FGI ના મેનેજીંગ કમિટી પેટ્રન મેમ્બર ને એલેમ્બિક ફાર્માસ્યુટિકલના ચેરમેન ચિરાયું અમીન, FGI ના મેનેજીંગ કમિટીના મેમ્બર તારક પટેલ , પ્રણવ ડી પટેલ તેમજ FGI ના પૂર્વ પ્રમુખ તરીકે અમિત ગોરડિયા અને ગીતા ગોરડિયાનો પણ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા : આ તમામ વર્ષ ૨૦૧૮-૧૯ ની મેનેજીંગ કમિટીમાં છે : અમિત ભટ્ટનાગર અને અમિત પટેલ સામે પગલાં લેવાનારી FGI ના આ પાંચ સામે પગલાં લેતાં હાથ ધ્રુજે છે
વડોદરા, ૫મી ડિસેમ્બર, ધીરજ ઠાકોર
અખંડ ફાર્મમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા નામાંકિત ઉદ્યોગપતિઓમાં ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ (એફ.જી.આઈ)ના પેટ્રન મેમ્બર સહિત એફ.જી.આઈના બે મેનેજીંગ કમિટીના મેમ્બર સામે વડોદરા જિલ્લા પોલીસની ૧૦૯૯ પેજની ચાર્જશીટ બાદ પણ ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ (એફ.જી.આઈ) દારૂની મહેફિલમાં ઝડપાયેલા સભ્યો સામે કોઈ પગલાં નહિ ભરતા અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે. આ સભ્યોને એફ.જી.આઈના અન્ય સભ્યો છાવરી રહ્યા છે તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.
વડોદરા થી લઈને મધ્ય ગુજરાત સુધીની ઇન્ડસ્ટ્રીઝ પ્રતિનિધિત્વ કરનાર ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ (એફ.જી.આઈ) દ્વારા નવા ઉદ્યોગ આવવા કે તેના લીધે નોકરીઓ વધી હોય તેના સત્તાવાર આંકડા હજી સુધી બહાર આવ્યા નથી. જેને લઈને કોઈ મોટા વિવાદ હજુ સર્જાયો નથી. જોકે ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝની મેનેજીંગ કમિટીના મેમ્બર અને પેટ્રન મેમ્બર વ્યક્તિગત હરકતોના લીધે એફ.જી.આઈ સતત વિવાદના કેન્દ્રમાં રહ્યું છે. એમાંય ૨૨ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ અખંડ ફાર્મમાં ઉદ્યોગપતિ જીતેન્દ્ર ચિમનભાઈ શાહની પૌત્રીની સગાઈની પાર્ટીમાં નામાંકિત ઉદ્યોગપતિઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા.
જેમાં ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ (એફ.જી.આઈ), વડોદરાના વર્ષ ૨૦૧૮-૧૯ માટેની એફ.જી.આઈના મેનેજીંગ કમિટી પેટ્રન મેમ્બર અને એલેમ્બિક ફાર્માસ્યુટિકલના ચેરમેન ચિરાયું અમીન, એફ.જી.આઈના મેનેજીંગ કમિટીના મેમ્બર તારક પટેલ અને પ્રણવ ડી પટેલ પણ સમાવેશ થાય છે. એજ રીતે એફ.જી.આઈના પૂર્વ પ્રમુખ તરીકે અમિત ગોરડિયા અને ગીતા ગોરડિયાનો પણ મહેફિલ માણવામાં સમાવેશ થયો છે.
આ તમામ સામે એફ.જી.આઈના બંધારણ પ્રમાણે પગલાં લેવાવવા જોઈએ તેવો નિયમ છે પણ હજુ સીધી કોઈ પગલાં લેવાયા નથી. આમ પારદર્શક વહીવટ કરવાનો દાવો કરનારી વડોદરા થી લઈને મધ્ય ગુજરાત સુધીની ઇન્ડસ્ટ્રીઝ પ્રતિનિધિત્વ કરનાર ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ (એફ.જી.આઈ)એ હજુ સુધી કોઈ પગલાં નહિ ભરતા તેમની કાર્યશૈલી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
આ અંગે ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ (એફ.જી.આઈ)ના પ્રમુખ નીતિન માંકડે જણાવ્યું હતું કે, એફ.જી.આઈના બંધારણ પ્રમાણે પગલાં લેવાશે. રીપોર્ટ માંગ્યો છે, તેના કમિટીમાં ચર્ચા કરીને પાંચેય સભ્યો સામે પગલાં લેવાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બેંક લોન કૌભાંડમાં ડાયમન્ડ પાવર લી.ના મેનેજિંગ ડિરેક્ટર અમિત ભટનાગર તેમજ બેંકની લોનની ચુકવણીમાં અમિત પટેલનું નામ આવ્યા બાદ એફ.જી.આઈની કમિટીએ સામે ચાલીને બંનેના રાજીનામાં માંગી લીધા હતા. તે બાદ બંનેએ પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધા હતા. આ નિયમ અખંડ ફાર્મમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા નામાંકિત ઉદ્યોગપતિઓ સામે પણ અમલમાં મુકવાને બદલે છાવરી રહી છે, તે સ્પષ્ટ દેખાય છે. એફ.જી.આઈના સત્તાધીશો એ તેમને મેનેજિંગ કમિટીમાં ચાલુ રાખ્યા છે. એફ.જી.આઈ જાણે તપાસ એજન્સી તેમજ દેશના કાનૂનનું પણ સરેઆમ મજાક ઉડાવતી હોય તે રીતે વર્તતી હોય તેવું દેખાઈ રહ્યું છે.