છત્તીસગઢ, ૯મી નવેમ્બર.
છત્તીસગઢમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણી સંદર્ભે જગદલપૂરમાં રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ભાઈ-બીજના તહેવારના દિવસે હું તમારી પાસેથી કંઈક માંગવા આવ્યો છું. અત્યારસુધી દેશમાં જેટલા પણ વડાપ્રધાન બન્યા, તેમાં સૌથી વધારે વખત હું બસ્તર આવ્યો છું. હું જ્યારે પણ આવ્યો છું ત્યારે ખાલી હાથે નથી આવ્યો. પહેલાની જે સરકારના વેપાર તારું-મારું નો હતો. હું અહીં આજે મારી જવાબદારી પૂરી કરવા આવ્યો છે. મારી જવાબદારી અંતર્ગત હું અહીંના લોકોની મુશ્કેલીઓ દૂર કરવા આવ્યો છું. અમારો હેતુ સૌનો સાથ, સૌનો વિકાસ છે. હાલ છત્તીસગઢનો વિકાસ જોઈને લોકોને આશ્ચર્ય થાય છે.
પહેલાંની સરકાર કહેતી હતી કે નક્સલીઓના કારણે અહીં વિકાસ નથી થતો. પરંતુ અમારી સરકારે દરેક મુશ્કેલીઓનો સામનો કરીને વિકાસ કર્યો છે. જે અર્બન માઓવાદીઓ છે તે તો શહેરમાં રહે છે અને તેમના બાળકો વિદેશોમાં ભણે છે. પરંતુ તેઓ શહેરોમાં બેસીને આદિવાસી બાળકોનું જીવન બરબાદ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી અર્બન માઓવાદીઓના પક્ષમાં હોય છે અને તેઓ નક્સલવાદને મુદ્દો બનાવીને કોંગ્રેસ વોટની ખેતી કરી રહી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નક્સલીઓએ એક પત્રકારને મારી દીધો હતો. તે તો માત્ર અહીં તેનું કામ કરવા આવ્યો હતો. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તે નક્સલીઓને ક્રાંતિકારી કહ્યાં હતાં. જેમણે એક નિર્દોષની હત્યા કરી દીધી હતી. જે લોકો લોકતંત્રને ખતમ કરવા માગે છે તેવા લોકોને હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે. બોમ્બ અને બંદૂકના રસ્તે સમસ્યાઓનું સમાધાન નથી આવતું.
વડાપ્રધાને કહ્યું કે, બસ્તરની સીટ પર કમળ જ ખીલવું જોઈએ. જો બીજું કોઈ આવી ગયું તો બસ્તરના સપનાઓ પૂરા નહીં થઈ શકે. આપણે અટલજીના સપનાઓને પૂરા કરવાના છે.. તેથી જ અમે વારંવાર છત્તીસગઢ આવ્યા છીએ. છત્તીસગઢ હવે 18 વર્ષનું થઈ રહ્યું છે. તેથી જ અમે તેના સપનાઓને પૂરા કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, છત્તીસગઢના વિકાસ માટે કેન્દ્રની સરકાર અને રાજ્યના રમણ સિંહ સરકાર સતત કાર્ય કરી રહી છે.