અમદાવાદ, મિ.રિપોર્ટર, ૩૦મી જાન્યુઆરી.
” પહેલી જ નજરમાં પ્રેમ થયો ” એવા અનેક કિસ્સાઓ મિત્રો અને સબંધીઓ પાસે સંભાળવા મળ્યું હશે. પરંતુ ફેસબુક પર પ્રથમ નજરમાં જ પ્રેમ થાય અને તે લગ્નમાં પરિણમે તેવું ભાગ્યેજ જોયું હશે. આવી જ એક રસપ્રદ કહાની બહાર આવી છે કે, જેમાં ગુજરાતી યુવક અને યુપીની યુવતીને સોશિયલ મીડિયા પર રાજનીતિ અને પોતાના મનપસંદ રાજનેતાની વાત કે ટિપ્પણી કરતા પ્રેમ થઇ ગયો છે. હાલમાં જ બંને પ્રેમી પરણી પણ ગયા છે.
ગુજરાતી યુવક અને યુપીની યુવતીની લવ સ્ટોરી આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. બંનેની પ્રેમ કહાનીમાં ફેસબુક, પ્રેમ, રાજનીતિ અને પીએમ મોદી પણ છે. જામનગરના રહેવાસી અને મોદી સપોર્ટર જય દવેએ તાજેતરમાં ‘નમો અગેન’ લખેલી ટી-શર્ટ પહેરી પત્ની અલ્પિકાના ફોટો સાથે Tweets કર્યું કે, નરેન્દ્ર મોદીજી અમે તમારા કારણે લગ્ન કર્યાં. ઉલ્લેખનીય છે કે, યુવા અનુવાદક જય અને ફેશન ડિઝાઈનર અલ્પિકાએ 31 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં.
પોતાની પ્રેમકહાની વિષે જય દવેએ Tweets કરીને જણાવ્યું હતું કે, મેં રાહુલ ગાંધીના ફેસબુક પેજ પર તમારા સમર્થનમાં કોમેન્ટ કરી હતી, જેને રાહુલ ગાંધીના સંસદીય વિસ્તાર(અમેઠી) એક યુવતીએ લાઈક કરી હતી. ત્યારબાદ અમે એકબીજા સાથે વાતચીત કરી અને મળ્યા. ત્યારબાદ અમને જાણ થઈ કે અમે બંને તમને સપોર્ટ કરીએ છીએ. કારણ કે અમે ભારત માટે જીવવા માંગીએ છે. તેથી અમે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો.’ જયનું આ Tweets થોડીજ વારમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.