વડોદરાની સયાજી હોસ્પિ.માં કોરોનાની રસી મૂક્યાના 2 કલાક બાદ સફાઇ કર્મીનું મોત

www.mrreporter.in
Spread the love

વડોદરા- મી.રિપોર્ટર, ૩૧મી જાન્યુઆરી

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં પણ કોરોના વોરિયર્સને રસી મૂકવાની કામગીરી ચાલી રહી છે. જેમાં વડોદરાના વોર્ડ નં-9માં કામ કરતા સફાઇ કર્મચારીનું કોરોનાની રસી મૂક્યાના બે કલાક બાદ મોત નિપજતા પરિવારજનોએ સયાજી હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સફાઇ કર્મચારી યુવાનના મૃતદેહ પાસે તેની પત્નીએ હૈયાફાટ રૂદન કરતા હોસ્પિટલમાં સન્નાટો વ્યાપી ગયો હતો.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વડોદરા શહેરના વડસર ખાતે આવેલી ઓમ રેસિડેન્સીમાં રહેતા જીગ્નેશ પ્રવિણભાઇ સોલંકી વોર્ડ નં-9માં સફાઈ કર્મચારી તરીકેનું કામ કરતા હતા. તેઓ પત્ની અને બે પુત્રી સાથે રહેતા હતા. આજે કોરોનાની રસી મૂક્યા બાદ હોસ્પિટલના બિછાને મોત નીપજયું હતું. સમગ્ર મામલે વડોદરાની સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, પ્રાથમિક રીતે કોરોનાની રસીના કારણે મોત થયું હોવાનું જણાઇ આવતુ નથી. તેમ છતાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે. મૃતક યુવાને 2016માં હ્રદય રોગના કારણે શહેરી હાર્ટ હોસ્પિટલમાં સારવાર લીધેલી છે અને એન્જિયોપ્લાસ્ટી પણ કરાવેલી છે, તેઓએ જે દવાઓ લેવાની હતી, તે લીધી નથી, પરંતુ, તેમના પરિવારે આક્ષેપ કર્યાં છે, જેથી પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. દરેક વ્યક્તિ સ્વૈચ્છિક રીતે જ રસી લે છે, કોઇને જબરદસ્તી કરવામાં આવતી નથી.

મૃતક જિગ્નેશભાઇના પત્ની દિવ્યાએ જણાવ્યું હતું કે, અમે ના પડીએ છીએ તો પણ રસી આપવાનું કારણ શું છે, તેઓને આજે વોર્ડ નં-9ની કચેરીથી જ બારોબાર કોરોના રસી મૂકવા માટે લઇ ગયા હતા. રસી મૂકાયા બાદ તેઓ ઘરે પરત ફર્યાં હતા અને ઘરે આવીને સ્નાન કર્યાં બાદ તેઓને અચાનક ખેંચ આવી હતી અને તેમનું બોલવાનું બંધ થઈ ગયું હતું. જેથી તત્કાલિક તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. મારી બે છોકરીઓ છે, એની જવાબદારી કોણ લેશે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.