2014 ની લોકસભા ચૂંટણીમાં પહેલી વખત સામેલ ‘NOTA’ વિકલ્પને મતદારોનો પ્રતિસાદ : રાજ્યની 4 પૈકી 3 આદિવાસી બેઠકો દાહોદ, છોટાઉદેપુર અને વલસાડમાં ‘NOTA’ ને ભરપૂર મતો મળ્યા : વડોદરા, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ,મહેસાણા સહિતની 17 બેઠકો પર ‘NOTA’ ત્રીજા ક્રમે
રાજનીતિ-મિ.રિપોર્ટર, વડોદરા. દિવ્યકાંત ભટ્ટ
ચૂંટણીમાં જંપલાવતા ઉમેદવારો મતદારને યોગ્ય લાગે નહીં ત્યારે તેણે એક પણ ઉમેદવારને મત આપવો નથી તેવો મત આપવા માટે ઇ.વી.એમ.માં ‘NOTA’ નો વિકલ્પ 2014 ની લોકસભા ચૂંટણીથી શરૂ કરાયો છે. આ વિકલ્પને મતદારોએ 2014 ની ચૂંટણીમાં જબરદસ્ત પ્રતિસાદ આપ્યો હતો. જેથી લોકસભા-2014 ની ચૂંટણીમાં ગુજરાતની 26 પૈકી 17 બેઠકો પર વિજેતા અને પરાજિત ઉમેદવાર બાદ ‘NOTA’ ત્રીજા ક્રમે રહ્યો હતો. ‘NOTA’ ને મળેલો આ પ્રતિસાદ 2019 ની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે ચિંતાજનક સાબિત થાય તો નવાઇ નહીં !
2014 ની લોકસભા ચૂંટણીમાં પહેલી વખત સામેલ કરાયેલા ‘NOTA’ ના બટન અંગે મતદારો જાગૃત નહીં હોય તેવી રાજકીય પક્ષોની ગણતરી તદ્દન ખોટી પડી હતી. કારણ કે, ‘NOTA’ અંગે સરકારી તંત્ર દ્વારા મર્યાદિત પ્રચાર-પ્રસાર થયો હોવાના બિનરાજકીય સંસ્થાઓ(એન.જી.ઓ.)ના આક્ષેપ વચ્ચે ‘NOTA’ અધધધ…મતો મળ્યા હતા.
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પૈકી 17 બેઠકો પર ‘NOTA’ ત્રીજા ક્રમે રહ્યો હતો. જ્યારે 6 બેઠકો પર ચોથા ક્રમે, 2 બેઠકો પર 5 માં ક્રમે અને 1 બેઠક પર મળેલા મતોથી ‘NOTA’ છઠ્ઠા ક્રમે રહ્યો હતો. જેથી એવું કહી શકાય કે, સરકારી તંત્રે ‘NOTA’ ના પ્રચાર-પ્રસાર માટે ઓછો ખર્ચ કર્યો હોવા છતાં ચૂંટણીમાં ત્રીજા ક્રમના ઉમેદવારને મળતા જેટલાં મતો તેને અંકે કરી લીધા હતા.
આશ્ચર્યની વાત એ છે કે, વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદી જ્યાંથી ચૂંટણી લડ્યા હતા તે વડોદરા બેઠક પર પણ ‘NOTA’ ત્રીજા ક્રમે હતો. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ-ઇસ્ટ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ,છોટાઉદેપુર, વલસાડ અને બારડોલી બેઠક પર ‘NOTA’ ને ત્રીજા ક્રમના ઉમેદવાર જેટલાં મતો મળ્યા હતા.
ખાસ નોંધનીય બાબત એ જોવા મળી હતી કે, રાજ્યની 4 અાદિવાસી બેઠકો પૈકી 3 બેઠકો દાહોદ, છોટાઉદેપુર અને વલસાડમાં ‘NOTA’ ને ભરપૂર મતો મળ્યા હતા. આ ઉપરાંત પંચમહાલ અને બારડોલી બેઠક પર ‘NOTA’ ને મળેલા મતો જોતાં આ બેઠકો પણ ટોપ ટેનમાં અાવે છે.
‘NOTA’ માટે ટોપ ટેન સાબિત થયેલી બેઠકો અને મળેલા મતો
બેઠકનું નામ મળેલા મતો
દાહોદ 32,305
છોટાઉદેપુર 28,815
વલસાડ 26,606
પંચમહાલ 25,981
ભરૂચ 23,615
સાબરકાંઠા 22,334
ખેડા 20,333
બારડોલી 19,991
અમરેલી 19,143
રાજકોટ 18,249
2019 ની ચૂંટણીમાં ઓછું મતદાન થાય તો ‘NOTA’ નો રોલ મહત્ત્વનો બનશે
2014 ની ચૂંટણીમાં ગુજરાતમાં 63.66 ટકા મતદાન થયું હતું. ઊંચા મતદાનને કારણે ‘NOTA’ ને મળેલા મતોનું પ્રમાણ ઘણું વધારે હતું. પરંતુ જો 2019 ની ચૂંટણીમાં ગઇ ચૂંટણી કરતાં ઓછું મતદાન થાય અને ‘NOTA’ ને મળનારા મતોનું પ્રમાણ યથાવત્ રહે કે વધી જાય તો જીત-હારમાં ‘NOTA’ નો રોલ મહત્ત્વનો બની રહેશે એમાં શંકા નથી.