ભ્રષ્ટાચારથી ખદબદતા પોલીસ તંત્રમાં ઇમાનદાર પોલીસ જવાનો છે : 1.16 લાખ ભરેલી બેગ પીએસઆઇએ વેપારીને પરત કરી

Spread the love

વડોદરા, ૫મી નવેમ્બર. 

પોલીસનું નામ આવે એટલે તુમાખી અને ભ્રષ્ટાચાર ભરેલું જ હોય તેવી છાપ ઉભી થઈને આવે છે. ભ્રષ્ટાચારથી ખદબદતા પોલીસ તંત્રમાં હજુ પણ ઇમાનદાર પોલીસ જવાનો ફરજ બજાવે છે. આવાજ એક પોલીસ અધિકારીની ઇનામદારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવાપુરા પોલીસ મથકના પીએસઆઇને રસ્તા ઉપરથી રૂપિયા 1.16 લાખ ભરેલી મળી આવી અને તેણે બેગના મૂળ માલિકને પહોંચતી કરી છે. તો બીજીબાજુ પોતાની રૂપિયાથી ગુમ થયેલી બેગ પોલીસ મથકમાંથી પરત મળતા વેપારી ગદગદીત થયો હતો.

 અબ્દુલકાદર મહંમદભાઇ કાલાવડીયા સેક્ટર-4-એ, પ્લોટ નંબર 244-2 ગાંધીનગર ખાતે રહે છે. અને વિવિધ શહેરોમાં હેન્ડલૂમ એક્ઝીબીશનનું આયોજન કરીને ગુજરાન ચલાવે છે. આ વેપારી સોમવારે વડોદરા આવ્યા હતા. અને ઉઘરાણીના રૂપિયા 1,16,560 કારની ડીકીમાં મૂકીને સાંજના સમયે ગાંધીનગર પરત જઇ રહ્યા હતા.

દરમિયાન, અબ્દુલકાદરભાઇ કાલાવડીયાની રોકડ રકમ મૂકેલી બેગ તેઓની કારની ખુલ્લી રહી ગયેલી ડીકીમાંથી નવાપુરા પોલીસ મથકની હદમાં કોઇ જગ્યાએ પડી ગઇ હતી. મોડી સાંજે નવાપુરા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.આર. મહિડા, હે.કો. નરસિંહભાઇ ગોરધનભાઇ નવાપુરા- 1 મોબાઇલમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે સમયે તેઓને આર.વી. દેસાઇ રોડ ઉપર સુમંગલ એપાર્ટમેન્ટ પાસે રસ્તા ઉપર કાળા કલરની બેગ પડેલી મળી આવી હતી. પોલીસ અધિકારી તુરતજ બેગ લઇને પોલીસ મથકમાં આવ્યા હતા. અને પોલીસ મથકમાં આવ્યા બાદ બેગમાં તપાસ કરતા તેઓને તેમાંથી રોકડ રૂપિયા 1,16,560 તેમજ પાનકાર્ડ, આર.સી. બુક વિગેરે દસ્તાવેજો મળી આવ્યા હતા. પોલીસ અધિકારીએ તુરતજ આ અંગેની જાણ પી.આઇ. ડી.કે. રાવને કરતા તેઓ પણ પોલીસ મથકમાં આવી પહોંચ્યા હતા.

દરમિયાન પી.એસ.આઇ. એ.આર. મહિડાએ રોકડ રકમ સાથે મળેલી બેગ મૂળ માલિકને પહોંચતી કરવા માટે બેગમાંથી મળેલા દસ્તાવેજો ઉપરના ફોન નંબરના આધારે અનેક વ્યક્તિઓનો સંપર્ક કર્યો હતો. પરંતુ, બેગના માલિક મળી આવતા ન હતા. તે સમયે તેઓને બેગમાંથી એક વિઝીટીંગ કાર્ડ મળી આવ્યું હતું. જે વિઝીટીંગ કાર્ડ ઉપરના નંબર ઉપર ફોન કરતા બેગના માલિક મળી આવ્યા હતા.

વેપારી પોલીસ મથકમાં આવ્યા બાદ પી.આઇ. ડી.કે. રાવ અને પી.એસ.આઇ. એ.આર. મહિડાએ ખાતરી કરીને તેઓની મળી આવેલી રૂપિયા 1,16,560 રોકડ સાથેની બેગ પરત કરી હતી. પોલીસ અધિકારીઓએ સ્ટાફની વચ્ચે વેપારી અબ્દુલકાદરભાઇ કાલાવડીયાને બેગ પરત કરતા, વેપારી પોતાના હર્ષના આંસુ રોકી શક્યા ન હતા. અને પોલીસ અધિકારીઓ તેમજ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

વેપારી અબ્દુલકાદરભાઇ કાલાવડીયાએ જણાવ્યું હતું કે, જ્યારે મારી બેગ પડી ગઇ હોવાની જાણ થતાં, હું નિરાશ થઇ ગયો હતો. મને ખબર ન હતી કે, મને પડી ગયેલી રૂપિયા 1,16,560 મૂકેલ બેગ પરત મળશે. અને તે પણ પોલીસ તંત્ર દ્વારા પરત મળશે. જ્યારે નવાપુરા પોલીસ મથકમાં બોલાવીને પોલીસ અધિકારીઓએ મને બેગ પરત કરી ત્યારે તેઓનો આભાર કેવી રીતે માનવો. તે માટે કોઇ શબ્દ ન હતા. આજે હું ચોક્કસ કહીશ કે પોલીસ તંત્રમાં આજે પણ નવાપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઇ. ડી.કે. રાવ, પી.એસ.આઇ. એ.આર. મહિડા અને હે.કો. નરસિંહભાઇ ગોરધનભાઇ જેવા ઇમાનદાર પોલીસ જવાનો છે.

This slideshow requires JavaScript.