વડોદરા સહિત રાજ્યના 4 શહેરોમાં 25મી સુધી આવશ્યક ચીજવસ્તુઓ-મેડિકલ સિવાયની તમામ દુકાન-સેવાઓ બંધ…કેમ ?

 

વડોદરા, સુરત, રાજકોટમાં પણ દૂધ-શાક-મેડિકલ-કરિયાણા સિવાયની તમામ દુકાનો-મોલ ૨૫મી સુધી બંધ : બેંકો, એટીએમ, પેટ્રોલપંપ, શેરબજાર, મીડિયા ઓફિસો ચાલુ :  સરકારી ઓફિસના વર્ગ 2 થી 4ના સ્ટાફને 29મી સુધી રોટેશનમાં બોલાવવા નિર્ણય

વડોદરા- મિ.રિપોર્ટર, ૨૧મી માર્ચ.
 
દેશમાં કોરોના વાઈરસનો કહેર વધવાની સાથે ગુજરાતના વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં પણ કોરોના વાઈરસના રાજ્યના કુલ 14 કેસો પૈકી ૧૨ પોઝીટીવ કેસો નોધાતાં ભારે ચિંતાની સ્થિતિ સર્જાઈ છે. સ્થિતિ વધુ વિકટ કે સ્ફોટક બને તે પહેલા જ રાજ્ય સરકારે આગામી 25મી માર્ચ સુધી ગુજરાતના ચાર મહાનગરમાં દવાઓ, તબીબી ઉપકરણો, શાકભાજી, કરીયાણું, જીવન આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો-સંસ્થાઓ અને અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સહિત તમામ દુકાનો અને મોલ્સ 25મી માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.  આ સિવાય રાજ્ય સરકારની કચેરીમાં, બોર્ડ નિગમોમાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કામ કરતા તમામ અધિકારીઓના માત્ર 50 ટકા અધિકારીઓ જ 29મી માર્ચ સુધી હાજર રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
 

આ ચાર શહેરોની આવશ્યક સેવાઓ જેવી કે, મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયત સેવાઓ, વીજળી સેવા, વીમા કંપની, ઇન્ટરનેટ, ટેલિફોન અને આઇ.ટી. સંબંધિત સેવા, બેન્ક, એ.ટી.એમ., બેન્કના ક્લિયરીંગ હાઉસ તથા સ્ટોક એક્ષચેન્જ અને તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન ચાલુ રહેશે. આ સિવાય અન્ય અતિ આવશ્યક સેવાઓ જેવી કે, રેલવે, ટ્રાન્સપોર્ટ સેવા, પેટ્રોલ પંપ, પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા તંત્ર તથા મીડીયા સમાચારપત્રો, ખાદ્ય પદાર્થો અને ખાદ્ય સામગ્રી, દવાઓ, પેસ્ટકંટ્રોલ, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા તથા તેને લગતા ઇ-કોમર્સ સાથે સંકળાયેલી દુકાનો-સંસ્થાઓ જ ચાલુ રહેશે.

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી 1200 બેડની નવી હોસ્પિટલને કોરોના વાયરસના પોઝિટીવ કેસની સારવાર માટે ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હોસ્પિટલ આગામી સોમવારથી કાર્યરત થઇ જાય તે માટે મહેસૂલ અધિક મુખ્ય સચિવને જણાવવામાં આવ્યું છે. ઉપરાંત રાજ્યના અન્ય 3 મહાનગરો રાજકોટમાં 250 બેડ, વડોદરામાં 250 બેડ તથા સુરતમાં 500 બેડની હોસ્પિટલની સુવિધા ઊભી કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

 

Leave a Reply