ્યાપક એ કેફી દ્રવ્ય નું એટલું બધુ સેવન કર્યું હતું કે તેઓ વ્યવસ્થિત બોલી કે ચાલી પણ શકતાં નહોતાં. વિદ્યાર્થીઓ ને સપ્લીમેન્ટરી આપીને વર્ગખંડ ની બહાર જ ખુરશી નાંખી ને બેસી ગયા હતા. જોકે પરીક્ષાના એક કલાક બાદ જ તબિયત લથડતાં તેમને બે પટાવાળા ની મદદથી ઘરે મોકલી દેવામાં આવ્યાં હતાં. તેમની જગ્યાએ અન્ય અધ્યાપકને જવાબદારી સોંપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે તેઓ પાન મસાલા ખાઈને કોલેજમાં ભણાવતાં હોવાની પણ વિગતો બહાર આવ્યાં છે.