વડોદરા, ૨૯મી નવેમ્બર.
શહેર પાસે આવેલી રિલાયન્સ આઈપીસીએલના પીબીઆર-2 પ્લાન્ટમાં આજે વહેલી સવારે 3:30 વાગ્યે પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. આ આગ ના બનાવમાં કંપનીના ત્રણ કર્મચારીઓ બળીને ભડથું થઈ ગયા હતા. મૃતક કર્મચારીઓના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની એસજી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
વડોદરા શહેર નજીક કોયલી ખાતે આવેલી રિલાયન્સ આઈપીસીએલના પીબીઆર 2 પ્લાન્ટમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ ઘટના સમયે ફરજ બજાવી રહેલાં 3 કર્મચારીઓ મહેન્દ્રભાઈ જાધવ, અરૂણભાઈ ડાભી અને પ્રીતેશ પટેલ આગની ઝપેટમાં આવી ગયા હતા. આ બનાવને પગલે કંપનીમાં અફડાતફડી મચી ગઈ હતી.
આજે વહેલી સવારે આગ લાગતાંની સાથે જ કંપનીના ફાયર ફાઈટરો પ્લાન્ટ ખાતે ધસી ગયા હતા અને પાણીનો મારો તેમજ ફર્મ પાવડરનો ઉપયોગ કરી ગણતરીની મિનિટોમાં આગને કાબૂમાં લાવવામાં આવી હતી.
આગ ને સમયસર કાબૂમાં લેવાની ન આવી હોત તો પ્લાન્ટ પણ આગની લપેટમાં આવી ગયા હોત. પરંતુ આગ પ્રસરે તે પહેલાં કપંનીના ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લઈ લીધી હતી.
બીજી બાજુ આગમાં ભડથું થઈ ગયેલા કર્મચારીઓના મૃતકોના પરિવારજનો તેમજ સાથેના કર્મચારીઓ પહોંચી ગયા હતા. કર્મચારીઓએ કંપની સામે કર્મચારીઓની સુરક્ષા સામેના સવાલો ઉઠાવ્યાં હતા.
આગને પગલે કંપનીના ઉચ્ચ અધિકારીઓ પણ પ્લાન્ટ ખાતે દોડી આવ્યાં હતા. આ સાથે કોયલી સહિતના આસપાસના ગ્રામજનો કંપની પાસે ભેગા થયા હતા. એક સમયે ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો.
આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને સુરક્ષાના ભાગરૂપે કંપનીની નજીક જતાં લોકોને અટકાવ્યા હતા. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકોના નામ
મહેન્દ્રભાઈ જાદવ
અરૂણભાઈ ડાભી
પ્રીતેશભાઈ પટેલ