અમદાવાદ-મિ.રિપોર્ટર, દિલીપ પટેલ, ૨૭મી ડીસેમ્બર.
સોડમ વાળા જેલ ભજીયા હાઉસને લોકપ્રિય બનાવનાર સ્થાપક સાબરમતી જેલના કેદી ચંદુભાઈનું ક્રિસમસના દિવસે અમદાવાદમાં 59 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તે સારા માણસ પણ હતા. જેલમાં ગયા પછી કેદીઓને રાતના ચાદર ઓછીને છાના માના રડતાં જોયો ત્યારે જીવવની વાસ્તવિક સ્થિતી જોઈને તેનું જીવન બદલી નાંખ્યું હતું. બીજા હજારો લોકોનું જીવન બદલી નાંખ્યું હતું. ભજીયા થકી જેલની પ્રતિષ્ઠા તેમણે સમગ્ર ગુજરાતનાં વધારી આપી. કેદીઓનું જીવન પણ સુધારી આપ્યું. છેલ્લે તેઓ લોક અદાલત ભરીને લોકોના જીવનના કોયડા ઉકેલી આપવાનું કામ કરતાં હતા. એક ખુંખાર માણસ કઈ રીતે સુધરીને સમાજને મદદ કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ ચંદુભાઈ પ્રજાપતિ છે.
તેઓ ખૂની કેદી હતા. અમદાવાદમાં બાબુ સત્યમ ભૈયાની ગેંગમાં હતા. ખંડણી અને જમીનો પર કબજા ખાલી કરાવવાનું કામ કરતાં હતા. 14 આરોપીઓને સજા થઈ હતી જેમાં એક પોલીસ અધિકારી લોસ્વામી પણ હતા. દિલીપ શંકર રાવ મરાઠા, મહેન્દ્રસીંહ ભોપાલસીંગ રાઠોડ અને એક સરદાર એમ ત્રણ ખૂન કર્યા હતા. 1983થી 2001 સુધી ઉંમર કેદ થઈ હતી.
1997માં અમદાવાદમાં જેલવાસીઓને સ્વાવલંબન બનાવવા માટે આ પ્રવૃતિનો પ્રારંભ થયો. જેમાં 18 જાન્યુઆરી 1998ના દિવસે અમદાવાદમાં ભજીયા હાઉસ કેદી ચંદુ પ્રજાપતિએ શરૂ કરી હતી. અહીં એવા લાંબી સજાના કેદીઓ રખાય છે જેમણે અડધી સજા ભરી દીધી હોય. આરટીઓ પાસે સ્થિત આ ભજીયા મકાન 1998 થી કાર્યરત છે. 20 વર્ષથી, અકલ્પનીય વાર્તા સમાન છે, ખોરાક અને માનવ ભાવનાની એક અનોખી પ્રેમ કથા અહીં છે. વ્યાજબી ભાવે ભજીયા આખા અમદાવદે અને અડધા ગુજરાતે ખાધા છે.
ચંદુભાઈ પિતામ્બરદાસ ધોળકિયા-પ્રજાપતિ ભજીયા હાઉસને લોકપ્રિય બનાવ્યું
ચંદુ પ્રજાપતિ એકી સાથે ત્રણ ખૂન કરવાની 14 વર્ષની સજા સાબરમતી જેમાં ભોગવી હતી. સાબરમતી સેન્ટ્રલ જેલમાં જેલની સજા ભોગવી રહેલાં લોકોને ભજીયાની દુકાન કરવાની દરખાસ્ત જેલને કરી હતી. તે રસોઈ બનાવવામાં કુશળ હતા. ભજીયાના સારા કારીગર હતા. તેમણે આરટીઓ પાસે ભજીયા હાઉસ શરૂ કરવાનું સૂચન કર્યું અને જેલ સત્તાવાળાઓએ તે સ્વીકાર કર્યો પછી તો જેલના ભજીયા આખા ગુજરાતની બ્રાંડ બની ગયા છે. સમગ્ર ગુજરાતમાં અમદાવાદના જેલના ભજીયા તરીકે લોકો ઓળખે છે.
