ગુજરાતમાંથી રૂા.8.7 કરોડનો દારૂ અને રૂા.500 કરોડની કિંમતનું 111 કિ.ગ્રા.ડ્રગ્સ ઝડપાયું : દેશમાંથી રૂા.175 કરોડનો 88 લાખ લિટર દારૂ અને 713 કરોડનું 21,419 કિ.ગ્રા. ડ્રગ્સ અને નાર્કોટિક્સનો જથ્થો જબ્બે 

વડોદરા- મી.રિપોર્ટર, દિવ્યકાંત ભટ્ટ

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનને ગણતરીના 4 દિવસ બાકી રહ્યા છે. આ અગાઉ ચૂંટણીમાં મની પાવરની બોલબાલા રોકવા ચૂંટણી પંચે જબરદસ્ત લગામ ખેંચી છે. જે અંતર્ગત ચૂંટણી પંચે અત્યાર સુધીમાં દેશભરમાંથી એક સ્થળેથી બીજા સ્થળે હેરાફેરી કરાતી રૂા.473 કરોડની રોકડ અને રૂા.410 કરોડના સોના-ચાંદી, રૂા.175 કરોડનો દારૂ અને રૂા.713 કરોડના ડ્રગ્સ-નાર્કોટિક્સના જથ્થા સહિત કુલ રૂા.1805.82 કરોડનો અધધધ..મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચૂંટણી પંચની આ કાર્યવાહીથી ચૂંટણી અગાઉ જ રાજકીય પક્ષોમાં સોપો પડી ગયો છે.

દેશમાં તા.11 એપ્રિલે લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન થનાર છે. જેના પગલે રાજકીય પક્ષોએ નાણાં કોથળી ખુલ્લી મૂકી મતદાન તેમના તરફે થાય તે માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. જો કે, ચૂંટણીમાં મની પાવરની બોલબાલા પર અંકુશ મૂકવા સંકલ્પબદ્ધ ચૂંટણી પંચે વિજિલન્સ ટીમોને રોકડ રકમ, દારૂ-ડ્રગ્સ અને કિંમતી ધાતુઓની હેરાફેરી પર બાજ નજર રાખવા સૂચના આપી છે.

જેના પગલે ચૂંટણી પંચની વિજિલન્સ ટીમો એકશનમાં આવી ગઇ છે. વિજિલન્સ ટીમો દેશના જુદાજુદા રાજ્યોમાંથી લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ પુરાવા વગરની રોકડ રકમની હેરફેર, કિંમતી ધાતુઓ ઉપરાંત ગેરકાયદે હેરાફેરી કરાતો દારૂ અને ડ્રગ્સનો જથ્થો ઝડપી રહી છે. ચૂંટણી પંચે શનિવાર તા.6 એપ્રિલ સુધી જપ્ત કરેલી વિવિધ વસ્તુઓનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં દર્શાવ્યા મુજબ રૂા.473 કરોડની રોકડ, રૂા.410 કરોડની કિંમતની 1500 કિ.ગ્રા. સોના-ચાંદી સહિત અન્ય કિંમતી ધાતુઓ ઝડપી પાડી છે. જ્યારે રૂા.713 કરોડની કિંમતનું 21,419 કિલોગ્રામ ડ્રગ્સ અને નાર્કોટિક્સ તેમજ રૂા.175 કરોડની કિંમતનો 88 લાખ લિટર દારૂ ઉપરાંત રૂા.29 કરોડની અન્ય કિંમતી વસ્તુઓ જુદાજુદા રાજ્યોમાં કાર્યરત વિજિલન્સ સ્કવોડની ટીમોએ નાકાબંધી દરમિયાન ચૂંટણી પંચના આદેશથી જપ્ત કરી લીધી છે.
ચૂંટણી પંચની વિજિલન્સ ટીમોએ કરેલી આ આકરી કામગીરીને લઇ મની પાવરના જોરે વોટ ખરીદવા થનગનતા રાજકીય પક્ષોમાં સન્નાટો વ્યાપી ગયો છે.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: