બંને હાથ ની હથેળી થી તેના ગાલ પકડ્યા, તેના આસું લૂછ્યા પછી મે કહ્યુ, તારા મમ્મી પપ્પા ને શોધવા નો પ્રયત્ન કરું છું….

(પાર્ટ-૧ બે દિવસ પહેલા તો કેવી સુંદર પ્રેમ ભરેલી મારી દુનિયા એકજ ઝટકે બદલાઈ ગઈ હતી. હું દુનિયા માં એકલો, અળખામણો બની ગયો હતો. મને તો ખબર પણ નતી કે કેટલાય જુલ્મ તો હજી આ બે રહેમ દુનિયા પાસે થી સહેવાના બાકી છે…હવે આગળ…)

આ દુનિયા મને ચીરતી ગઈ હું ચીરતો ગયો અને ધીરે ધીરે દુખ નાસૂર થતું ગયું, હું લાગણી શૂન્ય થતો ગયો અને દુનિયા ને બદલા માં નફરત આપતો ગયો આમ ધીરે ધીરે ત્રણ ચાર વર્ષ વીતી ગયા, ક્યારેક માબાપ યાદ આવી જતા પણ તેટલાજ જલ્દી થી ભુલાઈ જતા. અને ત્યારે મને મારો એક દોસ્ત મળ્યો એનું નામ હતું રાજા અને એને મને હાથ-ચાલાકી શીખવાડી.

મને તે રોજ જાહેર જગ્યાઓ જેમકે બસ-સ્ટેન્ડ, સિનેમાઘર, હોસ્પિટલ, બાગ, વિગેરે જગ્યા પર લઇ જઈ ભીડ માં હાથ કેવીરીતે સાફ કરવાનો તે તેને મને શીખવાડ્યું. અને મારા પર કોઈ છત્ર છાયા હતી નહિ ને હું ધીરે ધીરે ચોર બની ગયો અને આજે મારા પણ સાથીદાર થઇ ગયા.

અચાનક મારા લાકડા ના દરવાજા પર ધડ ધડ અવાજ આવ્યો હું વિચારો માંથી બહાર આવ્યો મને ખાતરી હતી કે સાથીઓ માલ લઇ ને ભાગ પાડવા આવ્યા હશે અને તેમજ થયું. મેં દરવાજો ખોલી બધાને અંદર લીધા બધા (હરીશ, બાબુ, પકો, નીરુ, વિકાસ અને અમર) ના ચહેરા પર ખુશી સાફ દેખાતી હતી. પણ મારા મનમાં બસ એક જ વાત ચાલતી હતી કે ક્યારે હું પ્લેટફોર્મ પર જવું અને પેલી નાની છોકરી ને મળું. ભાગ પડ્યો અને છુટા પડવાનો વખત આવ્યો. જાણે કેમ નીરુ ને મારા મન નો સ્હેજ ખ્યાલ આવી ગયો અને બધા બહાર નીકળ્યા પણ તે પાછળ રહી મારી પાસે આવી

“શું થયું?? કેમ ખોવાયલો લાગે છે???? : નીરુ એ મારી સામે જોઈ કીધું.

“યાર, સાચે કહું બહુજ બેચેની લાગે છે આજે… પણ તું એક કામ કરે છે??

“બોલ ને”

“ચલ ફટાફટ પ્લેટફોર્મ પર જઈને આવીએ”

“કેમ??” નીરુ કુતુહુલ થી બોલી

“તને રસ્તા માં સમઝવું છું!!!!”

અમે બંને તાળું મારી ફટાફટ પ્લેટફોર્મ તરફ નીકળ્યા અને રસ્તામાં મેં બધું નીરુ ને જણાવી દીધુ. તે પણ મારી આ બાબતે સહમત પણ થઇ અને ગંભીર પણ.

અમે બંનેએ ઢાળ ચઢવાનું ચાલુ કર્યું અને જોયું પેલી નાની બેબી હજી ત્યાજ હતી. મેં ફટાફટ તેની પાસે જઈ તેની સામે ઉભો રહી ગયો. તેને તેનું મોઢું તેના ખોળા માં નાખી રાખી રડી રહી હતી.

મેં ખુબજ ધીમા અને હળવાશ થી તેને પૂછ્યું: “શું થયું બેટા, કેમ રડે છે???”