જેલની હ્રદય સ્પર્શી કથા છે
જેલ ભજીયા ગૃહ તેની અનન્ય કથા બીજા લોકોથી ખૂબ અલગ છે. આશા, સકારાત્મક વલણ, સુધારણા, સમર્પણ, પ્રેમ અને શ્રેષ્ઠ વ્યક્તિની પોતાની જીવનકથાને ઉત્તમ બનાવવાની અને બદલવાની ઇચ્છા જેલના ભજીયા હાઉસમાં જોવા મળે છે.
સાબરમતી જેલથી ચંદુભાઈને રાજકોટની જેલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાંની જેલમાં બેકરીની વસ્તુ બનાવીને આખા રાજકોટને બેકરીની ચીજો ખાવા માટે પહોંચાડવાનું કામ કરવા લાગ્યા હતા. ફરી તેઓ સાબરમતી જેલમાં આવ્યા. દિવાળીમાં જેલમાં મીઠાઈ બનતી પણ તેનો કોઈ સ્વાદ ન હતો. તેથી જેલરને ફરિયાદ કરી કે કેદીઓ પૈસા ખર્ચીને જેલમાં બનેલી મીઠાઈ ખરીદે છે પણ તેમાં કોઈ સ્વાદ નથી. આ બરાબર નથી. જેલરે કહ્યું કે જેલમાં મીઠાઈ બનાવનાર કારીગર તો જોઈએને. ત્યારે જેલરને કહ્યું કે, હું તમને મીઠાઈ બનાવી આપીશ. તેમણે મીઠાઈ બનાવી અને દેકીઓએ જિયાફત ઉડાવી એક વાર નહીં પછી તો અનેક વખત મીઠાઈ બનાવી. તેમને તુરંત કેન્ટીમાં ટ્રાન્ફર આપી દેવામાં આવી હતી. જેથી કેન્ટીમાં રસોઈ સ્વાદીષ્ઠ બને.
શાહીબાગમાં ભજીયાનું કાઉન્ટર કેવી રીતે શરુ થયું ?
શાહીબાગ પોલીસ સ્ટેડિયમમાં 1998માં એક પ્રદર્શન હતું. કેદીઓને સ્વાલંબી બનાવવા જેલમાં બનેલી બેકરી પ્રોડક્ટનો સ્ટોલ અમદાવાદ જેલ તરફથી રાખવામાં આવ્યો હતો. તેમાં કોઈ વેચાણ થયું નહીં. જેલનું કોણ ખાય એવી માનસિક સ્થિતી ત્યારે હતી. તેથી જેલરને તેમણે કહ્યું કે લોકોને આપણા સ્ટોલ સુધી ખેંચી લાવવા હોય તો ભજીયા બનાવીને લોકોને આપીએ. હું સારાં ભજીયા બનાવું છું. સારું ફરસાણ બનાવું છું. બીજા દિવસે પ્રદર્શન શરુ થયું અને ભજીયા બનાવવાનું શરૂ થયું. આખા પ્રદર્શમાં ભજીયાની સુગંધ પ્રસરી ગઈ. તેનો સ્વાદ માણવા લોકો આવવા લાગ્યા. બે દિવસમાં રૂ.70 હજારના ભજીયા વેંચાયા હતા. જેલરને આ વાત પસંદ આવી.
પછી જેલનું ભજીયા હાઉસ શરૂ કરવાનું નક્કી થયું કારણ કે અમદાવાદ આરટીઓ પાસે જેલની એક બેકરી હતી જેમાં બેકરી આઈટેમ અને ફરસાણ વેંચવામાં આવતું હતું પણ બહુ લોકો આવતાં ન હતા. તેથી લોકોને ખેંચી લાવવા માટે જેલ ભજીયા હાઉસ શરૂ થયું. પછી તો ભજીયા ખરીદવા માટે 100-150 લોકોની લાઈનો સહજ બની ગઈ હતી. જેલ ભજીયા હાઉસ આજે ગુજરાતની બ્રાંડ બની ગઈ છે.
ચંદુભાઈએ પોતાનું ભજીયા હાઉસ કર્યું
સાબરમતીની પ્રખ્યાત જેલ ભજીયાની પહેલ કરનાર ચંદુએ જેલ ભજીયા હાઉસની સામે જ પોતાનું વૈભવ ભજીયા હાઉસ શરૂ કર્યું હતું. પ્રજાપતિએ તેના સાથીદાર સાથે મળીને જેલ નજીક પોતાનું નાસ્તા કેન્દ્ર શરૂ કર્યું હતું. જે જેલ ભજીયા જેટલું જ લોકપ્રિય બન્યું હતું.
