દિલ ખુશી થી ઉભરાતું હતું અને આંખો આંસુ થી છલકાતી હતી : આકાંક્ષા

Spread the love

એપિસોડ -42

(હવે થી માત્ર દર ગુરુવારે )

લેખિકા : ભૂમિકા બારોટ 

(એપિસોડ -41: તમે પાછલાં અંકમાં વાચ્યું… એક દિવસે સાંજે આકાંક્ષા દિલ્લી જવાના એક ફોર્મ પર સહી કરાવા આવી અને એને પોતે પોતાના ટાર્ગેટ પર ધ્યાન આપવા માંગે છે અને જેના માટે બે વર્ષ દિલ્લી જવા માંગે છે અને એન પાપા એન સહી કરી આપે છે અને પછી એ પોતા ના મિત્રો ને મળવા જાય છે અને બધા આકાંક્ષા ન સફળતા પાછળ હર્ષ ને જવાબદાર સમજે છે)

(એક મહિના પછી)

(અમદાવાદ એરપોર્ટ પર)

ખુશી નો દિવસ હતો પરંતુ પોતાના જીવ થી પણ વહાલી લાડકી બે વર્ષ માટે પોતાના થી અળગી થતી હોય એ કયા માં- બાપ સાંખી શકે ? બસ એવી જ હાલત હતી રમાબેન અને રાજેશભાઈ ની……દિલ ખુશી થી ઉભરાતું હતું અને આંખો આંસુ થી છલકાતી હતી…..હૈયે પત્થર મૂકી ને પોતાની લાડકી ને એના સપના પુરા કરવા મોકલવાની હતી અને એ પણ સ્મિત સાથે…..આકાંક્ષા ના મિત્રો બીજા વડીલો બધા જ આકાંક્ષા ને મુકવા આવ્યા હતા……

” ચાલો પાપા-મમ્મી હું અંદર જાવ છું…….” આકાંક્ષા આશીર્વાદ લેતા બોલી…..
બધા જ મિત્રો ને મળી ને આકાંક્ષા આગળ વધી …..

હવે પછી નુ એક એક ડગલું સફળતા જ અપાવશે એવો આકાંક્ષા ને વિશ્વાસ હતો……બે વર્ષ પછી આ જ સમયે અને આજ એરપોર્ટ પર આકાંક્ષા એક IPS બની ને આવશે આ કલ્પના માત્ર થી આકાંક્ષા ના રોમેરોમ માં એક જનૂન આવી ગયું……અને મમ્મી- પાપા નો એ હસતો ચહેરો જોઈ ને બધી ફોર્માલિટીઝ પૂરી કરતા એ વેઇટિંગ એરિયા માં પોતાની ફ્લાઇટ ની રાહ જોતી બેઠી……

અનાઉન્સમેન્ટ થઇ આકાંક્ષા ઉડવા જઈ રહી હતી ……આજે પ્લેન ની સાથે સાથે એ પોતાના સપના ની પણ ઉડાન ભરવા જઈ રહી હતી….

“શરૂ થશે હવે આ મારગ સાહસ નો, પંથ છે આ પરિશ્રમ નો;
વધ આગળ તું ખંત થી, બન નીડર તું દિલ થી,
જોજે ….કાચું ના ખાતો,પાછો ના પડતો સવાલ છે આ ઈજ્જત નો.”

– ભૂમિકા બારોટ

લગભગ કલાકેક જેટલા સમય પછી દિલ્લી આવ્યું…આકાંક્ષા એ કેબ બુક કરેલી જ હતી એટલે એને ગાડી માટે રાહ તો નહોતી જોવાની….પરંતુ એ રાહ તો જોઈ રહી હતી ……UPSC ACADEMY પહોંચવાની.એરપોર્ટની બહાર ગાડીનો ડ્રાઈવર આકાંક્ષાની રાહ જોઈને ઉભો જ હતો.એને આકાંક્ષાના આવતા વેંત જ બધો સામાન લઇને ગાડીમાં મુક્યો.

ગાડી ની પાછલી સીટ પર બેઠેલી આકાંક્ષા દિલ્લી ની જતી સડકો જોઈ રહી હતી. વિચારતી હશે કે કદાચ એના અહી પહોચવા માટે વિશ્વાસ નિમિત હતો……જીવન માં ક્યારેક કઈ ખોટું થવા પાછળ કઈ સારું થવાના અણસાર હોય છે …..એટલે નિરાશ થવાના બદલે પરિસ્થિતિ ને અપનાવતા શીખી જાવ…..

આકાંક્ષા ના વિચારો ને તોડતા ગાડી નો ડ્રાઈવર બોલ્યો, “ UPSC કે લીએ આયે હો ????”
આકાંક્ષા એ હકાર માં માથું ધુણાવ્યું.

ડ્રાઈવર ને જાણે સંતોષ ના થયો હોય એમ એને ફરી પૂછ્યું,” મતલબ કી મેં ભવિષ્ય કે IPS ઔર IAS મેમસાબ કો લેકે જા રહા હું???”

“ વો તો ઉપરવાલા જાણે…..હમ સિર્ફ મહેનત કર સકતે હે …..બાકી સબ ઉસકી મરજી…..” આકાંક્ષા બોલી.

“હા મેડમ વો સહી હે કોઈ ની આપ મહેનત કરો હમારી દુઆ આપકે સાથ હે ……કભી કુછ બન જાઓ તો હમે યાદ કરના …..” ડ્રાઈવર બોલ્યો …..અને એને દિલ થી દુઆ આપી .

વાતો વાતો માં આકાંક્ષા ની મંજિલ નો ગેટ આવ્યો….. ડ્રાઈવરે સામાન ઉતાર્યો અને આકાંક્ષા ને બાય કરી ને ગાડી વળાવી નીકળી ગયો…..

આકાંક્ષા ACADEMY ના ગેટ પર ઉભી હતી……એને નકકી કર્યું કે હવે જયારે અહી થી નીકળશે ત્યારે એક નેમ પ્લેટ સાથે નીકળશે……… IPS AAKANKSHA………

શરૂ થઇ ગઈ હતી હવે મહત્વાકાંક્ષાઓ ની સફર……….