મને સરદાર સાહેબની વિશાળ પ્રતિમાને દેશને સમર્પિત કરવાનો અવસર મળ્યો, એ મારું સૌભાગ્ય છે : નરેન્દ્ર મોદી

Spread the love

મિ.રિપોર્ટર, કેવડિયા કોલોની, ૩૧મી ઓક્ટોબર.

મને સરદાર સાહેબની વિશાળ પ્રતિમાને દેશને સમર્પિત કરવાનો અવસર મળ્યો, એ મારું સૌભાગ્ય છે. જ્યારે મે સીએમ તરીકે તેની કલ્પના કરી હતી કે ત્યારે ખબર નહોતી કે એક દિવસ પીએમ તરીકે મારે જ તેનું અનાવરણ કરવાનો મોકો મળશે એમદેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીએ આજે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું. તેમણેવિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, સરદાર પટેલને સમ્માન આપવાને પણ કેટલાક લોકો રાજકારણ સાથે જોડે છે.અમે કોઈ મોટો અપરાધ કરી નાખ્યો હોય તેવી રીતે અમારી તરફ એ રીતે જોવામાં આવે છે.

વડાપ્રધાન પીએેમે કહ્યું હતું કે, આ સ્ટેચ્યુને જોવા માટે દેશ-વિદેશમાંથી અનેક લોકો આવશે, અને તેનાથી ટુરિઝમને પ્રોત્સાહન મળવાથી સ્થાનિક આદિવાસીઓને તેનો સૌથી મોટો ફાયદો મળશે. એટલું જ નહીં, લોકો આસપાસના વિસ્તારોમાં જઈને આદિવાસીઓની ક્ષમતાને, તેમના વિસ્તારોને જોશે. ટુરિઝમને કારણે અહીંના જન-જનના જીવનને બદલી નાખશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે આ ક્ષેત્રને એક નવી ઓળખ મળશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે દેશભરમાંથી ખેતીના જૂના ઓજારો એકઠા કરવાના અભિયાન દરમિયાન સૌ પ્રથમ મળેલો હથોડો પણ પીએમને ભેટ તરીકે અપાયો હતો. પીએમે કહ્યું હતું કે, તેઓ પોતાને મળેલી ભેટને અહીં જ મૂકીને જશે, જેથી અહી બનનારા મ્યુઝિયમમાં તેને મૂકી શકાય, અને લોકો તેને જોઈ શકે.

દેશના એકીકરણમાં સરદારની ભૂમિકા અંગે પીએમે કહ્યું હતું કે, આજે કચ્છથી કોહિમા અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી આપણે બેરોકટોક જઈ શકીએ છીએ તે સરદાર સાહેબને લીધે જ શક્ય થઈ શક્યું છે. જો તેમણે દેશને એક કરવાનો સંકલ્પ ન લીધો હોત તો ગીરના સિંહ જોવા અને સોમનાથમાં શિવના દર્શન કરવા માટે વિઝા લેવા પડત. જો તેમનો સંકલ્પ ન હોત તો કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સીધી ટ્રેનની કલ્પના પણ ન કરી શકાત, અને સિવિલ સર્વિસ જેવા વહીવટી માળખાને ઉભા કરવામાં આપણે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોત.

સરદાર પટેલને દેશના ગૃહમંત્રી એવા સમયે બનાવાયા હતા કે જે ભારતના ઈતિહાસનો સૌથી મુશ્કેલ સમય હતો. તેમના પર દેશનું એકત્રિકરણ કરવાની સાથે અસ્તવ્યસ્ત થયેલી કાયદા વ્યવસ્થાને સંભાળવાની પણ જવાબદારી હતી. તેમણે જ પોલીસ તંત્રને સુદ્રઢ બનાવ્યું. દેશને જોડવા અને મજબૂત બનાવવા સરદાર સાહેબ હરેક પળ સમર્પિત રહ્યા. સ્ત્રી સશક્તિકરણમાં પણ સરદાર પટેલનો મોટો રોલ હોવાનું પીએમે જણાવ્યું હતું. આઝાદીની લડાઈ વખતે અનેક નિરાશાઓ વચ્ચે આશાનું એક કિરણ હતા સરદાર પટેલ. તેમનામાં કૌટિલ્યની કૂટનીતિ, અને શિવાજી મહારાજના શૌર્યનો સમાવેશ હતો.

હજારો કામદારોએ મિશન મોડ પર આ કામ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીને ઉભું કર્યું છે. આ સ્ટેચ્યુ દેશના એન્જિનિયરિંગ અને બાંધકામની સ્કીલનું પણ એક દ્રષ્ટાંત છે. તેના માટે દેશભરના લોકોએ પોતાનો ફાળો આપ્યો છે, અને રેકોર્ડ સમયમાં આ કામ પૂરું થયું. સરદાર પટેલ ડેમનો શિલાન્યાસ ક્યારે થયું, અને ક્યારે તેનું ઉદ્ઘાટન થયું તે બધાને ખબર છે, પરંતુ આ સ્ટેચ્યુનું કામ તમારી સામે જોતજોતામાં થઈ ગયું તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે,આજના કાર્યક્રમમાં સીએમ રુપાણી દ્વારા પીએમને એક સમ્માનપત્ર પણ સોંપવામાં આવ્યો હતો. તેનો સ્વીકાર કરતા પીએણે કહ્યું હતું કે, મા પોતાના દીકરાના પીઠ પર હાથ મૂકે છે, ત્યારે દીકરાની તાકાત, ઉત્સાહ, ઊર્જા હજારોગણા વધી જાય છે. આજે આ સમ્માનપત્ર મેળવીને હું આ આશિર્વાદની અનુભૂતિ કરી રહ્યો છું.