ચંદુભાઈએ 100થી વધું ગુના કર્યા
લોકો પાસેથી પૈસા વસુલવા, ખોફ- ભય ઊભો કરવો, તેનું જીવન હતું. અમદાવાદના ખુંખાર ગુનેખોરીની ગેંગ બાબુ સત્યામ ભૈયાની ગેંગના તે સભ્ય હતા. બાબુ તેનો મિત્ર હતો. 1983માં બાબુ ભૈયાનું સટ્ટાનું અને દારુનું સ્ટેન્ડ ચાલતું હતું. ત્યાં એક પંજાબી અને બીજા 5-6 લોકો ત્યાં હતા. જે હપ્તાની માંગણી કરી રહ્યા હતા. તે ગેંગ બાબુભાઈને વારંવાર પરેશાન કરી રહી હતી. બે-ત્રણ વખત બાબુભાઈ પર હુમલો પણ કર્યો હતો. તેને ખતમ કરીને તેમણે અને બાબુ ભૈયાએ પ્લાન બનાવ્યો હતો કે, આ બધા આપણા દુશ્મન છે તે બધાને મારી નાંખવા.
માસ્ટર માઈન્ડ બાબુ હતો. ખૂન કરવાનો પ્લાન તેણે બનાવી આપ્યો હતો. પણ ખૂન કરવા તે ગયો ન હતો. આવા 8 લોકોને મારી નાંખવા તેમની ગેંગ નિકળી પડી હતી. જેમાં એક જશબીર હતો. જેમાં એક અમદાવાદ સિટી બસનો ડ્રાઈવર હતો. જેને મણિનગરની દક્ષિણી સોસાયટી પાસે મારી નાંખ્યો. બીજા દિવસે તેના ઘરે ગયા. તેનો ભાઈ ભાગી ગયો પણ તેના પિતા હાથમાં આવી ગયા તેની હત્યા કરી નાંખી. આમ 3 લોકોની હત્યા કરી અને બીજાની હત્યા જેલમાંથી પેરોલ પર છૂટીને માર્યો આમ 4 લોકોની હત્યા તેમના સાથીઓ સાથે મળીને કરી નાંખી હતી.
ચંદુભાઈના કુટુંબમાં કેટલા સભ્યો ? કુટુંબ ને શું વચન આપ્યું ?
ધાંગધ્રામાં તેની ફરસાણની દુકાન હતી. નાના દીકરાને તે ડોક્ટર બનાવવા માંગતા હતા. તેમણે દીકરાઓ સામે કહ્યું કે, તેના ત્રણેય દિકરા જો સારા અને સાચા રસ્તે ચાલશે તો તે ગુનાખોરીની દુનિયા છોડી દેશે. નાના દીકરાએ ઝેરી દવા પી લીધી હતી. ડોક્ટર બનાવા તે સમયે રૂ.4 લાખની ફી હતી. તેના દીકરાને લાગેલું કે જો મને ડોક્ટર બનાવવો હશે તો 4 લાખ જોઈશે અને તે માટે મારા પિતા ફરી ગુનાખોરી કરશે. 12માં ધોરણમાં તે હતા. જેમાં તેના પિતાને શું જવાબ આપશે તે ચિંતામાં તેણે ઝેરી દવા પી લીધી.
