બિઝનેસ- મી.રિપોર્ટર, વડોદરા, 1લી ફેબ્રુઆરી.
ભારતીય રેલવે દ્વારા આવકના સ્ત્રોત વધારવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં મુસાફરો ઉપરાંત માલસામાનની હેરાફેરી દ્વારા આવકના ઉભી કરવામાં આવે છે. હવે રેલવે ના વડોદરા ડિવિઝન દ્વારા રેલવે એન્જિનને ખાનગી કંપનીઓને બ્રાન્ડીગ માટે આપી આવક ઉભી કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરા ડિવિઝન દ્વારા બે વર્ષ પહેલાં અમૂલ ડેરીને આ રીતે ૨૦ એન્જિન જાહેરાત કરવા આપવામાં આવ્યું હતું. જે પ્રોજેક્ટ સફળ રહેતા વડોદરા ડિવિઝન દ્વારા ફરી એકવાર બીજા ૧૦ એન્જિન જાહેરાત માટે અદાણી ગ્રુપ ને ૫ વર્ષ માટે આપવામાં આવ્યું છે.
અદાણી ગ્રુપની ‘ફોરચ્યુન’ બ્રાન્ડીંગ ધરાવતા પ્રથમ લોકોમોટિવ એન્જીનને વડોદરા રેલ્વે સ્ટેશનેથી પશ્ચિમ રેલવેના વડોદરા ડીવીઝનના ડીઆરએમ શ્રી દેવેન્દ્ર કુમારના હસ્તે શનિવારે અદાણી વિલ્મર તથા પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં લીલી ઝંડી આપવામાં આવી હતી.
વડોદરા ડિવિઝન ને આ પ્રોજેક્ટ દ્વારા પાંચ વર્ષ માં ૧.૮૫ કરોડનો ફાયદો થશે. વડોદરા ડિવિઝન હેઠળ હાલ કુલ ૧૯૨ એન્જિન છે. જે અંગે ડી.આર.એમ દેવેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રક્રિયા ટેન્ડર દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં બાકીના એન્જિનને પણ આ રીતે જાહેરાત માટે આપવામાં આવશે. જે માટે અન્ય કંપનીઓ ને એપ્રોચ કરવામાં આવશે. એન્જિન પર જાહેરાત દ્વારા આવક ઉભી કરવામાં સમગ્ર દેશમાં વડોદરા ડિવિઝન પ્રથમ છે.
અદાણી વિલ્મરના માર્કેટીંગ હેડ શ્રી અજય મોટવાણીએ જણાવ્યું હતું કે, “ફોર્ચ્યુન મહત્વાકાંક્ષી અને અમીર બંને પ્રકારના ગ્રાહકોને આકર્ષે છે. ટ્રેઈનના પ્રવાસમાં આહારનુ ઘણુ મહત્વ રહેતુ હોય છે. અમારી બ્રાન્ડીંગની કવાયત ટ્રેનને આવકનો સ્ત્રોત પૂરો પાડશે. ગુણવત્તા અને ઈનોવેશન માટેની અમારી નિષ્ઠાને કારણે ફોર્ચ્યુન ઘેર ઘેર જાણીતી બ્રાન્ડ બની છે. લક્ષિત ગ્રાહકોથી નિકટ એવી અમે આ એક નવુ બ્રાન્ડીંગ સ્ત્રોત પસંદ કર્યુ છે. અમને વિશ્વાસ છે કે અમારી આ નવી બ્રાન્ડીંગ કવાયત ફોર્ચ્યુન બ્રાન્ડને વધુ જાણીતું અને લોકપ્રિય બનાવવામાં સહાયક બનશે.”
અત્રે ઉલ્લેખનીય છેકે, અદાણી વિલ્મર કે જે ફોરચ્યુન બ્રાન્ડ હેઠળ એફએમસીજી પ્રોડકટસની સંપૂર્ણ રેન્જનુ વેચાણ કરે છે તેણે પશ્ચિમ રેલવેનાં 10 લોકોમોટિવ એન્જીન ફોરચ્યુન પ્રોડકટસ અને ખાસ કરીને ખાદ્યતેલ અને બાસમતી ચોખાના બ્રાન્ડીંગ માટે ભાડે રાખ્યાં છે. આ 10 લોકોમોટિવ એન્જીનનો દેશભરમાં પ્રવાસ કરતી સુપરફાસ્ટ ટ્રેઈન્સમાં ઉપયોગ કરાશે. તેના દ્વારા ફોર્ચ્યુન બ્રાન્ડને ખૂબજ વિઝિબિલિટી પ્રાપ્ત થશે.