સી.આઇ.ડી. જેવી તપાસ એજન્સીઓમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ, ઓડિટર જેવા જાણકારો કાયમી હોય તો  તપાસ વ્યવસ્થિત થઇ શકે : ન્યાયપાલિકામાં હજુ પણ ઘણા સુધારા કરવાની જરૂર છે : પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જવલ નિકમ

વડોદરા, ૨૪મી નવેમ્બર. 

દેશની પ્રીમિયમ સર્વોચ્ચ તપાસ એજન્સી CBIના બે અધિકારીઓ વચ્ચે જે ટકરાવ ચાલી રહ્યો છે તે ઘણી જ દુઃખદ ઘટના છે. સરકારે બંને અધિકારીઓની બદલી કરીને સારો નિર્ણય લીધો છે. બે અધિકારીઓના ગજગ્રાહથી એજન્સીની પ્રતિષ્ઠા ઉપર કોઇ અસર થતી નથી. જોકે જેવી રીતે ઘરમાં મચ્છરો અને કીડા ઘૂસે છે અને તેના પર આપણે જેમ જંતુનાશક દવા છાટીયે છીએ તેમ CBIમાં વ્યાપેલા સડાને દુર કરવો જોઈએ. CBIને ઓટોનોમી આપવી જોઈએ, પરંતુ સંપૂર્ણ આઝાદી આપવામાં પણ તેનું પરિણામ ખરાબ આવી શકે છે. તે આપણે જોઈએ જ છીએ. આમાં માટે તેની એકાઉન્ટબ્લિટી તો હોવી જ જોઈએ એમ દેશના જાણીતા પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જવલ નિકમે અત્રે જણાવ્યું હતું. 

પાકિસ્તાન હજુ પણ આતંકવાદને પોષી રહ્યું છે તેમ જણાવતાં પદ્મશ્રી ઉજ્જવલ નિકમે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં આતંક મચાવતાં  આંતકવાદીઓ પકડાયા બાદ પોતાનું માર્કેટીંગ કરતા હોય છે. કસાબ જેવા આંતકવાદીઓ માને છે કે, જેટલો સમય કેસ ચાલે તેટલો સમય લોકોમાં ખોફ રહે છે. તેઓને પકડાયા બાદ કોર્ટમાં કેવી રીતે જવાબ આપવો તેની પણ અલકાયદા દ્વારા તાલીમ આપવામાં આવતી હોય છે. કસાબનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, તેને પ્રથમ વખત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેણે પોતે સગીર હોવાનું જણાવ્યું હતું. ભારતના કાયદા પ્રમાણે તે સગીર છે કે નહીં તેની પણ તપાસ કરાવવામાં આવી હતી.

રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટ ઝડપથી નિર્ણય કેમ લેતી નથી. તેવા એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, આ મુદ્દો લોકોની ભાવના સાથે જોડાયેલો છે.  તેમણે પોલિટીકલ સાથે સંકળાયેલા અનેક પ્રશ્નોના જવાબો આપવાનું ટાળ્યું હતું. તેમણે દેશમાં ફ્રોડ કરીને વિદેશ ભાગી જતા આરોપીઓ અંગે ઉમેર્યું કે, આ બાબતે કાયદામાં સુધારા કરવાની જરૂર છે. સંશોધન કરવાની જરૂર છે. કોર્ટ્સમાં થઇ રહેલી ઝડપી પ્રક્રિયા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે એમ પણ જણાવ્યું કે, ન્યાયપાલિકામાં હજુ પણ ઘણા સુધારા કરવાની જરૂર છે.

સી.આઇ.ડી. જેવી તપાસ એજન્સીઓમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ, ઓડિટર જેવા જાણકારો કાયમી હોવા જોઇએ તેમ ઉમેરતાં ઉજ્જવલ નિકમે જણાવ્યું હતું કે, સી.આઇ.ડી. જેવી તપાસ એજન્સીઓમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ, ઓડિટર જેવા જાણકારો કાયમી હોય તો  તપાસ વ્યવસ્થિત થઇ શકે. પોલિટીકલ નેતાઓના સતત આવન જાવનમાં પોલીસ સતત વ્યસ્ત રહેતી હોવાથી તેઓ મોટા કેસોની વ્યવસ્થિત અને સમયસર તપાસ પૂરી કરી શકતી નથી. ત્યારે દેશ પાસે સી.આઇ.ડી. જેવી એજન્સીઓમાં ડોક્યુમેન્ટરી જેવી તપાસ માટે અન્ય પાવર વધારવાની જરૂર છે. 

૨૫મી  નવેમ્બર ડિસ્ટ્રીક્ટ લિગલ સર્વિસીઝ ઓથોરીટી, ડિસ્ટ્રીક્ટ કોર્ટ વડોદરા દ્વારા ઓજસ ફાઉન્ડેશનના સહયોગથી કાનૂન અને ન્યાય પરિષદનું પંડિત દિન દયાલ ઓડિટોરીયમમાં આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદમાં જાણીતા સરકારી વકીલ ઉજ્જવલ નિકમ ફોજદારી ન્યાયનો નિવેડો લાવવામાં તપાસ એજન્સીઓ તેમજ સરકારી ફોજદારી વકીલોની ભૂમિકા વિષય ઉપર સંબોધન કરનાર છે. આ કાર્યક્રમમાં ન્યાયતંત્ર, કલેક્ટર કચેરી, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, માહિતી બ્યૂરોના અધિકારીઓ, એ.સી.બી.ના અધિકારીઓ તેમજ વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: