વડોદરા- મિ.રિપોર્ટર, ૧૭મી એપ્રિલ
દેશમાં ૨૩મી એપ્રિલે યોજાનાર લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવનાર શહેર-જિલ્લાના 6000 જેટલા પોલીસ જવાનો સહિત સરકારી-અર્ધસરકારી કર્મચારીઓએ આજે મતદાન કર્યું હતું. જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર અને છાણી જકાતનાકા પોલીસ હેડક્વાર્ટર ખાતે મતદાન બુથો ઉભો કરવામાં આવ્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલ છાણી જકાતનાકા પોલીસ હેડક્વાર્ટર ખાતે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તા.23 એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ ચૂંટણીના દિવસે ફરજ બજાવનાર પોલીસ જવાનો, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ, એસ.ટી. ડ્ર્રાઇવરો, જી.યુ.વી.એન.એલ. જેવા 5901 કર્મચારીઓના મતાધિકારના રક્ષણ માટે આજે વડોદરા પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર અને છાણી જકાત નાકા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે.
ચૂંટણીની પૂર્વ રાતથી ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીસ જવાનો સહિત સરકારી-અર્ધસરકારી કર્મચારીઓ માટે આજે આયોજીત મતદાનની વ્યવસ્થામાં પોલીસ જવાનો અને સરકારી કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોલીસ જવાનો અને સરકારી કર્મચારીઓ ફરજ ઉપર જતા પહેલાં મતદાન કરવા માટે પહોંચી ગયા હતા. મતદારો શાંતિથી અને ઝડપથી મતદાન કરી શકે તે માટે ચૂંટણીતંત્ર સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
વિવાદાસ્પદ ઇ.વી.એમ.ના જમાનામાં આજે પોલીસ જવાનો સહિત સરકારી-અર્ધસરકારી કર્મચારીઓ દ્વારા મતપત્રક દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, વડોદરા લોકસભા બેઠક ઉપર મુખ્ય પક્ષ ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારો સહિત 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મતદાનનો સમય સવારે 9 કલાકથી સાંજે 5 કલાક સુધીનો છે.