રાજકોટમાં પુત્રી-માતાનું મોત થતાં પરિવારનો ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ, યુવતી પોલીસ વાન પર ચડી ગઈ

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ-રાજકોટ,મી.રિપોર્ટર, ૧૦મી માર્ચ

રાજકોટના જામનગર રોડ પર શેઠનગર પાછળ વાલ્મીકિવાસ-1માં રહેતી અનિતાબેન સાવનભાઇ વાઘેલાને પ્રસૂતિની પીડા થતાં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં રાતે સિવિલ હોસ્પિટલના મહિલા વિભાગમાં ડિલિવરી બાદ અનિતાબેન અને તેની નવજાત બાળકીનાં મૃત્યુ નીપજ્યાં હતાં. તબીબો અને સ્ટાફે સારવારમાં બેદરકારી દાખવ્યાના રોષ સાથે મૃતકનાં પરિવારજનો મોટી સંખ્યામાં એકત્ર થયાં હતાં અને હોબાળો મચાવ્યો હતો. એક યુવતી પોલીસ વાન પર ચડી ગઇ હતી અને નરેન્દ્ર મોદી હાય હાય…વિજય રૂપાણી હાય હાયના સૂત્રોચ્ચાર કર્યાં હતાં. પરિવારજનો બેકાબૂ બનતાં પોલીસ સાથે ઘર્ષણનાં દૃશ્યો પણ સામે આવ્યાં હતાં. બાદમાં ન્યાયની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

અનિતાબેનના લગ્ન દોઢ વર્ષ પહેલાં જ થયા હતા. બાદમાં પ્રેગ્નન્ટ થઇ હતી અને 8 માર્ચના રોજ પ્રસૂતિની પીડા ઊપડતાં એચ. જે. દોશી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સિઝેરિયન ડિલિવરી થતાં દીકરીનો જન્મ થયો હતો, પણ માતા-પુત્રી બંનેની તબિયત બગડતાં ખર્ચ વધી જાય એમ હોઈ રાતે બંનેને સિવિલમાં લાવવામાં આવતાં બાળકીને કે. ટી. ચિલ્ડ્રનમાં અને માતાને ઝનાના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેની અંતિમવિધિ થયા બાદ ગત રાતે માતા અનિતાબેને પણ દમ તોડી દીધો હતો.

સારવારમાં બેદરકારી દાખવવામાં આવ્યાના રોષ સાથે સમાજના લોકો સિવિલ હોસ્પિટલમાં ભેગા થઇ ગયા હતા. સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી જવાબદાર હોસ્પિટલના સ્ટાફ સામે અને ડોક્ટર સામે તાકીદે પગલાં લેવાની માગણી કરવામાં આવી હતી. પોલીસ પહોંચતાં એક યુવતી પોલીસ વાન પર ચડી ગઇ હતી અને સૂત્રોચ્ચાર કર્યાં હતાં. દોઢ-બે કલાક સુધી ધમાલ ચાલી હતી. એ પછી મોડી રાતે સિવિલના અધિકક્ષકે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ જો બેદરકારી જણાશે તો જરૂર કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપતાં પરિવારના વડીલોને વાત ગળે ઊતરી હતી અને મામલો શાંત પડ્યો હતો. સવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વીકારી લેવામાં આવ્યો છે તેમ મૃતકના સ્વજન હિંમતભાઇ વાઘેલાએ જણાવ્યું હતું.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.