ચંદુભાઈને ત્રણ પુત્રો છે. જે બધા સારી રીતે ધંધો સંભાળે છે. ત્રણેય પુત્ર મહેશ, વિનોદ, સંજય આજે સીરામીક ડિઝાઈન, આઈટી, અને મેડિકલ સાધનો બનાવે છે. ચંદુભાઈના ભાઈ શામજી, જગદીશ અને મોટો પરિવાર ધરાવતાં હતા. તેની ત્રણ બહેનો બાલુબેન, સમતાબેન, પ્રમિલબેન, ધનીબેન અને ચંપાબેન અને ભાઈ શામજી અને જગદીશ ધોળકીયા. ચંદુભાઈ પિતામ્બરદાસ ધોળકિયા-પ્રજાપતિ જેલમાં ગયા બાદ અનેક લોકો તેમના પુત્રો અને તેમના પત્ની પાસે આવતાં અને નાણાકીય મદદ કરવા પૈસા આપી જવા તૈયાર હતા. પણ તેના કુટુંબે તે નાણાં લીધા નહીં. અત્યંત ગરીબીમાં ધકેલાઈ ગયેલા હોવા છતાં ગુનેગારો અને તેના પિતાએ જેમને મદદ કરી હતી તેઓ પૈસા અને સુવિધા આપવા માંગતા હતા. પણ તે લીધા નહીં. તેમની પત્નીએ ગાઝ બટન ટાંકીને કુટુંબનું ભરણ પોષણ કર્યું હતું. ક્યારેક તો ત્રણ મહિને એક વખત દાળભાત બનાવી શકતાં હતા. ખાવાના સાંસા પડ્યા પણ અનીતિનો પૈસો તેના કુટુંબે લીધો નહીં. આજે ત્રણેય પુત્ર સારો ધંધો-રોજગાર કરે છે.
જેલમાં દેકીઓ અને બહાર કુટુંબની હાલત જોઈને ચંદુભાઈ બદલાઈ ગયા, તેમનું જીવન સાદગીથી ભર્યું બન્યું
ખૂંખાર કેદી તરીકે જેલમાં ગયા અને જયાં તેનું પરિવર્તન થયું, જેલમાંથી 4 નવેમ્બર 2001માં છુટી પૂર્વ અમદાવાદના ઘરે આવ્યા ત્યારે તેમને અનેક લોકો-જાણીતા લોકો તરફથી ગુનાખોરી કરવા માટે કહેવામાં આવ્યું. પૈસા વસૂલ કરવા અને લોકોને ધમકાવવા જેવી બાબતોના કામ કરવા માટે પૈસા આપવા કેટલાંક લોકો અને ગેંગ તૈયાર હતી. પણ તેમણે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો.
ચંદુભાઈ ઘરે આવ્યા ત્યારે મોટા પુત્રનો દીકરો મયંક 21 દિવસનો હતો. 26 ડિસેમ્બર 2019ના દિવસે મયંક 19 વર્ષનો થયો છે. મયંકને જોઈને તમામ ગુનેગારોને કહેતાં હતા તે હું મારા પૌત્રને મોટો કરવામાં મારું જીવન વિતાવી દઈશ, પણ ફરી ગુના નહીં કરું. તેમના પુત્રો સંઘર્ષ કરીને આગળ આવ્યા છે. તેમને ગુનાની દુનિયા છોડી દેવા તેમણે વચન આપ્યું હતું. તે બધાને કહેતાં હતા કે ગુના તો બહુ કર્યા પણ હવે કંઈક એવું કરવું છે કે દુનિયા સારી બને.
ચંદુભાઈએ અનેક ગુનેગારોને કંદોઈ બનાવી ને જીવન બદલ્યું
જેલમાં જે કોઈ જાય છે તે પછી છૂટે ત્યારે તેને કોઈ કામ આપતું નથી તેથી તે ફરી ગુનાખોરીમાં ધકેલાય છે. પણ ચંદુભાઈએ કેદીઓ ફરી કેદી ન બને તે માટે મનમાં નક્કી કરી લીધું કે જે કંદોઈ બનવા માંગતા હશે તેને તે શિખવશે. જેલમાં તેની સાથે કાયમ 50 કારીગરો શિખતા હતા. ભજીયા હાઉસ સરુ થયું તે પહેલા તેઓ જેલમાંથી 20 પ્રકારના ફરસાણ બનાવીને જેલ બહાર મોકલતાં હતા. જેથી જેલની સજા પૂરી કરીને તે પોતાની ખાણી પીણીની લારી કરી શકે. આવા સેંકડો કેદીઓને તેમણે ભજીયા, ફરસાણ, બેકરીની ખાવાની વસ્તુ શિખવી.
