મિ.રિપોર્ટર, રાજકોટ, ૧૬મી નવેમ્બર.
રૂપિયા બે હજારની લાંચ લેતા પકડાયેલા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL)ના ધ્રાંગધ્રા ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર મહેશ પટેલ અને જુનિયર ક્લાર્ક પ્રતિક રાઠવાને ત્યાં રાજકોટ અને સુરત એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારીઓએ મહેશ પટેલના ત્રણ ઘરો પર આજે દરોડા પડ્યા હતા અને રૂપિયા 46 લાખ રોકડા જપ્ત કર્યા હતા.
રાજકોટ ડીએસપી એચપી દોશીએ જણાવ્યું હતું કે, ‘અમે પહેલા તેના ધ્રાંગધ્રા ખાતે આવેલા ભાડાના ઘર પર રેડ કરી હતી અને 3.44 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. તે પછી સુરત એસીબીએ તેના નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સર્વાણી ગામમાં આવેલા તેના પૈતૃક ઘરમાં દરોડો પાડ્યો હતો અને 42.45 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી.’ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, મહેશ પટેલે આ રૂપિયા લાંચ લઈને ભેગા કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે પટેલ પાસે 18 જેટલી જીવન વિમા પોલિસીઓ છે અને જુદા-જુદા જિલ્લામાં 13 બેંક અકાઉન્ટ પણ છે. આ બેંક અકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવાયા છે. આંકડો 1 કરોડે પહોચે તેવી શક્યતા છે.