અમદાવાદ, મી.રિપોર્ટર, ૨૬મી ડીસેમ્બર.
BMW કાંડનો આરોપી અને બે લોકોને મોતને ઘાટ ઉતારનાર વિસ્મય શાહને અડાલજ નજીક આવેલા બાલાજી કુટિરમાં દારૂ અને હુક્કાની મહેફિલ માણતા પોલીસે ઝડપ્યો છે. વિસ્મયની સાથે જ તેની પત્ની પૂજા શાહ, સાળા ચિન્મય પટેલ, વીએસની ડૉકટર સહિતના હાઈપ્રોફાઈલ લોકો ફાર્મ હાઉસમાં પાર્ટી માણતા ઝડપાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્ટે વિસ્મયને વિદેશ હનીમૂન કરવા જવાની ના પાડતા અમદાવાદમાં જ ક્રિસમસ પાર્ટી હેઠળ દારૂની પાર્ટી ગોઠવી હતી.
BMW કાંડનો આરોપી વિસ્મય શાહે પોતાના અંગત અને નજીકના દોસ્તોને પોતાના મેરેજ નિમિતે પાર્ટીમાં ઈન્વાઈટ કર્યા હતા, જેમાં દારુ પણ સર્વ કરવામાં આવ્યો હતો. વિસ્મયની મહેફિલની માહિતી મળતા ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી વિસ્મય, તેની પત્ની અને ચાર અન્ય લોકોને ઝડપી લીધાં હતાં. પોલીસને સ્થળ પરથી સાત હુક્કા, સાત બોટલ વિદેશી દારુ, આઠ બીયર ટીન અને એક મર્સિડિસ કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના ઝડપાયેલામાં આરોપી આર્કિટેક્ટ એવો મંથન બી.જે. મેડિકલ કોલેજના પી.જી.ના પૂર્વ ડાયરેકટર શ્યામ ગણાત્રાનો પુત્ર છે.ચિન્મય પટેલ પણ ડૉકટર હોવાનું સામે આવ્યું છે. તેના માતા-પિતા પણ ડૉકટર છે. ચિન્મયના દાદા અજીત પટેલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હતા. વિસ્મય શાહની પત્ની પૂજા શાહ આરોપી ચિન્મય પટેલની બહેન છે અને વકીલાતનો અભ્યાસ કરે છે.
પોલીસ આ તમામ લોકોનું મેડિકલ પરીક્ષણ કરવા માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લાવી હતી. ઉલ્લેખનીય છે કે, વિસ્મયના 13 ડિસેમ્બરના રોજ લગ્ન થયા હતા, અને તેની જ તેણે પાર્ટી રાખી હતી. વિસ્મય શાહે તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટમાં પોતાને વિદેશ હનિમૂન કરવા જવાનું હોવાથી પાસપોર્ટ આપવા વિનંતી કરી હતી, જોકે કોર્ટે ભારતમાં પણ ફરવા લાયક ઘણી જગ્યા છે તેમ કહી તેની માગણી ફગાવી દીધી હતી. કોર્ટે વિસ્મયને વિદેશ હનીમૂન કરવા જવાની ના પાડતા અમદાવાદમાં જ ક્રિસમસ પાર્ટી હેઠળ જ દારૂની પાર્ટી ગોઠવી હતી.