ફૂટપાથ અને ઝુપડપટ્ટીમાં રહેતા તેજસ્વી બાળકોને ફ્રીમાં ઉચ્ચ શિક્ષણ આપવા “કાયાકલ્પ” પ્રોજેક્ટનો પ્રારંભ, કેવી રીતે પ્રવેશ મળશે ? જાણો ?

Spread the love

મહાવીર ફાઉન્ડેશન અને બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટ વચ્ચે કરાર : બરોડા હાઈસ્કૂલ (ગુજરાતી માધ્યમ), દંતેશ્વર ખાતે પ્રવેશ આપવામાં આવશે 

વડોદરા-મિ.રિપોર્ટર, ૨૩મી માર્ચ 

શહેરના ફૂટપાથ પર અને ઝુપડપટ્ટીમાં રહેતા પણ અભ્યાસમાં તેજસ્વી બાળકો કે જેમની આર્થિક ઘણી નબળી છે, તેવા વિદ્યાર્થીઓને સામાન્ય વિદ્યાર્થીઓની સાથે ભણવાનો મોકો આપવાના હેતુથી મહાવીર ફાઉન્ડેશન અને બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટ ના સંયુક્તક્રમે  “કાયાકલ્પ” પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ આર્થિક રીતે નબળા પરિવારના ઉજ્જવળ વિદ્યાર્થીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ફ્રીમાં ઉત્કૃષ્ટ શિક્ષણ પ્રદાન કરવામાં આવશે. 

“કાયાકલ્પ” પ્રોજેક્ટ અંગે બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટ (બી.એલ.સી.ઈ.ટી.)ના પ્રમુખ  જગદીશ શુક્લ જણાવ્યું હતું કે, બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટ છેલ્લા છ દાયકાથી વડોદરામાં કિન્ડરગાર્ટન થી ઉચ્ચ માધ્યમિક કક્ષા સુધી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં ઉત્કૃષ્ટ શિક્ષણ આપવા માટે જાણીતી સંસ્થા છે. ટ્રસ્ટ દ્વારા અલકાપુરી, બગીખાના, ઓ.એન. જી. સી. અને દંતેશ્વર ખાતે ચાર બરોડા હાઈસ્કૂલનું સંચાલન કરવામાં આવે છે. આ બંને ટ્રસ્ટ દ્વારા હવે એક સમજૂતી કરાર (એમ.ઓ.યુ.) કરવામાં આવ્યો છે જેના દ્વારા મહાવીર ફોઉન્ડેશનના “કાયાકલ્પ” પ્રોજેક્ટના સંયુક્ત અમલીકરણ માટે બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટ એક ભાગીદાર સંસ્થા તરીકે જોડાઈ છે. અભ્યાસમાં તેજસ્વી પરંતુ આર્થિક રીતે નબળા પરિવારના ઉજ્જવળ વિદ્યાર્થીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ઉત્કૃષ્ટ શિક્ષણ પ્રદાન કરવું આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે, જેથી કરીને અન્ય સંપન્ન વર્ગોના બાળકોની તુલનામાં આ વિદ્યાર્થીઓ આર્થિક સંસાધનોના અભાવે પાછળ ન રહી જાય.

મહાવીર ફોઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ ડો. બી. સી. જૈને જણાવ્યું હતું કે, મહાવીર ફોઉન્ડેશન ટ્રસ્ટ, સન ૨૦૦૦માં વડોદરા ખાતે સ્થાપવામાં આવેલ સખાવતી સંસ્થા છે જે મહાવીર ઇન્ટરનેશનલ (વડોદરા કેન્દ્ર) નું સંચાલન કરે છે. આ સંસ્થા દ્વારા આર્થિક રીતે નબળા વર્ગોના ઉત્કર્ષ માટે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. ખાસ તો, શાળા અને ઉચ્ચ શિક્ષણ કક્ષાએ આર્થિક રીતે પડકાર અનુભવતા હજારો વિદ્યાર્થીઓને આ સંસ્થા દ્વારા તેમના અભ્યાસ માટે શિષ્યવૃતિ પ્રદાન કરવામાં આવે છે. ઉપરાંત, તેના અનોખા ‘આશાદીપ’ પ્રોજેક્ટ દ્વારા ફૂટપાથ પર અને ઝુપ્પડપટ્ટીમાં રહેતા બાળકો માટે તેમને શાળામાં પ્રવેશ યોગ્ય બનાવવા માટે ઉપયોગી તેવા અનૌપચારિક શિક્ષણના વિવિધ કાર્યક્રમો આપવામાં આવે છે.  આર્થિક રીતે નબળા પરિવારના ઉજ્જવળ વિદ્યાર્થીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ઉત્કૃષ્ટ શિક્ષણ મળે તે હેતુથી અમારા ટ્રસ્ટે બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટ સાથે એક કરાર કર્યો છે.  

બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓ સી.એ. મિલન મહેતા અને પ્રો.અમિત ધોળકિયા વિશેષ રીતે હજાર રહ્યા હતા. 

 

‘પ્રોજેક્ટ કાયાકલ્પ’  શું છે ? કેવી રીતે કામ કરશે ? 

(૧) વડોદરામાં  બરોડા હાઈસ્કૂલ, દંતેશ્વર ખાતે આ પ્રોજેક્ટનો પ્રારંભ થશે. આ પ્રથમ પ્રોજેક્ટ છે. જે પાંચ વર્ષ માટે લાગુ કરવામાં આવ્યો છે. તે પછી તેની સમીક્ષા કરાશે. 

