રાજયમાં કોરોના નો આંકડો ૧૭૫ ને આંબ્યો: નિઝામુદ્દીન મરકઝના 127 વ્યક્તિઓની ઓળખ, અફવા ફેલાવનાર 240ની ધરપકડ

Spread the love
 
અમદાવાદ – મિ.રિપોર્ટર, ૭મી એપ્રિલ. 
 
ગુજરાતમાં અત્યાર સુધીમાં  કોરોના વાઈરસના પગલે 14 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.  રાજ્યમાં આજે કોરોનાના 29 કેસ સામે આવ્યા છે અને કુલ પોઝિટિવ કેસોનો આંકડો 175ને આંબી ગયો છે. આખા રાજ્યમાં આજે નોંધાયેલા 29 નવા કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. અમદાવાદ એકલામાં જ અત્યારસુધી 83 કેસ કન્ફર્મ થયા છે.
 
રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશન ના લીધે કોરોના વાઈરસના કેસો સતત વધતા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે હવે લોકડાઉનના બાકીના સાત દિવસમાં કડક પાલન કરાવવા માટે પોલીસ વિભાગ પૂરતો પ્રયાસ કરશે. આ ઉપરાંત તેમણે એ પણ ઉમેર્યું હતું કે, નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપનાર 127 વ્યક્તિઓની ઓળખ થઈ ચૂકી છે. જે પૈકી મોટાભાગના અમદાવાદ, ભાવનગર, મહેસાણા, જૂનાગઢ, બોટાદ, સુરત, છોટાઉદેપુર અને નવસારી વિસ્તારના છે.
 
 સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવાના મામલા અંગે પોલીસવડાએ ઉમેર્યું હતું કે, સોશિયલ મીડિયા ઉપર ભડકાઉ મેસેજ બનાવનાર અને તેને ફેલાવનાર બંને સામે ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈ કાલે આવી રીતે સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવવા બદલ 18 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 131 ગુનાઓ દાખલ કરી 240 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના 1541 અને હોમ ક્વોરન્ટિન ભંગના 677 તથા અન્ય 162 ગુનાઓ મળી કુલ 2380 ગુનાઓ દાખલ કરવામાં આવ્યાં છે.

શહેરી ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ સંક્રમણ ન પ્રસરે તે માટે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. વધુ સંક્રમિત વિસ્તારોમાં લોકડાઉનના ચુસ્ત અમલ માટે 13 DYSP, 102 PI, 51 PSI અને 397 ASI ખડેપગે સજ્જ છે તો ક્લસ્ટર ક્વોરન્ટિન કરાયેલા તમામ વિસ્તારોમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા SRPની વધુ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસકર્મીઓની હેલ્થ ચકાસણી પણ કરવામાં આવી રહી છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.