ટેકનોલોજી- મિ.રિપોર્ટર, ૧૭મી ફેબ્રુઆરી. 

 
તમે પેટીએમ કે અન્ય કોઈ મોબાઇલ વોલેટ એપમાં એકાઉન્ટ ધરાવતા હો કે ન ધરાવતા હો, તેમાં નો યોર કસ્ટમર (કેવાયસી)ની વિધિ તમે પૂરી કરી હોય કે ન કરી હોય, તમને એવો એસએમએસ આવી શકે છે, જેમાં લખ્યું હોય કે ‘‘તમારું વોલેટ એકાઉન્ટ, કેવાયસી વિધિ પૂરી ન કરી હોવાને કારણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું, આ વિધિ પૂરી કરવા માટે તાત્કાલિક આ નંબર પર કોલ કરો…’’

જો તમે એ મોબાઇલ વોલેટનો ઉપયોગ  જ ન કરતા હો કે કેવાયસી વિધિ પૂરી કરેલ હોય કે પછી તમે આવા ફ્રોડથી વાકેફ હો તો તમે અચૂક આવા એસએમએસની અવગણના કરો. 

પણ ઘણા લોકો આવા વોલેટનો ઉપયોગ કરતા હોય, કદાચ તેમાં ખરેખર કેવાયસી વિધિ પૂરી કરી ન હોય અને ખાસ તો, ઇન્ટરનેટ પર આવી રીતે ફ્રોડ થાય છે તેની જાણકારી ન હોય તો આ છટકામાં સહેલાઈથી ફસાઈ જાય છે. તેઓ પેલા મેસેજમાં આપેલા નંબર પર કોલ કરીને, આગળ શું કરવાનું છે તે પૂછી બેસે છે.

કહેવાની જરૂર નથી કે સામેના નંબર પરની વ્યક્તિને પેટીએમ કે અન્ય મોબાઇલ વોલેટ સાથે કોઈ સંબંધ હોતો નથી. છતાં, પોતે તેનો કર્મચારી હોવાનું કહે છે. તે કહે છે કે ખાતું તમારું જ છે તેની ખાતરી કરવા માટે તમારે ફક્ત એક રૂપિયો કે દસ રૂપિયા તમારા ખાતામાં, કોઈ પણ રીતે ઉમેરવાના છે – પરંતુ એ પહેલાં તમારે એક એપ ઇન્સ્ટોલ કરવી જોઈશે!

આ એપ ‘ટીમવ્યૂઅર’ કે ‘એનીડેસ્ક’ નામની રીમોટ એક્સેસ એપ હોઈ શકે છે. આ એપ્સ પોતે ગેરકાયદે કે બનાવટી નથી, પણ તેની મદદથી, આપણે પેલા ઠગને આપણા ફોનનો સ્ક્રીન દૂર બેઠાં બેઠાં ‘જોવાની’ સુવિધા કરી આપીએ છીએ.

હવે ઠગ આપણને, આપણા પોતાના પેટીએમ એકાઉન્ટમાં નજીવી રકમ ઉમેરવાનું કહે છે. આપણે કોઈ પણ રીતે આ ટ્રાન્ઝેકશન કરીએ એટલે તેને સંબંધિત ઓટીપી આપણા મોબાઇલમાં આવે છે. જે પેલો ઠગ પણ જોઈ શકે છે. તરત ને તરત એ આપણા ટ્રાન્ઝેકશનને કારણે મળેલી વિગતો તથા ઓટીપીનો ઉપયોગ કરીને બીજું મોટી રકમનું ટ્રાન્ઝેકશન કરી લે છે, જે તેના ખાતામાં જાય છે અથવા તેને નામે કોઈ પણ જગ્યાએ શોપિંગનું પેમેન્ટ કરવામાં વપરાઈ જાય છે. ભારતમાં આવી રીતે, ‘રીમોટ એક્સેસ એપ’ની મદદથી થતા ફ્રોડનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

 રીમોટ એક્સેસ એપ શું છે ?

જો તમારી ઓફિસમાં તમારા કમ્પ્યુટરના મેઇન્ટેનન્સની જવાબદારી કંપનીની હેડઓફિસમાં બેઠેલી આઇટી ટીમ સંભાળતી હશે તો તમે રીમોટ એક્સેસ સોફ્ટવેર વિશે જાણતા હશો. સોફ્ટવેરના ઓનલાઇન સપોર્ટ માટે પણ રીમોટ એક્સેસનો ઉપયોગ થતો હોય છે.

