ગેઇલ ઇન્ડિયા જામનગર-લોની એલપીજીમાં રૂપિયા ૩૨૦ કરોડના ખર્ચે ગેસની ૩.૨૫ એમટીપીએ કરશે : ચીફ જનરલ મેનેજર

Spread the love

વડોદરા, ૩જી નવેમ્બર. 

દેશભરમાં વિશાળ નેટવર્ક ધરાવતા ગેસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (ગેઇલ) દ્વારા ગુજરાતના જામનગર-લોની એલપીજીમાં રૂપિયા ૩૨૦ કરોડના ખર્ચે ગેસની કેપેસીટી ૨.૫ એમટીપીએ થી ૩.૨૫ એમટીપીએ કરાશે. આ ઉપરાંત ગેઈલ દ્વારા સમગ્ર ગુજરાતમાં આગામી ટૂંક સમયમાં હયાત જુની ગેસ પાઇપ લાઇનો બદલવામાં આવશે. ગેસ પાઇપ લાઇન બદલવાના કારણે પાઇપ લાઇનની લાઇફ વધવાની સાથે લોકોની સેફ્ટી વધશે તેમ ગેઇલના ચીફ જનરલ મેનેજરે અત્રે જણાવ્યું હતું.

ગેઇલના ચીફ જનરલ મેનેજર મુકેશ તિવારીએ વધુમાં જણાવ્યું હતું કે, ગેઇલ દ્વારા ડોમેસ્ટીક અને કોમર્શિયલ ગેસ પુરવઠો પાઇપ લાઇન દ્વારા પૂરો પાડવામાં આવે છે. ડોમેસ્ટીક અને કોમર્શિયલનું વિશાળ નેટવર્ક છે. મોટા ભાગની પાઇપ લાઇનો જુની છે. ગેઇલ દ્વારા આગામી ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતમાં જુની પાઇપ લાઇનો બદલવાનું આયોજન છે. અને આ કામગીરી હાલમાં પૂર ઝડપે ચાલી રહી છે.

તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું કે, નવી પાઇપ લાઇનો નાંખવાથી પાઇપ લાઇનોની લાઇફ વધશે. આ સાથે લોકોની સેફ્ટી પણ વધશે. વર્ષો પૂર્વે નાંખવામાં આવેલી પાઇપ લાઇનોમાંથી ગેસ લીકેજની અવાર-નવાર ફરિયાદો રહેતી હતી. તેના કારણે અકસ્માત થવાની પણ શક્યતાઓ રહેતી હોય છે. તેના નિરાકરણ માટે ગેઇલ દ્વારા જુની ગેસ પાઇપ લાઇનો બદલીને નવી ગેસ પાઇપ લાઇનો નાંખવાનું શરૂ કરવામાં આવ્યું છે. જામનગરમાં એલ.પી.જી. ની પાઇપ લાઇનો પણ બદલવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સીટી ગેસ ડીસ્ટ્રીબ્યુશન (સીજીડી) માટે ગેઇલ ખાનગી કંપનીઓ અને જાહેર હિતની સંસ્થાઓ સાથે જોઇન્ટ વેન્ચર કંપની બનાવીને તેઓને ગેસ પુરોપાડવામાં મદદરૂપ થશે. જેમાં અદાણી, સાબરમતી ગેસ, જીએસપીએલ, ટોરેન્ટો જેવી કંપનીઓ જે શહેરમાં સીજીડી હેઠળ કામ કરવા માંગશે. ત્યાં ગેઇલ તેઓને તમામ રીતે મદદરૂપ થશે. ગેઇલ દ્વારા સોલાર સીસ્ટમનો પણ ઉપયોગ કરવા માટે આગળ વધી રહ્યું છે. આ સાથે ગેઇલ ગ્રીન એનર્જી માટે માટે આગળ વધી રહ્યું છે.