ફિલ્મી અને સંગીત કલાકારોને વડોદરા લાવનાર જાણીતા સ્ટેજ શૉ ઓર્ગેનાઇઝર કંચન રાણાનું નિધન

www.mrreporter.in

સ્વ.મુકેશ, બપ્પી લહેરી, સ્વ.પ્રાણ, સચીન, મંદાકિની, દીપક પરાશર, પેન્ટલ, અનુપ જલોટા અને પંકજ ઉધાસને કલાનગરીની ઓળખ કરાવી હતી :  ગાયક કલાકારો ડૉ.કમલેશ અવસ્થી, બંકિમ પાઠક, વંદના વાજપેયીના સ્ટેજ શૉ યોજ્યા હતા : હ્રદયરોગના તીવ્ર હુમલામાં નિંદ્રાવસ્થામાં જ કંચનભાઇનું નિધન : શહેરના કલાજગતમાં શોકનું મોજું

વડોદરા-મી.રિપોર્ટર, 13મી મે.

વડોદરામાં છેલ્લા 45 વર્ષથી વિવિધ ઑરકેસ્ટ્રા શૉ અને મ્યુઝિક્લ નાઇટ્સના આયોજન થકી ફિલ્મી અને સંગીત કલાકારોને વડોદરાની ઓળખ કરાવનાર જાણીતા સ્ટેજ ઓર્ગેનાઇઝર કંચનભાઇ રાણાનું લોકડાઉન દરમિયાન હ્રદય રોગના તીવ્ર હુમલામાં નિધન થયું છે. કંચનભાઇ રાણાના આકસ્મિક નિધનથી કલાનગરી વડોદરાના કલાકારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કલાનગરી વડોદરામાં રહેતા કંચનભાઇ રાણા સારા‌ભાઇ કંપનીના કર્મચારી હતા. જો કે, કલા અને સંગીતની સૂઝબુઝ ધરાવતા કંચનભાઇએ નોકરીની સાથે સાથે તેમના ગુરુ દિનકર દેશમુખ(હાલ-પૂના)ના માર્ગદર્શન હેઠળ વડોદરામાં વિવિધ સ્ટેજ શૉ ના આયોજનનો પ્રારંભ કર્યો હતો. 1977 માં શહેરના દિપક ઓપન એર થિયેટરમાં તેમણે વડોદરાના જમાઇ અને હિન્દી-ગુજરાતી ફિલ્મોના પાર્શ્વગાયક સ્વ.મુકેશના ગીત-સંગીતના પ્રોગ્રામનું આયોજન કરી વાહવાહી મેળવી હતી.

1975-76 થી શરૂ થયેલી આ સફર દરમિયાન કંચનભાઇ રાણાએ તેમના સાથીદાર ભાસ્કર પંડ્યા સહિત અન્ય મિત્રો સાથે મળીને વડોદરામાં દિપક ઓપન એર થિયેટર, ગાંધીનગર ગૃહ, સયાજીરાવ નગરગૃહ સહિત વિવિધ સ્થળોએ મ્યુઝિકલ પ્રોગ્રામ્સ યોજ્યા હતા. તેમણે સુપરસ્ટાર નાઇટ્સ, બોમ્બે ડિસ્કો, સેવન કલર ઓરકેસ્ટ્રા જેવા પ્રોગ્રામ્સના આયોજન દ્વારા બપ્પી લહેરી, ફિન્દી ફિલ્મોના કલાકાર પ્રાણ, મંદાકિની, સચીન, પેન્ટલ, દીપક પરાશર, અનુપ જલોટા, પંકજ ઉધાસને વડોદરા લાવવામાં ભૂમિકા ભજવી હતી.

www.mrreporter.in

આ ઉપરાંત મ્યુઝિક્લ નાઇટ્સના આયોજન દ્વારા વોઇસ ઓફ મુકેશ ડૉ.કમલેશ અવસ્થી, વોઇસ ઓફ મોહંમદ રફી બંકિમ પાઠક, વોઇસ ઓફ લતા મંગેશકર વંદના વાજપેયીના સફળ કાર્યક્રમો તેમણે યોજ્યા હતા. જ્યારે વડોદરાના સ્થાનિક ગાયક કલાકારો ચંદ્રશેખર પાગેદાર, પ્રકાશકુમાર, રેખા રાવલ સહિતના કલાકારોના શૉ નું પણ તેઓ આયોજન કરતા હતા.

