વડોદરા કોર્ટમાં પ્રવેશ મુદ્દે અસીલો અને વકીલો વચ્ચે ઘર્ષણ…જુઓ..વિડીયો…

રાજ્યભરના વકીલ મંડળો કોર્ટ કાર્યવાહીથી દૂર રહ્યા

વડોદરા, મિ.રિપોર્ટર, ૩૦મી એપ્રિલ

નવી કોર્ટ સંકુલમાં બેઠક વ્યવસ્થાના મુદ્દે છેલ્લા 15 દિવસથી હડતાળ ઉપર ઉતરેલા વકીલોએ આજે તંત્રને ઘૂંટણીએ પાડવા માટે અસીલોને કોર્ટમાં જતા રોકતાં સંઘર્ષ ના દૃશ્ય સર્જાયા હતા. વડોદરાના વકીલોના સમર્થનમાં આજે રાજ્યભરના વિવિધ વકીલ મંડળો હડતાળમાં જોડાયા હતા.

છેલ્લા 15 દિવસથી વડોદરા વકીલ મંડળના વકીલો હડતાળ ઉપર ઉતર્યા છે. વકીલો દ્વારા પ્રતિદિન વિવિધ કાર્યક્રમો સાથે આંદોલન કરી રહ્યા છે. પરંતુ, હાઇકોર્ટ કે ડિસ્ટ્રીક્ટ જજ દ્વારા કોઇ દાદ આપવામાં આવતી નથી. આજે વકીલ મંડળ દ્વારા કોર્ટમાં વિવિધ કામો માટે આવતા અસીલોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાંક અસીલોએ પોતાનું અગત્યનું કામ હોવાનું કારણ ધરીને કોર્ટમાં જવા માટે પ્રયાસો કરતા વકીલો સાથે ઘર્ષણ થયું હતું. આજે પણ કોર્ટ સંકુલમાં પોલીસ બંદોબસ્ત ચાલુ રાખવામાં આવ્યો હતો.

વડોદરા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, કોર્ટમાં બેઠક વ્યવસ્થાના મુદ્દે વડોદરા વકીલ મંડળ છેલ્લા 15 દિવસથી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત છે. અને વિવિધ આશ્ચર્યજનક કાર્યક્રમો સાથે હડતાળને આગળ ધપાવી રહ્યા છે. વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે, હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટ અને ટ્રાયલ કોર્ટની વકીલાત વચ્ચે ખૂબ તફાવત છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, હાઇકોર્ટ ડિસ્ટ્રીક્ટ જજ દ્વારા ટ્રાયલ કોર્ટમાં પ્રેક્ટીસ કરતા વકીલોને કોર્ટ સંકુલમાં બેઠક વ્યવસ્થા આપવી જોઇએ. પરંતુ, હાઇકોર્ટ અને ડિસ્ટ્રીક્ટ જજ બેઠક વકીલોને બેઠક વ્યવસ્થા પૂરી પાડવામાં નિષ્ફળ ગયા છે. પરિણામે વડોદરા વકીલ મંડળને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાની ફરજ પડી છે. પરંતુ, જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહિં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. અમારી હડતાળને સમગ્ર ગુજરાત વકીલ મંડળનો સંપૂર્ણ ટેકો છે.