ગુજરાતની મોટી સિદ્ધિ : રાજકોટની કંપનીએ 10 દિવસમાં જ 1 લાખનું સ્વદેશી વેન્ટિલેટર ‘ધમણ-1’ બનાવ્યું, 1000 નંગ ગુજરાતને આપશે

Spread the love

મેઈડ ઈન ગુજરાતની થીમ પર વેન્ટિલેટર બન્યું: રૂપાણી : 150 નિષ્ણાત ઈજનેરોની ટીમે 10 દિવસમાં વેન્ટિલેટર બનાવ્યું

અમદાવાદ- મિ.રિપોર્ટર, ૪થી એપ્રિલ. 

સમગ્ર વિશ્વ હાલમાં  કોરોના વાઈરસ સામે લડાઈ કરી રહી છે, ત્યારે ગુજરાતે આજે એક મહત્ત્વની સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાતની રાજકોટની એક કંપનીએ કોરોના દર્દીઓના ઈલાજમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવતા સ્વદેશી બનાવટના વેન્ટિલેટરનું ફક્ત 10 દિવસમાં નિર્માણ કરી દેખાડ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધમણ-1 નામના આ વેન્ટિલેટરની ખાસિયત એ છે કે તેના બધા પાર્ટ્સ સ્વદેશી છે અને તેની પડતર ફક્ત રૂ. 1 લાખ જેટલી છે. જ્યારે બજારમાં અન્ય સામાન્ય વેન્ટિલેટરની કિંમત રૂ. 6.50 લાખ જેટલી હોય છે અને અત્યારે તો તેની પણ ભયંકર શોર્ટેજ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા રાજકોટની કંપની જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજાએ આજે ગાંધીનગરમાં ધમણ-1ને લોંચ કર્યું હતું. આગામી 10 દિવસમાં ગુજરાત સરકારને કંપની તરફથી 1000 ધમણ-1 વેન્ટિલેટર સપ્લાય કરાશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ સામેની લડાઈમાં વેન્ટિલેટરની સૌથી મહત્ત્વની ભૂમિકા છે. પોઝિટિવ દર્દીને શ્વાસમાં તકલીફ પડે એટલે વેન્ટિલેટર પર તેને રાખવા પડે છે. આવામાં વેન્ટિલેટરની અછત સર્જાય તે સ્વાભાવિક છે. જો કે, રાજકોટની જ્યોતિ સીએનસીએ ઓછા ખર્ચે અસરકારક વેન્ટિલેટર બનાવવાનો પડકાર ઝીલ્યો હતો અને પરાક્રમસિંહ જાડેજાએ મેઈડ ઈન ગુજરાત, મેઈડ ઈન રાજકોટ એવું આ વેન્ટિલેટર બનાવીને તેને કાર્યરત કરી દેખાડ્યું છે.

આ અંગે જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ડૉ. રાજેન્દ્રસિંહ પરમારની ટીમ કે જેણે 5 વર્ષ યુએસમાં કામ કર્યું છે તે આ મશીનનું બ્રેઈન છે. તેમની સાથે 150 નિષ્ણાત ઈજનેરોની ટીમ આ વેન્ટિલેટરને બનાવવાના કાર્યમાં જોડાઈ હતી. તેણે સાતેક દિવસમાં જ વેન્ટિલેટરની ડિઝાઈન અને પાર્ટ્સ એસેમ્બલિંગનું કાર્ય પૂરું કર્યું હતું. જ્યારે ગાંધીનગર ઈક્યૂડીસી ઈન્સ્ટિટ્યૂટમાં બે દિવસ સુધી તેનું પરીક્ષણ કરાયું હતું. આ વેન્ટિલેટર પરીક્ષણના બધા માપદંડો પર ખરું ઉતર્યું તે પછી તેને પ્રમાણિત કર્યું હતું અને સતત 10 કલાક સુધી તેનું પરીક્ષણ ચાલ્યું હતું. વેન્ટિલેટર બનાવવા સુરત, જામનગર, મોરબી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર સહિતની ભારતીય કંપનીઓએ પાર્ટ્સ આપ્યા છે અને આ કારણે જ આ વેન્ટિલેટરની બનાવટનો ખર્ચ રૂ. 1 લાખથી પણ ઓછો આવ્યો છે.

અત્યારે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ધમણ-1નું કોરોનાના પેશન્ટ પર પરીક્ષણ કરાયું હતું. આ વેન્ટિલેટર પાંચ કલાક કરતા વધુ સમયથી દર્દી પર સારી રીતે કામ કરી રહ્યું છે, એમ પરાક્રમસિંહે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ધમણ-1 એ પ્રેશર કંટ્રોલ્ડ ઈક્વિપમેન્ટ છે અને ખાસ કોવિડ-19ના પેશન્ટ માટે બનાવ્યું છે. તે ઈએમઆઈ ટેસ્ટ એટલે કે ઈલેક્ટ્રો મેગ્નેટિક ઈન્ટરફિયરન્સ ક્રાઈટેરિયાના ટેસ્ટમાં પણ સફળ થયું છે. આગળ જતાં તેઓ ધમણ 2 અને 3 પણ બનાવશે જે ઘણું એડવાન્સ્ડ વેન્ટિલેટર હશે. અત્યારની ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને રિસ્પાયરેટરી સિસ્ટમને સપોર્ટ કરતું આ વેન્ટિલેટર બનાવ્યું છે.

જ્યોતિ સીએનસી આગામી 3 દિવસમાં તેની પ્રોડક્શન કેપેસિટીને સંપૂર્ણ બનાવશે. અત્યારે કંપનીએ 3 મશીન બનાવ્યા છે અને 3 દિવસ બાદ રોજના 100 મશીન બનાવી પહેલા 1000 વેન્ટિલેટર ગુજરાત સરકારને ડોનેટ કરશે.

અત્યારે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ધમણ-1નું કોરોનાના પેશન્ટ પર પરીક્ષણ કરાયું હતું. આ વેન્ટિલેટર પાંચ કલાક કરતા વધુ સમયથી દર્દી પર સારી રીતે કામ કરી રહ્યું છે, એમ પરાક્રમસિંહે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ધમણ-1 એ પ્રેશર કંટ્રોલ્ડ ઈક્વિપમેન્ટ છે અને ખાસ કોવિડ-19ના પેશન્ટ માટે બનાવ્યું છે. તે ઈએમઆઈ ટેસ્ટ એટલે કે ઈલેક્ટ્રો મેગ્નેટિક ઈન્ટરફિયરન્સ ક્રાઈટેરિયાના ટેસ્ટમાં પણ સફળ થયું છે. આગળ જતાં તેઓ ધમણ 2 અને 3 પણ બનાવશે જે ઘણું એડવાન્સ્ડ વેન્ટિલેટર હશે. અત્યારની ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને રિસ્પાયરેટરી સિસ્ટમને સપોર્ટ કરતું આ વેન્ટિલેટર બનાવ્યું છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)