મિમિક્રીના પ્રોગ્રામ્સ શકી હાસ્ય કલાકારો શાહબુદ્દીન રાઠોડ, દિનકર મહેતા, મહેશ શાસ્ત્રી, વસંત-પરેશ બંધુ, કુંદન ગઢવી, વસંત-કિશોરને વડોદરા લાવી શહેરીજનોને હસાવીને લોટપોટ કર્યા હતા. આ ઉપરાંત કંચનભાઇએ અલગ છતાં લગોલગ(સુજાતા મહેતા-મુનિ જ્હા), પ્રિત પિયું અને પાનેતર, ઓહ ! અમેરિકા અને એક મુરખને એવી ટેવ જેવા ગુજરાતી નાટકોના શૉ લાવી વડોદરાના કલારસિકોનું મનોરંજન કર્યું હતું.

5 મી મે ની સવારે ફતેગંજ સ્થિત નિવાસસ્થાને નિંદ્રાવસ્થામાં હ્રદયરોગનો તીવ્ર હુમલો આવતાં કંચનભાઇનું આકસ્મિક નિધન થયું હતું. તેમના અવસાનથી શહેરના કલાજગતે કલાકારોમાં રહેલા ટેલેન્ટને દર્શકો સુધી લઇ જનાર કુશળ સ્ટેશ શૉ આયોજકને ગુમાવ્યો છે.

લોકડાઉનમાં કંચનભાઇ ઓરકેસ્ટ્રા કલાકારોની સતત ચિંતા કરતા હતા 

કોરોના મહામારીના લોકડાઉનથી ધંધા-રોજગાર બંધ થવાથી ઓરકેસ્ટ્રા કલાકારોને પણ મુશ્કેલી પડતી હશે તેમ સમજી કંચનભાઇ તેમની સાથે સંકળાયેલા કલાકારોની સતત ચિંતા કરતા હતા. કંચનભાઇના પુત્ર નરેશ રાણાએ જણાવ્યું હતું કે, મૃત્યુની આગલી રાત સુધી તેઓ નિયમિત સાથી મિત્રો અને કલાકારોને ફોન કરીને ખબર અંતર પૂછતા હતા. આ ઉપરાંત મદદની જરૂર છે ? તેમ પૂછી મુશ્કેલીના સમયે કલાકારોની પડખે રહ્યા હતા.

સ્ટેજ શો ઓર્ગેનાઇઝર મિત્રોએ અંજલી અર્પી 

કંચનભાઇ રાણાના આકસ્મિક નિધનથી વડોદરાના સ્ટેજ શૉ ઓર્ગેનાઇઝ કરતા મિત્રોએ તેમનો જૂનો સાથી ગુમાવ્યો છે. સ્ટેજ શૉ ઓર્ગેનાઇઝ કરતા મિત્રો તુષાર પરીખ, ભાસ્કર પંડ્યા, રાજેશ પટેલ, દિનકર દેશમુખ, વ્રજેશ પસારી, રામ આઠલ્યે, નિતાંત યાદવ, મહેશ ભંવરિયા, મિલન શાહ, ગિરીશ કવિશ્વર, ધૈવત જોશીપુરા અને મિના શિંદે શોકમાં ગરકાવ છે. આ સાથી મિત્રોએ અંજલી આપતાં લખ્યું છે કે, ‘‘ મસ્ત મનોરંજનની દુનિયામાં પાડ્યો અનેરો પ્રભાવ, સીધો સરળ માનવી ને કંચનવર્ણો સ્વભાવ ’’.

 

 

 

 

 

 

Leave a Reply