મહિલા પોલીસે જણાવ્યું હતું કે, લોકડાઉન ચાલી રહ્યું છે એટલે સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરાવવું જરૂરી છે. હું જયારે પેટ્રોલિંગ પર નીકળી ત્યારે મંદિરમાં વર અને કન્યા સાથે આઠ લોકો હાજર હતા અને તેમની પાસે પરવાનગી હતી. વર અને કન્યાએ જણાવ્યું હતું કે, મેડમ પૂજારીની વ્યવસ્થા નથી થઈ રહી. તમે પણ બ્રાહ્મણ છો તેથી તમે લગ્ન કરાવશો તો પણ ચાલશે.
મહિલા SI અંજલી અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે, જન સેવા કરવાનું અમારૂ કાર્ય છે. અમારા ઉચ્ચ અધિકારીઓ તરફથી આદેશ મળ્યો છે કે જેટલી પણ શક્ય હોય તેટલી મદદ કરવી જોઈએ. લગ્ન કરાવતા સમયે જેટલા મંત્રો આવડતા હતા તે હું બોલી અને જે નહોતા આવડતા તેના માટે ગૂગલમાં “વિવાહ પદ્ધતિ” સર્ચ કરીને પછી વાંચન કર્યું. યજ્ઞ કુંડ ન હોવાના કારણે દીપ પ્રજવલિત કરવામાં આવ્યો હતો અને ભગવાનને ચઢાવેલા ફૂલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.