દીપક નાઇટ્રેટનો પૂર્વ મહિલા મેનેજર સામે ડેટા ચોરીનો આક્ષેપ : કોર્ટમાં રૂ. 370 કરોડની નુકસાનીનો દાવો…વાંચો…

Spread the love

ક્રાઈમ – બિઝનેસ, મિ.રિપોર્ટર, વડોદરા.

વડોદરાની જાણીતી કેમિકલ કંપની દીપક નાઇટ્રેટે તેની એક પૂર્વ મેનેજર મહિલા કર્મી સામે નોકરી છોડતા અગાઉ કંપનીના મહત્વના ડેટા ચોરી કરવાનો આક્ષેપ કર્યો છે, એટલું જ નહિ પણ દીપક નાઈટ્રેટે પૂર્વ મહિલા મેનેજર સામે સ્થાનિક કોર્ટમાં રૂ. 370 કરોડની નુકસાનીનો દાવો કર્યો છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, દીપક નાઈટ્રેટે  પૂર્વ મેનેજર ગુરૂગ્રામની જે કંપનીમાં જોડાઈ છે તે હરીફ કંપની સંખ્યાબંધ જીબી સેન્સિટિવ ડેટા ટ્રાન્સફર કર્યાનો આક્ષેપ પણ આ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. 

શહેરની એક ન્યુઝ વેબસાઈટ ને આપેલી માહિતી મુજબ,  દીપક નાઇટ્રેટે આ અંગે વડોદરાની સાઈબર ક્રાઈમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવાયું છે કે, કંપનીમાં નોકરી કરતી પૂર્વ મહિલા મેનેજરે તેમના કાર્યકાળ દરમિયાન કંપની પ્રોડક્ટ્સના ભાવ, રિપોર્ટ, પ્રોડક્ટ્સ, પ્રોડક્ટ રેસિપી સહિતનો સંખ્યાબંધ જીબી ડેટા ચોરી કરી લીધો હતો. આ કંપનીમાંથી 10 જાન્યુઆરીએ નોકરી છાડ્યા બાદ તેઓ ગુરૂગ્રામ સ્થિત હરિફ કંપનીમાં જોડાયા હતા. જો કે, તેમણે દીપક નાઇટ્રેટ કંપનીનો ડેટા ઇ-મેઇલ ઉપર ટ્રાન્સફર કર્યો હતો.
 
કંપનીએ તેઓના ધારાશાસ્ત્રી જયદીપ વર્મા દ્વારા પૂર્વ મેનેજર સામે સ્થાનિક એડિશનલ સિનિયર સિવિલ જજ વી.આર. ચૌધરીની કોર્ટમાં રૂ. 370 કરોડનો નુકસાનીનો દાવો કર્યો છે.  પૂર્વ મેનેજરે નોકરી છોડતાં પહેલાં કંપની નો મહત્વનો ડેટા ચોરી કર્યો હોવાનો દાવો દીપક નાઇટ્રેટે  કર્યો છે. પૂર્વ મેનેજર સામે કોર્ટમાં કરવામાં આવેલા દાવાની સુનાવણી આગામી 30 માર્ચના રોજ થશે.