ટુડે લાઈવ શોપિંગમાં ગીફ્ટ આપવાની લાલચે વેપારી પાસેથી રૂપિયા 38.14 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો…વાંચો….

Spread the love

વડોદરા-ક્રાઈમ, મિ.રિપોર્ટર, ૨૦મી જુલાઈ. 

ટુડે લાઇવ શોપિંગના નામે ગેરન્ટેડ ગીફ્ટ આપવાની લાલચ આપી શહેરના વેપારી સાથે રૂપિયા 38.14 લાખની છેતરપિંડી કરનાર યુ.પી.ના એન.પી.સી.આઇ.એલ. (પરમાણુ વિદ્યુત કેન્દ્ર)ના સિનીયર આસિસન્ટન્ટ અધકારી માણેકચંદ સિંઘની સાઇબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ડી.સી.પી. જયદિપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, યુ.પી.ના બુલંદશહેરમાં 13-3, એન.પી.સી.આઇ.એલ. ટાઉનશિપમાં રહેતા અને ન્યુકલીયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. (એન.પી.સી.આઇ.એલ.) પરમાણું વિદ્યુત કેન્દ્ર)માં સિનીયર આસિસન્ટન્ટ વર્ગ-2ના અધિકારી તરીકે ફરજ બજાવતા માણેકચંદ સીયારામ સીંઘ (ઉં.વ.55)ની યુ.પી. બુલંદશહેર સ્થિત તેઓના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે.  આ આરોપી અધિકારીએ શહેરના સુભાનપુરા રોડ ઉપર આવેલ 402, ધૃતિ કોમ્પ્લેક્ષમાં રહેતા વેપારી અનિલ રસિકલાલ શાહ સાથે તા.22-12-018 થી તા.5-12-018 દરમિયાન ટુડે લાઇવ શોપિંગના નામે ગેરન્ટેડ ગીફ્ટ આપવાની લાલચ આપી રૂપિયા 38,14,588ની છેતરપિંડી કરી હતી. આરોપી અધિકારી ટુડે લાઇવ શોપિંગના નામે વાતો કરતો હતો. અને રૂપિયા 3004ના શોપિંગ સામે ગેરન્ટેડ ઇનામ આપવાની લાલચ આપતો હતો. અને અલગ-અલગ બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરી હતી.

આરોપીએ અલગ અલગ બેંકમાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા

આરોપી માણેકચંદ સીંઘે આંતરરાષ્ટ્રીય હિન્દી વિદ્યાલય મહાત્મા ગાંધી યુનિવર્સિટી મહારાષ્ટ્ર ખાતેથી એમ.બી.એ.નો અભ્યાસ કરેલો છે. આ ભેજાબાજ અધિકારી કોઇપણ દુકાનમાં મોંઘી વસ્તુઓ ખરીદવા માટે જતો હતો. અને દુકાનદારને જણાવતો હતો કે, મારો વડોદરા ખાતે રહેતો પુત્ર તમારા બેન્ક એકાઉન્ટમાં નાણાં જમાવી કરાવી દેશે. તેમ જણાવી મોંઘી વસ્તુ ખરીદી લેતો હતો. આ ઉપરાંત તે પોતાના સાથી નીચલા વર્ગના કર્મચારીના બેંક એકાઉન્ટ નંબર મેળવી તેમના એકાઉન્ટમાં વડોદરાના વેપારી પાસે નાણાં મંગાવતો હતો. તેઓ પોતાના કર્મચારીઓને જણાવતો હતો કે, મારી દીકરીના લગ્ન છે. વડોદરા ખાતે રહેતા મારા પુત્ર દ્વારા હું મારા એકાઉન્ટમાં વધુ નાણાં મંગાવી શકું તેમ નથી. તેમ જણાવી પોતાના સાથી કર્મચારીઓના એકાઉન્ટમાં નાણાં મંગાવતો હતો.

એન.પી.સી.આઇ.એલ.ના ભેજાબાજ અધિકારી માણેકચંદ સીંગની લોભામણી લાલચમાં રૂપિયા 38.14 લાખ ગુમાવનાર વડોદરાના વેપારી અનિલભાઇ શાહે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી લાવી કાર્યવાહી હાથ ધરી છે.