(૨) આ પ્રોજેક્ટના સરળ અમલીકરણ માટે બરોડા હાઈસ્કૂલ (ગુજરાતી માધ્યમ), દંતેશ્વર, ખાતે ઉચ્ચતર માધ્યમિક સ્તરે વિજ્ઞાન પ્રવાહ આ વર્ષ થી શરુ કરવામાં આવશે.

(૩)  આ પ્રોજેક્ટ અંતર્ગત શરૂઆતમાં લગભગ ૩૦૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ જેઓ તેમની છેલ્લી પરીક્ષામાં ૭૦ ટકાથી વધુ ગુણ સાથે ઉત્તીર્ણ થયા છે અને જેમની પરિવારની આવક વાર્ષિક ૨ લાખ રૂપિયાથી ઓછી છે તેમને પસંદ કરી વર્ગ ૯, ૧૦, ૧૧ કે ૧૨ માં બરોડા હાઈસ્કૂલ, દંતેશ્વર, ખાતે એડમિસન આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓ હાલમાં આ જ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રવેશ મેળવશે. જ્ઞાતિ, ધર્મ કે અન્ય કોઈ ભેદબાવ વિના કાયાકલ્પ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આગામી વર્ષોમાં આ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓની સંખ્યા વધારવામાં આવશે. 

(૪)  સામાન્ય રીતે એવું જોવા મળે છે કે તેજસ્વીતા હોવા છતાં આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓ માધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓની તુલનામાં બોર્ડની પરીક્ષાઓમાં એટલા સારા ગુણ નથી પ્રાપ્ત કરી શકતા. આનું મુખ્ય કારણ એ હોય છે કે, શાળાના શિક્ષણ ઉપરાંત જરૂરી વધારાનું કોચિંગ તેમને પ્રાપ્ત નથી થતું. આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા વિદ્યાર્થીઓ એસ.એસ.સી. અને એચ.એસ.સી. ની પરીક્ષાઓ માં સારા ગુણ પ્રાપ્ત કરી તબીબી, એન્જીનીયરીંગ, ફાર્મસી કે આર્કિટેક્ચર જેવા વ્યવસાયિક કોર્સમાં પ્રવેશ મેળવી શકે તે હેતુથી બરોડા હાઈસ્કૂલ, દંતેશ્વર, ખાતે જ કાયાકલ્પ પ્રોજેક્ટ હેઠળ રજીસ્ટર થયેલા વિદ્યાર્થીઓને દરરોજ શાળાના સમય બાદ ત્રણ કલાક માટે મહાવીર ફોઉન્ડેશન દ્વારા સક્ષમ શિક્ષકો દ્વારા વિશેસ કોચિંગ કોઈ પ્રકારની ફી લીધા વિના આપવામાં આવશે. આ કોચિંગ પ્રાપ્ત કરવા માટે શાળાના વિદ્યાર્થીઓ માટે શાળાના બિલ્ડીંગમાંજ વ્યવસ્થા કરવામાં આવશે.

(૫) આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા આ વિદ્યાર્થીઓને વિના મુલ્યે અપાનારા આ વધારાના કોચિંગમાં કમ્પ્યુટર સહીત તમામ વિષયો આવરી લેવાશે.

(૬)  કાયાકલ્પ પ્રોજેક્ટ હેઠળ ના વિદ્યાર્થીઓની ફી નો મોટો ભાગ, તેમનો ગણવેશ, બુટ, પુસ્તકો, અભયસ માટેની કીટ, નોટબૂક વગેરે નો ખર્ચ મહાવીર ફોઉન્ડેશન ઉઠાવશે. અતિ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફીનો ખર્ચ ફોઉન્ડેશન ભરપાઈ કરશે. આ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓને અત્યંત રાહત દરે પૌષ્ટિક ભોજન આપવામાં આવશે.

(૭) ઘણા નિષ્ણતો દ્વારા આ પ્રોજેક્ટના વિદ્યાર્થોને વિશિષ્ટ કોચિંગ આપવામાં આવશે. નિયમિત વિષયો ઉપરાંત અંગ્રેજી અને વ્યક્તિત્વ વિકાસ માટે ખાસ વર્ગો લેવામાં આવશે. “સ્માર્ટ ગર્લ” કાર્યક્રમ અંતર્ગત બાળકીના કૌશલ્ય-વર્ધન અને માર્ગદર્શન માટે વિશેષ પ્રબંધ કરવામાં આવશે. નિયમિત હેલ્થ ચેક-અપ પણ કરવામાં આવશે.

(૮) બંને ટ્રસ્ટના સભ્યોની એક સંયોજક સમિતિ આ પ્રોજેક્ટની નિયમિત સમીક્ષા કરી તેના હેઠળના તેજસ્વી વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે.

(૯)  તેજસ્વી બાળકો ઉપરાંત આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોમાંથી આવતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ આગામી સમયમાં કૌશલ્ય વર્ધન અને વ્યવસાયિક તાલીમ માટે ની વ્યવસ્થા બરોડા હાઈસ્કૂલ, દંતેશ્વર, ખાતે ઉભી કરવા માટે નું આયોજન કરવાનું પણ આ બંને ટ્રસ્ટની વિચારણા હેઠળ છે.