હીરાના કારીગરો ને પગભર થવા માટે પ્રોત્સાહન આપ્યું
પ્રજાપતિ ચંદુભાઈ હીરાના કામદારોની દુર્દશા જાણતા હતા. કારણ કે તે અમદાવાદના હીરાના કેન્દ્ર બાપુનગરમાં રહેતા હતા. ચંદુ પ્રજાપતિ હીરા કામદારો સુધી પહોંચ્યા હતા. તેમને જીવનનિર્વાહ માટે નાસ્તા તૈયાર કરવા અને વેચવાનું શીખવી રહ્યા હતા. તેનો પોતાનો એક સમૃદ્ધ ભજીયા વ્યવસાય છે. થોડા દિવસ પહેલાં નિકોલ રીંગ રોડ ચાર રસ્તા પર ફરસાણની એક દુકાન ખુલ્લી છે. તેના બોર્ડ પર લખ્યું છે કે, જેલ ભજીયા હાઉસ શરૂ કરાવનારા ચંદુભાઈના કારણે આ દુકાન બની છે. 100થી વધું લોકોએ બાપુનગર અને પોતાના ગામમાં ભજીયા-ફરસાણનો વ્યવસાય પ્રજાપતીની તાલીમ બાદ શરૂ કર્યાં હતા. જ્યારે બાકીના કેદીઓ જેલ પુરી કરીને રેસ્ટોરાંમાં કામ કરવાનું શરૂ કરે છે અથવા કેટરિંગ સેવા ચલાવે છે. ખરાબ સ્વાદની રસોઈ લોકો ફેંકી દેવા તૈયાર હોય ત્યારે ચંદુભાઈ તેને ફરીથી સ્વાદીષ્ઠ કેમ બનાવવી જેની સારી કળા જાણતાં હતા. તે કુશળ રસોયા હતા. શ્રેષ્ઠ કૂક હતા. તેની સાથે સારા મેનેજર પણ હતા. ધંધો કેમ ચલાવવો તેની અવડત તેમની પાસે હતી.
અંત સુધી ભજીયા હાઉસ અંગે વિચારતાં હતા
જેલ માંથી છૂટીને બે વર્ષ પછી ભાગીદારી વાળું પોતાનું ભજીયા હાઉસ શરૂ કર્યા પછી તેમણે 7 વર્ષ ચલાવ્યું. છેલ્લાં 5 વર્ષ તેમણે નિવૃત્તિ લઈ લીધી હતી. જેલથી છૂટીને તેઓ ગાંધીવાદી બન્યા હતા. છેલ્લે તો ઘરની બહાર બહુ ઓછું નિકળતા હતા. ખાવામાં મીઠાઈ ક્યારેય ન લેતા, દાળભાત ખાતા હતા.
અંતિમ સમયે જેલ સત્તાવાળાઓમાંથી કોઈ ન આવ્યું
કેદીઓને કમાતા કરવાની લાઈમાં તેમણે રાજકોટમાં બેકરીની વસ્તુઓ બનાવવાનું કામ કર્યું ત્યારે તેમાં વપરાતા કેમીકલ્સ એકાએક શ્વાસમાં લેવાઈ ગયા અને જેમાં તેનું ફેફસાનો કેટલોક હિસ્સો નકામો બની ગયો હતો. પછી તેઓ અસ્થમાની બિમારીનો ભોગ બન્યા. છેલ્લે તેમને અસ્થમાનો એકેટ આવ્યો અને શ્વાસ નળી બંધ થઈ ગઈ. શહેરની એક ખાનગી હોસ્પિટલમાં 25 ડિસેમ્બર 2019માં તેમનું અવસાન થયું.
એક ગુનેગાર કઈ રીતે સુધરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ ચંદુભાઈ છે. જેણે ગુના તો કર્યા પણ હજારો ગુનેગારોને ફરી ગુનેગાર બનાવતાં અટકાવ્યા છે. એક ગુનેગાર જીવન લઈ શકે છે તો હજારોના જીવન અપાવી શકે છે તેની કથા ચંદુભાઈની આસપાસ વણાયેલી છે. તેઓ સુધરી શક્યા, તેમની સ્મશાન યાત્રા, કુટુંબ સમક્ષ દુઃખ વ્યક્ત કરનારાઓ આવી રહ્યાં છે. પણ જેલ સત્તાવાળાઓમાંથી કોઈ ન હતું.