રાજભવનમાં યોજાયેલા શપથવિધિ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રુપાણી, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો પણ હાજર રહ્યાં : ત્રણેય મંત્રીઓને ખાતાની ફાળવણી પાછળથી થશે
ગાંધીનગર-મિ.રિપોર્ટર, ૯મી માર્ચ
વિજય રુપાણીના સરકારના મંત્રીમંડળનું આખરે વિસ્તરણ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાંય સમયથી મંત્રીમંડળના વિસ્તરણની ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવ્યો છે. આજે રાજભવન ખાતે જવાહર ચાવડા, યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાની શપથવિધિ થઈ હતી. જ્યાં રાજ્યપાલ ઓ.પી. કોહલીએ ત્રણેય ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવ્યા હતા. વિજય રુપાણીની સરકારમાં જવાહર ચાવડાએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. જ્યારે યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. એકદમ ટુંકા કહી શકાય તેવા શપથવિધિ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રુપાણી, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો પણ હાજર રહ્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, જવાહર ચાવડા, યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને હાલમાં કોઈપણ ખાતાની ફાળવણી કરવામાં આવી નથી. ત્રણેય મંત્રીઓને ખાતાની ફાળવણી પાછળથી થશે.