કોરોના ઈફેક્ટ : ગુજરાતમાં 20 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ, રાજકીય-સામાજિક કાર્યક્રમો અને મેળાવડા પણ પ્રતિબંધ

www.mrreporter.in
Spread the love

ગુજરાતમાં સરકારી કચેરીઓમાં દર શનિ-રવિ રજા રહેશે, લગ્ન પ્રસંગમાં ફક્ત 100 લોકોને જ મંજૂરી

ગાંધીનગર- મી.રિપોર્ટર, 6ઠ્ઠી એપ્રિલ 

ગુજરાતમાં કોરોના નો વિસ્ફોટ થયો છે. રોજે રોજ રોકેટની ગતિએ કેસોની સંખ્યા વધી રહી છે. કોરોના ના કેસોની વધેલી સંખ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારને મીની લોક ડાઉન  નાંખવાનો નિર્દેશ આપ્યો હતો.  હાઇકોર્ટના આદેશ બાદ મોડી સાંજે બેઠક બોલાવીને  રાજ્યના 20 શહેરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ નાખવાની જાહેરાત કરી હતી. 

મોડી સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી. બેઠક બાદ  મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોરોના વકરી રહ્યો છે. કુલ કેસનાં 60 ટકા કેસ ચાર મહાનગરોમાંથી આવી રહ્યા છે. અન્ય જિલ્લાઓમાં પણ ધીરે ધીરે કેસ વધી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી આપણે પ્રજાના સહકારથી કોરોના સામે સંઘર્ષ કરતા આવ્યા છીએ. જે પ્રકારે આજે સમગ્ર દેશમાં કોરોનાનું વાતાવરણ છે તે જોતા એવું લાગે છે કે, હજુ પણ કેસ વધશે. પરંતુ તેનાથી આપણે ડરવાની જરૂર નથી.

બેઠક બાદ મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરાત કરી હતી કે ગુજરાતના 20 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવામાં આવશે. લગ્નમાં 100થી વધુ લોકો હાજર રહી શકશે નહીં. જ્યારે 30 એપ્રિલ સુધી સરકારી કચેરીઓમાં દર શનિવાર અને રવિવારે રજા રહેશે. 30 એપ્રિલ સુધી તમામ મોટા કાર્યક્રમો થઈ શકશે નહીં.

ક્યાં 20 શહેરોમાં રહેશે રાત્રી કર્ફ્યૂ  ?

રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. આ શહેરોમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીનો સમાવેશ થાય છે.