શું હું ભાજપમાં જોડાયો હોત તો મારા વિરોધીઓ મને દેશભક્ત કહેત ? : હાર્દિક પટેલ

અમદાવાદ-મિ.રિપોર્ટર, ૧૫મી માર્ચ.

મારો આજે પણ એવા લોકો જ વિરોધ કરી રહ્યા છે, જે પ્રથમ દિવસથી જ મારા વિરોધી રહ્યા છે. જો હું ભાજપમાં જોડાયો હોત તો હાલ વિરોધ કરનારા શું કરત? હું આખા સમાજને કાયમ માટે રસ્તા પર લઈને ન ફરી શકું, છેલ્લા સાડા ત્રણ વર્ષમાં મેં જે કામ કર્યું છે, તેમાં જે ખામી રહી ગઈ છે તેને પૂરી કરવા માટે જ  હું કોંગ્રેસ સાથે જોડાયો છું એમ કોંગ્રેસમાં સત્તાવાર રીતે 12મી માર્ચે જોડાઈ ગયા બાદ હાર્દિકે પોતાની કોંગ્રેસના નેતા તરીકે પ્રથમ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને  સ્પષ્ટતા કરતા પત્રકારોને જણાવ્યું હતું. 

કોંગ્રેસનો એજન્ટ હોવાના આક્ષેપ અંગે  હાર્દિકે જણાવ્યું હતું કે,  ભાજપમાંથી રુપિયા 1200 કરોડની ઓફર મને હતી. એટલું જ નહિ પણ મારી સામેના ચાલી રહેલા રાજદ્રોહ સહિતના કેસો પાછા ખેંચી લેવાની પણ ખાતરી આપવામાં આવી હતી. સાથે સાથે સારું પદ પણ આપવાની ઓફર કરવામાં આવી હતી. છતાં પણ મેં  ભાજપમાં જોડાવાને બદલે કોંગ્રેસમાં જોડાવાનું પસંદ કર્યું છે. મારી  સામે રાજદ્રોહ સહિતના 24 કેસો ચાલી રહ્યા છે, હું ચૂંટણી લડશે કે કેમ તે અંગેનો કેસ પણ હાલ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે તો પછી હું કોંગ્રેસનો એજન્ટ કઈ રીતે થઈ ગયો?  મારે જે કામ કરવું છે, જે મુદ્દાઓનું સમાધાન લાવવું છે તેના માટે રાજકીય પ્લેટફોર્મની જરુર હતી. હું ક્યાં સુધી સમાજને કે યુવાનોને લઈને રસ્તાઓ પર ફરે રાખું?

ભાજપ પર પ્રહારો કરતા હાર્દિકે કહ્યું હતું કે, ભાજપ ચૂંટણી ટાણે લોકોને ગુમરાહ કરે છે. હું ભાજપથી ખરીદાયો નહીં એટલે મને કોંગ્રેસનો એજન્ટ ગણાવાઈ રહ્યો છે. હાર્દિકે કહ્યું હતું કે, મારી સામે ભાજપ અને કોંગ્રેસ એમ બે જે ઓપ્શન હતા, તેમાંથી મેં કોંગ્રેસની પસંદગી એટલા માટે કરી છે કારણકે મને આ પાર્ટીમાં કંઈક દેખાઈ રહ્યું છે. હાલમાં ભાજપ અને ખુદ મોદી સરકાર રાહુલ ગાંધી અને મનમોહન સિંહ સામે અપપ્રચાર કરીને દેશને ગુમરાહ કરી રહ્યા છે. જો હું ભાજપમાં જોડાયો હોત તો દેશભક્ત થઈ ગયો હોત અને કોંગ્રેસમાં જોડાયો એટલે મને એજન્ટ કહેવાઈ રહ્યો છે.