કોરોના વાઈરસ : અમદાવાદમાં 2 અને વડોદરામાં 1 પોઝીટીવ દર્દી, પરિવારજનોને પણ ક્વોરેન્ટાઈન કરાયા : 144ની કલમ લાગુ

Spread the love

ન્યૂયોર્ક અને ફિનલેન્ડથી અમદાવાદ આવેલી 2 મહિલાના રિપોર્ટ પોઝિટિવ:  સ્પેનથી વડોદરા આવેલા યુવાનનો રિપોર્ટ પણ કન્ફર્મ, હાલત સ્થિર

હેલ્થ- વડોદરા, મિ.રિપોર્ટર, ૨૦મી માર્ચ.

દેશના મહારાષ્ટ્રના પુના અને મુંબઈ બાદ ગુજરાતના સુરત- રાજકોટમાં એક-એક કોરોના વાઈરસ થી પોઝીટીવ હોવાના સમાચાર વચ્ચે આજે વડોદરામાં 1 અને અમદાવાદમાં 2 દર્દીઓ પણ કોરોના વાઈરસનો ભોગ બન્યા હોવાનો રીપોર્ટ સામે આવતા જ આરોગ્ય તંત્ર તેમજ જીલ્લા કલેકટરની ટીમ સક્રિય બનીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કોરોના વાઈરસ વધુ આગળ ન ફેલાય તે માટે વડોદરા અને અમદાવાદના દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરી દેવામાં આવ્યા છે. જયારે દર્દીઓ જેટલા લોકોના સંપર્કમાં આવ્યા હોય તેવા તમામને સરકારી હોસ્પિટલમાં ક્વોરેન્ટાઈન કરી દઈને સમગ્ર જીલ્લામાં 144ની કલમ લાગુ કરી દીધી છે.

કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા ગઈકાલે 2 હતી તે એક દિવસમાં જ અઢીગણી વધીને આજે 5 થઈ ગઈ છે. અમદાવાદની 2 મહિલા અને વડોદરાના એક યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદમાં જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમાંથી એક યુવતી ન્યૂયોર્કથી આવી હતી જ્યારે બીજી મહિલા ફિનલેન્ડથી આવી હતી. જ્યારે વડોદરામાં જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે યુવાન સ્પેનથી આવ્યો હતો.

આ અંગેની જાહેરાત કરતાં રાજ્યના આરોગ્ય કમિશનર  જયંતિ રવિએ જણાવ્યું છે કે, અત્યારસુધી ગુજરાતમાં જે પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે તે બધા વિદેશથી આવેલી વ્યક્તિના છે, કોઈ લોકલ કે ડોમેસ્ટિક સિટિઝન કેસ પોઝિટિવ આવ્યો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  અમદાવાદના યુવતી કે જે 14 માર્ચના રોજ ન્યૂયોર્કથી વાયા મુંબઈ ફ્લાઈટમાં આવી હતી તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ફિનલેન્ડથી આવેલી યુવતીનો રિપોર્ટ પણ આજે સવારે પોઝિટિવ આવ્યો છે.

જ્યારે સ્પેનથી વડોદરા આવેલા યુવકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 5 થઈ ચૂકી છે. જો કે, આ તમામ દર્દીઓની વય 35 વર્ષથી ઓછી છે. આ તમામને જે-તે જિલ્લામાં ખાસ ઉભા કરાયેલા આઈસોલેશન વોર્ડમાં રખાયા છે. શરૂમાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા પણ અત્યારે તેઓ આઈસોલેશન વોર્ડમાં છે અને બધાની હાલત સ્થિર છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)