પૂર્વ વિસ્તારની સોસાયટીઓમાંથી હજુ પણ ગંદુ પાણી પીવું પડે છે : રહીશો નો વિરોધ

Spread the love

પૂર્વ વિસ્તારની સોસાયટીઓમાંથી પુનઃ પાણીના નમુના લેવાની સૂચના

વડોદરા, મી.રિપોર્ટર, ૨૯મી મે

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા નિમેટા ખાતેના ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઇ કર્યા પછી પણ શહેરના પૂર્વ વિસ્તારમાં દુષિત પાણીનો પ્રશ્ન હલ થયો નથી. આજે બાપોદ પાણીની ટાંકીની મુલાકાતે ગયેલા મ્યુનિસિપલ કમિશનર, મેયર, કાઉન્સિલરો અને હાજર રહેલા ઉચ્ચ અધિકારીઓ સામે સ્થાનિક લોકોએ દુષિત પાણીનો પ્રશ્ન હલ કરવાની માંગણી સાથે રોષ ઠાલવ્યો હતો.

શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા છ માસથી આવી રહેલા દુષિત પાણીનો પ્રશ્ન હલ કરવામાં કોર્પોરેશન ધરાર નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે. પૂર્વ વિસ્તારમાંથી રોજેરોજ મળી રહેલી દુષિત પાણીની ફરિયાદોને ધ્યાનમાં લઇ આજે સવારે મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ, મેયર ડો. જીગીશાબહેન શેઠ, સ્થાનિક કાઉન્સિલરો અને સબંધિત અધિકારીઓએ બાપોદ પાણીની ટાંકીની મુલાકાત લીધી હતી. અને પાણીનું નિરીક્ષણ કર્યું હતું.

અધિકારીઓ અને કાઉન્સિલરોની ટાંકીની મુલાકાત દરમિયાન સ્થાનિક લોકો આવી પહોંચ્યા હતા. અને મ્યુનિ. કમિશનર, મેયર, કાઉન્સિલરો અને અધિકારીઓ સામે દુષિત પાણી અંગે રોષ ઠાલવ્યો હતો. સ્થાનિક લોકોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અમે પણ ભાજપાના કાર્યકરો છે. પરંતુ, ભાજપાવાળા અમે રજૂઆત કરવા જઇએ છે., ત્યારે દાદાગીરી કરે છે. આજે સમગ્ર પૂર્વ વિસ્તારમાં દુષિત પાણી આવી રહ્યું છે. પાણીના નમુના લઇ જવામાં આવે છે. પરંતુ, દુષિત પાણીનો પ્રશ્ન હલ થતો નથી. દુષિત પાણી પીવાના કારણે લોકો બિમાર પડી રહ્યા છે. કમળો અને ઝાડા-ઉલટી જેવા પાણીજન્ય રોગચાળાના ભોગ બની રહ્યા છે.

સ્થાનિક લોકોની ઉગ્ર રજૂઆતો સાંભળ્યા બાદ મેયર ડો. જીગીશાબહેન શેઠ હાજર અધિકારીઓને રોજેરોજ પાણીના નમુના લેવા અને પૂર્વ વિસ્તારના રહીશોને વહેલી તકે શુધ્ધ પાણી મળે તે માટે જરૂરી સુચના આપી હતી.