વડોદરા માં એક સાથે પાંચ હજાર ગર્ભવતી સ્ત્રીઓને ગર્ભ સંસ્કાર અપાશે: અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર

Spread the love

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા તા. ૩૦મી ડીસેમ્બર ૨૦૧૮ થી ૩જી જાન્યુઆરી ૨૦૧૯ સુધી એમ પાંચ દિવસીય અશ્વમેઘ રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમ નું આયોજન 

મિ. રિપોર્ટર, ૨૨મી ડિસેમ્બર. 

સંસ્કારી અને કલાનગરી વડોદરા માં ૧૯૯૩માં સંપન્ન થયેલ અશ્વમેઘ યજ્ઞ નો રજત જયંતિ મહોત્સવનું અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા તા. ૩૦મી ડીસેમ્બર ૨૦૧૮ થી ૩જી જાન્યુઆરી ૨૦૧૯ સુધી અનસૂયા લેપ્રસી  મેદાન , આજવા રોડ, સરદાર એસ્ટેટ ચાર રસ્તા ખાતે આયોજન કરાયું છે.

આ  પાંચ દિવસીય મહોત્સવમાં ગાયત્રી પરિવાર ના પ્રમુખ શ્રી ડો. પ્રણવ પંડ્યાજી, પ્રાત: વંદનીયા શૈલદીદી અને દેવ સંસ્ક્રુતિ વિશ્વ વિદ્યાલય ના પ્રતિકુલપતિ શ્રી ચિન્મય પંડ્યાજી ઉપસ્થિત રહેશે. મહોત્સવ ના સંયોજક શ્રી ગીરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે,   આ મહોત્સવમાં ૨૫૧ કુંડી યજ્ઞશાળા, વિરાટ સંસ્કાર શાળા, કલામંચ, વિચારમંચ, વિરાટ પ્રદર્શની, વિરાટ પુસ્તકમેળો વગેરે યોજાશે. જેમાં ગાયત્રી પરિવાર ના સંસ્થાપક શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા લિખિત  ૩૨૦૦ પુસ્તકો નું પ્રદર્શન રાખવામાં આવશે.

મહોત્સવ ના સંયોજક શ્રી મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે મહોત્સવમાં તા.૩૦મી ડિસેમ્બર ના  રોજ યોજાનારી શોભાયાત્રામાં અંદાજે ૧૫૦૦થી વધુ વાહનો ભાગ લેશે. તથા દરરોજ ૭૫ હજાર થી ૧ લાખ ભાઈબહેનો પધારશે.આવનાર તમામ ભાઈબહેનો માટે કોઈ પણ સંસ્કાર, યજ્ઞમાં આહુતી, ભોજન-પ્રસાદ, પ્રદર્શની મુલાકાત નિ:શુલ્ક રહેશે. આ કાર્યક્રમમાં ભાવી પેઢીના નવનિર્માણ માટે સાત આંદોલન  જેમાં ૧.સાધના, ૨.શિક્ષા, ૩.સ્વાસ્થ્ય, ૪.પર્યાવરણ,૫. વ્યસનમુક્તિ, ૬.નારીજાગરણ અને ૭. કુરીતિનિવારણ તેમજ યુવા જોડો અભિયાન, બાળ સંસ્કાર શાળા, બેટી બચાવો- બેટી પઢાઓ, ખર્ચાળ લગ્નો બંધ કરવા, વૃક્ષારોપણ વગેરે કાર્યક્રમો કરવા માટેના સંકલ્પો લેવામાં આવશે.આ વિરાટ મહોત્સવમાં સ્વસ્થ, તંદુરસ્ત, સંસ્કારી,દેવી શક્તિ ગુણોથી સુસંપન્ન પેઢીના નિર્માણ માટે ૫૦૦૦ ગર્ભોત્સવ સંસ્કાર, ગર્ભવતી બહેનો માટે સામુહિક વિરાટ ગર્ભોત્સવ સંસ્કાર, મંત્રદીક્ષા, વિધ્યરંભ, યજ્ઞોપવિત, નામકરણ, મુંડન વગેરે સંસ્કારો પણ કરવામાં આવશે.