એટલાન્ટા- અમેરિકા, મિ.રિપોર્ટર, દિવ્યકાંત ભટ્ટ.
અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમિત કેસો દિનપ્રતિદિન સતત વધી રહ્યા છે. જેમાંથી અમેરિકાનું જ્યોર્જિયા સ્ટેટ પણ બાકાત રહ્યું નથી. જ્યોર્જિયા સ્ટેટમાં આજ સુધી કોરોના વાયરસના 197 કેસો નોંધાતાં આ રાજ્યમાં વસવાટ કરતા નાગરિકોમાં ફફડાટ વ્યાપ્યો છે. ઉલ્લેખનીય છે કે, જ્યોર્જિયામાં 40 હજાર ગુજરાતીઓ સહિત કુલ-1.75 લાખ ભારતીયો વસવાટ કરે છે.
જ્યોર્જિયામાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા હોઇ ઇર્મજન્સી લાગુ કરાઇ છે. બીજી તરફ લોક ડાઉન થવાની આશંકાને કારણે અહીંના મોલ્સ અને સુપર સ્ટોર્સમાં ખાણી-પીણીની વસ્તુઓ ખરીદવા લોકોનો જબરદસ્ત ધસારો જોવા મળી રહ્યો છે.નાગરિકોના ધસારાને જોતાં મોલ્સ અને સુપર સ્ટોર્સમાં પાણીની બોટલ્સ, દૂધ, ટીસ્યૂ પેપર, સેનેટાઇઝર્સ જેવી વસ્તુઓ ખરીદવા લિમિટ નક્કી કરી દેવાઇ છે.
કોરોના વાયરસના કેસો વધતાં શાળા-કોલેજોમાં રજાઓ જાહેર કરી બાળકો-વિદ્યાર્થીઓને ઓનલાઇન ડિઝિટલ ક્લાસથી શિક્ષણ કાર્ય કરાવાઇ રહ્યું છે. જ્યારે આઇ.ટી. કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી કામગીરી કરવાનું જણાવી ઓફિસમાં હાજરી આપવા ટાળી દેવાયું છે. જ્યોર્જિયા સ્ટેટમાં આવેલા ધાર્મિક સ્થાનોમાં લોકો મોટી સંખ્યામાં એકત્રિત થાય નહીં તે માટે તમામ ચર્ચ અને મંદિરો બંધ કરી દેવાયાં છે. આ ઉપરાંત જ્યોર્જિયા સ્ટેટમાં મેટ્રો એટલાન્ટા અને નોર્થ જ્યોર્જિયામાં આવેલા મોલ ઓફ જ્યોર્જિયા, લેનોક્સ સ્કવેર, ફિલિપ્સ પ્લાઝા, સુગર લોફ મિલ્સ, ટાઉન સેન્ટર કોબ સહિતના વિવિધ મોલ્સ બે અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
જ્યોર્જિયામાં અભ્યાસ કરતા 2000 ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે એફ.આઇ.એ. આગળ આવ્યું
જ્યોર્જિયા સ્ટેટમાં એટલાન્ટા સહિત વિવિધ શહેરોમાં આવેલી અલગ-અલગ યુનિવર્સિટીસમાં અંદાજે 2000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હાલ કોરોના વાઈરસને કારણે કોલેજો બંધ હોવાથી ભારતીય વિદ્યાર્થીઓને થનારી રહેવા-જમવાની તકલીફને ધ્યાને લઇ ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોિસયેશન અને તેની સાથે સંલગ્ન 68 સંસ્થાઓ મદદ માટે આગળ આવી છે.
ફેડરેશન ઓફ ઇન્ડિયન એસો.ના પ્રેસિડેન્ટ ડૉ.વાસુદેવ પટેલ, ગુજરાતી સમાજના અગ્રણીઓ કિશોર પટેલ અને નિશા શાહ, એટલાન્ટાની ગોકુલધામ હવેલીના ચેરમેન અશોક પટેલ અને એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, શક્તિ મંદિરના રાજુભાઇ પટેલ અને ભીખુભાઇ પટેલ ઉપરાંત મેક્કન મંદિર અને એટલાન્ટાના ઇન્ડિયન કોન્સોલ જનરલ ડૉ.સ્વાતિ કુલકર્ણી અને કોન્સોલ્યૂટ જનરલની ઓફિસ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને હાલની વિકટ પરિસ્થિતિમાં રહેવા-જમવાની સુવિધાની ઓફર કરી સંપર્ક કરવા જણાવાયું છે. સંકટ સમયે એફ.આઇ.એ. અને તેની સાથે સંલગ્ન સંસ્થાઓ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓની મદદ કરવાના કોલથી વિદેશની ધરતી પર વસવાટ કરતા ભારતીયોમાં ગૌરવની લાગણી વ્યાપી છે.
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)