સુનિતા યાદવ અને ગ્રેડ પે વિવાદ બાદ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા નો નિર્ણય
વડોદરા-મી.રિપોર્ટર, 21મી જુલાઈ
તાજેતરમાં જ સુરતની એલ.આર.ડી સુનિતા યાદવે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને તેના મિત્રોને કર્ફ્યુ ભંગ બદલ જાહેરમાં ખખડાવીને સોશિયલ મીડિયા પર વિડીયો વાઇરલ કરવાની ઘટનાથી થયેલા વિવાદ વચ્ચે જ હવે પોલીસ કર્મચારીઓએ સોશિયલ મીડિયા હેશટેગ થકી ગ્રેડ પે વધારાની માંગણી કરતા જ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાના વપરાશ માટેની ગાઇડલાઇન જાહેર કરી મનફાવે તે રીતે પોસ્ટ ન મૂકવાનો હુકમ કર્યો છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ બહાર પડેલા પરિપત્ર મુજબ, કોઇપણ પોલીસ કર્મચારી પોતાની સર્વિસને લગતી બાબત અંગેની ટીકા કે મંતવ્ય સોશિયલ મીડિયા પર શેર નહિ કરી શકે. ખાસ કરીને પોસ્ટમાં સરકાર કે પોલીસ વિભાગ વિરુદ્ધ ટીપ્પણી હોય તો તે પોસ્ટ નહિ કરી શકે. કોઇપણ પોલીસ કર્મચારીએ સોશિયલ મિડિયા પર તેવી કોઇપણ પોસ્ટ મૂકવી નહીં કે જેથી કરીને જાહેર અધિકારી તરીકે તેમની છબિને નુકશાન થાય કે સરકારી કે પોલીસ વિભાગને બદનામ કરે.
ખાનગી હેતુ માટે જો સોશિયલ મીડિયાનો કોઇ પોલીસકર્મી ઉપયોગ કરે તો તેણે સ્પષ્ટ કરવું પડશે કે તે તેનો વ્યક્તિગત અભિપ્રાય છે અને સત્તાવાર નથી અને આવી ટીપ્પણી તેમની સેવાના નિયમોથી વિપરીત નથી.
એજ રીતે કર્મચારીઓ પોતાની રીતે રાજકીય પ્રવૃત્તિથી પ્રેરિત કોઇપણ પ્રકારની પોસ્ટ નહીં કરી શકે કે પોતાના નિવેદન જાહેર નહી કરી શકે. આ ઉપરાંત જ્યાં કોઇ વોટ્સએપ કે સોશિયલ મિડિયા ગ્રુપ કે પ્લેટફોર્મ પર જાતિ, ધર્મ, રાજકારણ અંગેની ચર્ચા થતી હોય ત્યાં પોતાની રીતે ટીપ્પણી નહીં કરી શકે કે આવા ગૃપના સભ્ય પણ નહીં રહી શકે, માત્ર ગુપ્તચર વિભાગના કર્મીઓ ઉપલા અધિકારીની પરવાનગી સાથે આવા ગૃપમાં રહી શકે છે. આ ઉપરાંત પોતાની સેવામાં મેળવેલી ઉપલબ્ધિ જેવી કે ડિટેક્શન કે અન્ય કોઇપણ બાબત જે તે નિયુક્ત થયેલાં અધિકારીએ જ સોશિયલ મીડિયા પર કરવાની રહેશે.
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.