રીમોટ એક્સેસ સોફ્ટવેરની મદદથી આપણા કમ્પ્યુટરથી દૂર બેઠેલી કોઈ વ્યક્તિ, આપણી મંજૂરી પછી આપણા કમ્પ્યુટરની એક્સેસ મેળવીને તેમાં જે કરવાના ફેરફાર કરી શકે છે. ઝડપથી ટેકનિકલ મદદ મેળવવાનો આ એક બહુ સરસ રસ્તો છે. વ્યસ્ત એક્ઝિક્યુટીવ્સ પોતાના અલગ અલગ પીસી, લેપટોપ વગેરે ગમે ત્યાંથી એક્સેસ કરવા માટે પણ રીમોટ એક્સેસ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોય છે. હવે સ્માર્ટફોન અને ટેબલેટ માટે પણ રીમોટ એક્સેસ એપ્સ આવી ગઈ છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને અન્ય બેન્ક તરફથી વારંવાર ચેતવણી આપવામાં આવે છે કે આ પ્રકારની એપ્સની મદદથી ઠગાઈ કરનારા લોકો આપણા સ્માર્ટફોનનો અંકુશ મેળવીને આપણા બેન્કિંગ એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી શકે છે! રિઝર્વ બેન્ક પહેલાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ આ જ પ્રકારની ચેતવણી આપી હતી. 

મતલબ કે રીમોટ એક્સેસ ટેકનોલોજી પોતે ખરાબ નથી પણ છેતરપિંડી કરનારા લોકોએ તેનો દુરુપયોગ કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે.

તમારે  શું ધ્યાન રાખવું જોઈએ ?

1)કોઈ પણ વ્યક્તિ ખાસ કરીને તદ્દન અજાણી વ્યક્તિના કહેવાથી કોઈ પણ એપ પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરશો નહીં. 

2) તમારા ફોનમાં આવેલો કોઈ પણ ઓટીપી કોઈ પણ વ્યક્તિને ક્યારેય આપશો નહીં.

3) મોબાઇલ વોલેટ્સમાં ફૂલ કેવાઇસી અને મિનિમમ કેવાઇસી એમ બે પ્રકારની કેવાઇસી પદ્ધતિ હોય છે. મિનિમમ કેવાઇસીમાં વોલેટનો ઉપયોગ મર્યાદિત છે.

4) મિનિમમ કેવાઇસીની પ્રક્રિયા માટે કોઈ સપોર્ટની જરૂર હોતી નથી, એ આપણે જાતે જ એપમાંની સૂચનાઓનું પાલન કરીને પૂરી કરી શકીએ છીએ.

5) ફૂલ કેવાઇસી માત્ર આવી કંપનીના ઓથોરાઇઝ્ડ કેવાઇસી પોઇન્ટમાં રૂબરૂ જઇને જ અને આપણી ઓળખ સાબિત કરતા દસ્તાવેજો આપીને જ પૂરી કરી શકાય છે.

6) વોલેટ્સ કંપની તરફથી ક્યારેય કોલ કરીને કોઈ એપ ઇન્સ્ટોલ કરવા કહેવાતું નથી.

7) મોબાઇલ વોલેટમાં તમને કોઈ ઓફર હેઠળ તમને કેશબેક મળે તો તે મેળવવા માટે કોઈ લિંક મોકલવામાં આવતી નથી. તે રકમ ડાયરેક્ટલી આપણા મોબાઇલ વોલેટમાં  જમા થતી હોય છે. આથી તમને કેશબેક મળ્યો હોવાની જાણ કરીને તે મેળવવા માટે કોઈ લિંક પર ક્લિક કરવાનું કહેતો મેસેજ મળે તો તેને ધ્યાન પર લેશો નહીં કે અન્યોને ફોરવર્ડ પણ કરશો નહીં.

8) બેન્કની જેમ કોઈ પણ મોબાઇલ વોલેટના કર્મચારી પણ આપણને ક્યારેય આપણા પિન, ઓટીપી, પાસવર્ડ, પાસવર્ડ રીસેટ કરવાની લિંક, ડેબિટ/ક્રેડિટ કાર્ડના સીવીવી કે પિન કે બેન્કની અન્ય વિગતો પૂછશે નહીં. આવી વિગતો ફોન પર ક્યારેય કોઈને કહેશો નહીં.

9) ફોનના સેટિંગ્સમાં ‘એપ પરમિશન્સ’ના ઓપ્શન શોધી કાઢો અને તેમાં એ જુઓ કે તમે કઈ કઈ એપને તમારા એસએમસએસ એક્સેસ કરવાની છૂટ આપી છે. 

10) ભીમ,પેટીએમ કે ગૂગલ પે જેવી નાણાકીય સર્વિસ કે ગૂગલ પ્લે સ્ટોર અને મેસેજિસ જેવી જાણીતી સર્વિસ કે તમારી પોતાની મોબાઇલ કંપનીની એપને એસએમએસ એક્સેસની મંજૂરી આપી હોય તો વાંધો નથી પરંતુ એ સિવાય કોઈ પણ એપને એસએમએસ રીડ કરવાની મંજૂરી આપી હોય તો એ પાછી ખેંચી લો.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: