વડોદરા-ક્રાઈમ, મી.રિપોર્ટર, ૨૯મી મે
રૂપિયા 60 હજારથી 90 હજાર રૂપિયામાં માર્કશીટ-ડીગ્રી સર્ટીફિકેટ વેચતા હતા : છેલ્લા 5 વર્ષથી ભેજાબાજો જે માંગો તે યુનિ.ની માર્કશીટ-ડીગ્રી સર્ટી. બનાવી આપતા હતા
ધોરણ-12 પાસ થી લઇ કોઇ પણ યુનિવર્સિટીની માર્કશીટ તેમજ કોઇપણ પ્રકારની એન્જિનીયરીંગ ડીગ્રીના બોગસ માર્કશીટ-ડીગ્રી સર્ટીફિકેટ બનાવી આપી વિદેશ મોકલવાનું કૌંભાડ શહેર ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યું છે. ક્રાઇમ બ્રાંચે આ ગુનામાં બે ભેજાબાજોની ધરપકડ કરી, તેઓની ઓફિસમાંથી વિવિધ યુનિવર્સીટીની 70થી વધુ બોગસ માર્કશીટો કબજે કરી છે.
શહેર ક્રાઇમ બ્રાંચના ડી.સી.પી. જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડોદરામાં રહેતા પ્રશાંત રાઠોડને અમેરીકા-શિકાગો જવાનું હતું. આથી તેઓને ત્રણ માસના કોર્ષ માટે સર્ટીફિકેટની જરૂર હતી. તેઓએ વર્ષ-2016માં અલકાપુરી વિન્ડસર પ્લાઝા સ્થિત કેપલોન ગૃપ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ સંસ્થાનો સંપર્ક કર્યો હતો.
સંસ્થાના સંચાલક વિરલ અંબાલાલ જયશ્વાલ અને નિલય ભુપેન્દ્ર શાહે શિકાગો જવા માટે સર્ટી લેવા માટે આવેલા પ્રશાંત રાઠોડ પાસેથી રૂપિયા 20,000 લઇને ધોરણ-12 પાસની માર્કશીટ બનાવી આપવા અને શિકાગો મોકલવા માટે જણાવ્યું હતું. ધોરણ-12ની અસલ માર્કશીટ સાથે એડમીટ કાર્ડ, માઇગ્રેશન સર્ટીફિકેટ તેમજ માધ્યમિક શિક્ષા પરિષદનું સર્ટીફિકેટ બનાવી આપ્યું હતું.
પ્રશાંત રાઠોડે આ તમામ સર્ટી ઓન લાઇન તપાસ કરતા તમામ સર્ટી બોગસ-ડુપ્લીકેટ જણાઇ આવ્યા હતા. આથી તેઓએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ આપતા ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી.
ડી.સી.પી. ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રશાંત રાઠોડની ફરિયાદના આધારે કેપલોન ગૃપ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ સંસ્થામાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડયો હતો. જેમાં ઓફિસમાંથી આર.કે.ડી.એફ. યુનિવર્સિટી, ભોપાલ., મહારાષ્ટ્ર એજ્યુકેશન બોર્ડ., મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ, વારાણસી., ઓપીજીએસ યુનિવર્સીટી, રાજસ્થાન., તેમજ સત્યસાંઇ યુનિવર્સિટી સહિત અન્ય યુનિવર્સિટીની 72 જેટલા બોગસ સર્ટીફિકેટ મળી આવ્યા હતા.
પોલીસે સંસ્થાના મુખ્ય સંચાલક વિરલ અંબાલાલ જયશ્વાલ અને નિલય ભુપેન્દ્ર શાહની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. બંને ભેજાબાજોની સાથે યુનિવર્સીટીના અન્ય કોઇ કર્મચારીઓ સંડોવાયેલા છે કે નહિં., તેઓએ અત્યાર સુધી કેટલાં લોકોને બોગસ માર્કશીટ અને ડીગ્રી સર્ટીફિકેટો આપ્યા છે., જેવી વિવિધ વિગતો બહાર લાવવા માટે ક્રાઇમ બ્રાંચે તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.