તેને મારી તરફ ધીરે થી ઉપર જોયું, તેના માસુમ ચહેરા પર જબરદસ્ત ગભરામણ દેખાઈ રહી હતી, તેની આખો રડી ને લાલ થઇ ગઈ હતી, તે ભીની આંખો એ લગભગ બધું કહી દીધુ. પહેલા તો કઈ બોલી નહિ પણ વારંવાર પૂછ્યા પછી તે બોલી…

“અંકલ, હું છૂટી… પડી… ગઈ.. છું!!!” ત્રુટક અવાજે બોલી. મેં થોડું વધારે જાણવા થોડા સવાલ પૂછ્યા તેમાં મને લાગ્યું કે છેલ્લા અડધો એક કલાક માં કોઈ ટ્રેન માં ચડતી વખતે રહી ગઈ છે. એટલે મેં નીરુ ને તેનું ધ્યાન રાખવાનું કહી સીધો રેલ્વે સ્ટેશન ની ઓફીસ માં છેલ્લા અડધા કલાક માં કેટલી ટ્રેન પસાર થઇ છે તેની જાણકારી લેવા દોડ્યો. હું ઓફીસ માં ગયો ત્યાં બે ત્રણ અધિકારી બ્લુ કોટ પહેરી બેઠા હતા તેમને પરિસ્થિતિ ની જાણ આપી તેમને પણ પૂરો સહકાર આપ્યો અને તેમને મને દીધું કે ત્રણ ટ્રેન પસાર થઇ છે.. અને આગળ કયા સ્ટેશન પર ઉભી રહેશે તે જણાવ્યું.

હવે મેં આ ત્રણ ટ્રેન ના આગલા સ્ટેશન ના નંબર તે અધિકારીઓ પાસે થી લઇ અને સાથે સાથે લઇ લીધા. અને તાત્કાલિક ત્રણેય સ્ટેશન પર ”બાળકી ખોવાઈ છે” એવી જો કોઈ ફરિયાદ આવે તો તે બાળકી અમારી પાસે છે અને તાત્કાલિક અમને સંપર્ક કરે. હવે, હું થોડું પાણી, ચોકલેટ, બિસ્કીટ લઇ બાકડા પર ગયો. મેં તેની પાસે જઈ તેના માથા પર હાથ મુક્યો. અને બંને હાથ ની હથેળી થી તેના ગાલ પકડ્યા, તેના આસું લૂછ્યા :” બેટા કઈક કરું છું તારા માટે, તારા મમ્મી પપ્પા ને શોધવા નો પ્રયત્ન કરું છું…” તેને કોઈ જવાબ આપ્યો નહિ અને એક ટક જોઈ રડતી રહી. મેં તેટલા માં હરીશ, બાબુ, પકો, વિકાસ અને અમર ને બોલાવી લીધા અને દરેક ને કામ સોપી દીધા.

“કઈ પણ કરો…. આ બેબી ને એના મમ્મી પપ્પા સાથે મળવી આપો” હું પુષ્કળ તાકાત થી બોલ્યો.

“કેમ ??? એવું શું છે એના માં, કે બધો કામ ધંધો છોડી આ કામ કરાવે છે તું???” : હરીશ તોછડાઈ થી બોલ્યો.

“હા, છે એના માં કૈક… છે કૈક.. અને એની પાસે પણ છે કૈક… જે… કે……એનું ભવિષ્ય છે.. એનું ઘર છે….એના માબાપ છે… સ્નેહીજનો છે…..એનું બાળપણ છે.. એની પાસે જે કઈ તેનું છે તે આજે આપડે તેને તેની સાથે માંલાવવાનું છે.. તેને આપડા જેવી બનતી રોકવાનું છે… તને મદદ કરવી હોય તો કર નહી તો હું એકલો તેના માબાપ ને શોધી નાખીશ…” મેં ગુસ્સામાં હરીશની સામે જોઈ ને બોલ્યો..અને બાકડા પર માથે હાથ દઈ બેસી ગયો. મને મારા બાળપણ ના બધાજ અસહાય દ્રશ્યો મન માં ઉભરાઈ આવ્યા. મને નીરુ એ આટલો લાગણીશીલ ક્યારેય જોયો ન હતો. હું ફરી પાછો તે નાની બેબી પાસે ગયો તેને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો અને સાથે કે હું છું તેની સાથે.. તેને વિશ્વાસ આપવાનો પ્રયત્ન કર્યો કે હું બધીજ કોશિશ કરી છૂટીશ. છેલ્લા અડધા કલાક માં પહેલી વાર તેના ચહેરા પર થોડી શાંતિ જોવા મળી.

