કેબિનેટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એકટ અને ભારતીય ટેલિગ્રાફ એકટમાં સંશોધનને મંજૂરી આપી
નવી દિલ્હી, મિ.રિપોર્ટર, ૧૯ મી ડિસમ્બર.
હવે તમારે બેન્કમાં ખાતુ ખોલાવવા કે પછી નવું સીમ કાર્ડ લેવા માટે આધાર કાર્ડ આપવું ફરજિયાત નથી. આધાર કાર્ડ આપવું કે નહિ તે અંગેનો નિર્ણય તમારે કરવાનો રહેશે. જો ઓળખ અને સરનામા ના ઓફિશિયલ ડોક્યુમેન્ટસ તરીકે આધાર કાર્ડ આપવા માટે બેન્ક કે ટેલિકોમ કંપનીઓ તમને દબાણ કરશે તો તેમને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. એટલું જ નહિ આધાર કાર્ડ ફરજિયાત જમા કરાવવાની ફરજ પાડનાર કંપનીઓના કર્મચારીઓને 3 થી 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે.
હવે કોઈ પણ વ્યક્તિ બેન્કમાં નવું ખાતુ ખોલાવવા કે નવું સીમ કાર્ડ લેવા માટે આધારકાર્ડ સિવાય પાસપોર્ટ, રેશનકાર્ડ કે અન્ય કોઈ માન્ય દસ્તાવેજનો ઉપયોગ કરી શકે છે.
સરકારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એકટ અને ભારતીય ટેલિગ્રાફ એકટમાં સંશોધન કરીને આ નિયમને સામેલ કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે આ સંશોધનને મંજૂરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ઓથેન્ટિકેશન કરનારી કોઈ સંસ્થા જો ડેટા લીક માટે જવાબદાર ઠરે છે તો કાયદા મુજબ આધાર તેને 50 લાખ સુધીનો દંડ અને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. જોકે આ સંશોધનને હાલ સંસદની મંજૂરી મળવાની બાકી છે.