ગાંધીનગર- મી.રીપોર્ટર, ૨૧મી નવેમ્બર.
રાજ્યમાં યોજાયેલી પેટા ચુંટણીમાં કાર્યકતાઓની ભીડ બાદ દિવાળીની ખરીદી કરવા માટે બજારોમાં લોકોની જામેલી ભારે ભીડ બાદ હવે ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. રાજ્યમાં પહેલીવાર એક જ દિવસમાં 1515 કેસ નોંધાયા છે અને હજી સ્થિતિ ભયાનક બને તેવી ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9 મોત અને 1271 દર્દી સાજા થઇને ઘરે ગયા છે. આ સાથે જ અત્યારસુધીમાં કુલ કેસનો આંકડો 1 લાખ 95 હજાર 917 થયો છે. જ્યારે મૃત્યુઆંક 3846 થયો છે. તો અત્યારસુધીમાં કુલ 1 લાખ 78 હજાર 786 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 13285 એક્ટિવ કેસ છે. જેમાંથી 95 વેન્ટિલેટર પર અને 13190 દર્દીની હાલત સ્થિર છે.
રાજ્કોયમાં કોરોના ની મહામારી વધી છે. આ સ્થિતિ ને જોતા અમદાવાદ સહીત વડોદરા, રાજકોટ, સુરતમાં કર્ફ્યૂ લંબાવાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. સરકારે શુક્રવારે જ જણાવી દીધું હતું કે કોરોનાની સ્થિતિ જોઇને આગળનો નિર્ણય લેવાશે. તેવામાં હવે કેસ વધતાં સરકાર કર્ફ્યૂ લંબાવી શકે છે. એક એવી પણ શક્યતા છે કે રાત્રી કર્ફ્યૂ ઉપરાંત વધારાના પ્રતિબંધ મુકી શકે છે. તેમાં સવારે 10થી સાંજના 7 સુધી જ છૂટછાટ જેવા વિકલ્પ સામેલ છે. આ ઉપરાંત કન્ટેઇનમેન્ટ ઝોનમાં પણ કડક નિયમો લાગુ કરી શકે છે. જોકે આ અંગે સરકાર દ્વારા હજી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
વડોદરામાં રાત્રિ કર્ફ્યુ અગાઉ 20 જેટલી દુકાનો સીલ
શહેરમાં આજે રાત્રે નવ વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂનો અમલ શરૂ કરવામાં આવશે. તે પૂર્વે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સવારથી જ અલગ-અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 20 જેટલી દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા તાત્કાલિક સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટ પર ટેક્સી અને કેબવાળાની ઉઘાડી લૂંટ
ગઈકાલે રાતના 9 વાગ્યાથી સોમવાર સવાર સુધી શહેરમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદ એરપોર્ટ પર બહારથી આવેલા મુસાફરોને અમદાવાદના જ વિસ્તારમાં જવા માટે ટેક્સીચાલકો અને કેબ સર્વિસધારકો રૂ. એક હજારથી બે હજાર પડાવી રહ્યા છે. મુસાફરોને એમાં કલાક સુધી રાહ જોવી પડે છે. મોટી સંખ્યામાં મુસાફરો બેસી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BRTS અને ઇલેક્ટ્રોનિક બસો મૂકવામાં આવી છે એમાં ઓછા મુસાફરો જઈ રહ્યા છે.