મેં પાછા બધા સ્ટેશન પર ફોન કરવાનું ચાલુ કરી દીધું પહેલા બે સ્ટેશન પર તો ગાડી આવી ગઈ હતી પણ ત્યાના અધિકારીઓ એ કોઈ ફરિયાદ નો ઉલ્લેખ કર્યો નહિ. હવે બસ ત્રીજા સ્ટેશન પર હજી ગાડી પહોચી ન હતી.

એટલા માં વિશાલે સ્ટેશન ની ઓફીસ માંથી બહાર આવી મને દુર થી તેની પાસે આવવા ઈશારો કર્યો અને હું ભાગ્યો… અને વિશાલ પાસે પહોચ્યો અને ઉતાવળે પૂછ્યું :” શું થયું ???”
“લે, અંદર જઈ ને ફોન લે, આ સાહેબો તને વાત કરવા કહે છે!!!!”

આ સાંભળી મને ચોક્કસ થયું કે કોઈ બેબી ની ખબર છે… હું બારણા ને ધક્કો મારી અંદર ગયો.. અંદર બેઠેલા અધિકારી એ મને ફોન ધરી વાત કરવા ઈશારો કર્યો… મેં ફોન ખુચવી ઉતાવળે હાંફતા હાંફતા કાન પર લગાવ્યો

“હેલો… હેલો….”

સામે થી ડરેલા સ્વરો માં એક મહિલા નો અવાજ આવ્યો “ભાઈ, આ સાહેબો કહે છે કે તમને નાની બેબી મળી છે.. તમે જે કોઈ પણ હો.. મહેરબાની કરીને તમારી પાસે રાખો અમે તેને લેવા આવીએ છીએ.. મેં તરત જ તેમને આવવા કહી દીધું અને તેમની રાહ જોવા સ્ટેશન ની બહાર ઉભા રહી ગયા.

થોડીજ વાર માં એક ટેક્ષી સ્ટેશન પાસે આવી તેમાંથી બે પતી પત્ની અધીરાઈ થી ઉતર્યા.. તેમની અધીરાઈ જોઈ અમને લાગી ગયું કે કદાચ આજ તે બેબી ના માતા પિતા છે… અમે ખાતરી કરી તેમને તે બેબી પાસે લઇ ગયા.. તેઓ એક બીજા ને વળગી પડ્યા.. ખુશી અને આંસુ બંને વહી રહ્યા હતા .. હું દુર ઉભો ખીસા માં હાથ નાખી આ દ્રશ્યો જોતો રહ્યો. તેના માબાપ મારો આભાર માનવા મારી પાસે આવતા હતા અને અચાનક તે નાની બેબી દોડીને મારી પાસે આવી મને વળગી પડી.. મેં તેને ઉચકી લીધી..

મારી આખો માં પાણી આવી ગયા અને દિલ માં સંતોષ હતો કે કોઈ ફરી મારા જેવું બનતા હું અટકાવી શક્યો… મને આજે લાગ્યું કે મારે ચોરી બંધ કરવી જોઈએ.. મેં અને નીરુ એ એક નાની નોકરી શરુ કરી દીધી… મને ચિત્ર કળા નો બહુ શોખ હતો અને કોઈ વાર ચિત્રો પણ દોરતો હતો.. આજે મારી નાનપણ આછી પાતળી યાદો માંથી મેં એક ખાસ ચિત્ર મારા દોર્યું અને એ હતું મારા માબાપ નું.. અને દોર્ય પછી નીચે લખ્યું “હશે, તો પણ ક્યાં હશે ??? શું મને યાદ પણ કરતાં હશે ????”.

(  વધુ આવતા અંકે  : જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.  આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whats App no 7016252600 & 7016252800 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો. )

 

 

Leave a Reply