હોસ્પિટલના અપૂરતા સ્ટાફની પોલ ખુલી ગઇ : હોસ્પિટલ તંત્રની કામગીરી સામે યોગ્ય તપાસની માંગ કરાઇ

વડોદરા- હેલ્થ, મિ.રિપોર્ટર, ૮મી મે. 

શહેરના કારેલીબાગ સ્થિત સાધનાનગરમાં આવેલી ચેપી રોગની હોસ્પિટલમાં અપૂરતી સુવિધાઓ છે. દર્દીઓને સારા થવા માટે જાતે જ પોતાના હાથમાં ગ્લુકોઝના બોટલને જાતે જ ચઢાવા પડે છે, આવા આક્ષેપ સાથે શિવસેનાના કાર્યકરોએ આજે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. એટલું જ નહિ પણ દર્દીઓ જાતે જ ગ્લુકોઝની બોટલ લઇને આવતા હોય તેવા વીડિયો પણ રજૂ કર્યાં હતા.

કારેલીબાગ વિસ્તારમાં આવેલી ચેપી રોગની હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં કમળો, ઝાડા-ઉલટીના દર્દીઓનો ધસારો થઇ ગયો છે. 50 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં હાલમાં 70 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. અચાનક જ વધી ગયેલા દર્દીઓના કારણે હોસ્પિટલમાં અપૂરતા સ્ટાફ અને સુવિધાની પોલ ખુલી ગઇ છે.

તેજસ બ્રહ્મભટ્ટ સહિતના શિવસેનાના કાર્યકરોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે, ચેપી રોગ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની અપૂરતી સુવિધાઓ મળી રહી છે, ત્યારે ચેપી રોગ હોસ્પિટલમાં ચાલતી લોલમલોલ અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે. તો બીજીબાજુ ચેપી રોગ હોસ્પિટલના સત્તાવાળાઓએ જણાવ્યું હતુ કે, છેલ્લા 15 દિવસમાં દર્દીઓનો ધસારો વધી ગયો છે. હોસ્પિટલમાં પૂરતી સુવિધાઓ છે. દવાઓનો પણ પૂરતો સ્ટોક છે.

ચેપી રોગ હોસ્પિટલના આરએમઓ ડો. પ્રિતેશ શાહે જણાવ્યું હતું કે, હોસ્પિટલ સામેના આક્ષેપો ખોટા છે. કેટલાક સંજોગોમાં દર્દીને બોટલ આપવામાં આવે છે, તે બેડ સુધી બોટલ લઇને જાય છે પરંતુ દર્દીઓ જાતે જ બોટલ ચડાવે છે તે વાત ખોટી છે. હોસ્પિટલમાં સ્ટાફ ઓછો છે તે વાત સાચી છે.

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: