જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોના દર્દીનું ઓક્સિજન સપોર્ટ હટાવાતા મોત, પરિવારજનોએ આક્ષેપ સાથે કરી બબાલ…જુઓ વિડીયો..

www.mrreporter.in
Spread the love

મૃતકના દીકરાએ ઉતારેલા વિડીયોમાં હોસ્પિટલનો સ્ટાફ ઉપરથી ઓર્ડર આવતા ઓક્સિજન સપોર્ટ હટાવાયો હોવાની કબૂલાત કરતો જોવા મળ્યો

જામનગર-મી.રિપોર્ટર, ૨૮મી એપ્રિલ.

રાજ્યમાં કોરોના નો કહેર જારી છે. હજુ પણ ઘણી જગ્યા પર દર્દીઓને બેડ મેળવવામાં ભારે તકલીફો પડી રહ્યી છે. ઓક્સીજન નો પુરતો પુરવઠો ઘણી હોસ્પિટલ પાસે પૂરતા પ્રમાણમાં નથી. હોસ્પીટલમાં ઓક્સીજન ને સાચવવા માટે રમતો રમાઈ રહી છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

જામનગરની જીજી હોસ્પિટલમાં એડમિટ મોરબીના એક કોરોના દર્દીનું મોત થયા બાદ મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં જોરદાર હોબાળો કર્યો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે હોસ્પિટલના સ્ટાફે મૃતકને અપાઈ રહેલો ઓક્સિજન સપોર્ટ હટાવી દેવાતા તેમનું મોત થયું હતું. મંગળવારની આ ઘટનામાં ડૉક્ટરો અને મૃતકના પરિવારજનો વચ્ચે થયેલી બબાલનો વિડીયો પણ વાયરલ થયો હતો.

65 વર્ષીય છગનભાઈ ચારોળાનું જીજી હોસ્પિટલમાં મોત થયા બાદ તેમનો દીકરો અને પત્ની હોસ્પિટલના સ્ટાફ સાથે ઝઘડ્યા હતા. તેમણે ડૉક્ટરો પર ખૂલ્લો આક્ષેપ મૂક્યો હતો કે મૃતકનો ઓક્સિજન સપોર્ટ હટાવાઈ લેવાયો હતો. વિડીયોમાં દેખાતા ડૉક્ટર પણ આ વાતનો સ્વીકાર કરતાં નજરે પડે છે, અને જણાવે છે કે ઉપરથી આદેશ મળ્યા બાદ ઓક્સિજન સપોર્ટ કટ કરાયો હતો. મૃતકના પત્ની લીલાબેન ચારોળાએ એક વિડીયોમાં જણાવ્યું હતું કે તેઓ ડૉક્ટર્સને કગરી રહ્યા હતા કે તેમના પતિનો ઓક્સિજન સપ્લાય હટાવવામાં ના આવે. તેઓ તેમના પગે પડી ગયા હતા.

તો બીજીબાજુ સમગ્ર ઘટના અંગે જામનગર કલેક્ટર રવિ શંકરે દાવો કર્યો હતો કે પેશન્ટનો ઓક્સિજન સપોર્ટ હટાવાઈ દેવાયો હોવાના આક્ષેપ સદંતર ખોટા છે.
લોકો એવું માને છે કે ઓક્સિજન સપ્લાય વધારવાથી દર્દી વહેલો સાજો થઈ જશે. જો કોઈ આવું કરે તો બીજા દર્દીને મળતો ઓક્સિજન ઘટી જતાં તે પરેશાન થઈ જાય છે. જેથી સ્ટાફ દર્દીની જરુરિયાત અનુસાર ઓક્સિજનને રેગ્યુલેટ કરતો હોય છે.