અમદાવાદ-મિ.રિપોર્ટર, ૨૩મી ફેબ્રુઆરી. 

રાજ્યમાં પ્રવર્તમાન નશાબંધીના કાયદામાં છૂટછાટ આપવા માટે બે મહિના પહેલા ગુજરાત હાઈકોર્ટમાં  અપીલો કરવામાં આવી હતી. આ મામલે હવે હાઈકોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવી ને  ઘરમાં બેસીને દારુ પી શકાય કે કેમ તે અંગે જવાબ માગ્યો છે. 

બંધ બારણે કોઈ વ્યક્તિને દારુ પીતા અટકાવવી તે સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ છે તેવી દલીલ પિટિશનરોના વકીલોએ શુક્રવારે ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી. કોર્ટમાં પિટિશનરોના વકીલો વધુમાં દલીલ કરતા જણાવ્યું હતું કે,  સર્વોચ્ચ અદાલતે રાઈટ ટુ પ્રાઈવસી હેઠળ જે ચુકાદો આપ્યો છે તે અનુસાર કોઈપણ વ્યક્તિને રાજ્ય બંધબારણે દારુ પીતા અટકાવી શકે નહીં. પિટિશનરોની માગ છે કે દારુબંધીના પ્રવર્તમાન કાયદામાં છૂટછાટ આપી લોકોને બંધબારણે તેમજ ખાનગી સ્થળોએ દારુ પીવાની છૂટ આપવી જોઈએ. આમ ન કરવું ન માત્ર રાઈટ ટુ પ્રાઈવસીનો ભંગ છે, પરંતુ સાથે જ બંધારણે આપેલા સમાનતાનાના અધિકાર પર પણ તરાપ છે. 

દારુબંધીથી જાહેર સ્વાસ્થ્યનો ઉદ્દેશ પણ પરિપૂર્ણ ન થતો હોવાનો અરજકર્તાઓનો દાવો છે. ઉલ્ટાનું તેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે છે. વધારે પડતો દારુ પીવો હાનિકારક છે, પરંતુ બંધ બારણે મર્યાદામાં દારુ પીવાની છૂટ્ટી હોવી જોઈએ તેવી અરજકર્તાઓની માગ છે. દારુ પીવા માટે સરકાર ગુજરાત બહારથી આવતા ભારતીય નાગરિકો કે વિદેશીઓને પરમિટ આપે છે. ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં પરમિટ હોલ્ડર્સ છે. સરકાર આ રીતે નાગરિકોમાં ભેદભાવ કરી રહી છે જે ગેરબંધારણીય છે તેમ પણ અરજકર્તાઓનું કહેવું છે.  ગુજરાત સરકારે આ મામલે ૨૮ માર્ચ સુધીમાં કોર્ટને પોતાનો જવાબ આપવાનો રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલના દારુબંધીના કાયદા અનુસાર, જો કોઈ વ્યક્તિ દારુ પીધેલો કે દારુ સાથે પકડાય તો પણ તેને આકરી સજા થાય છે. અરજકર્તાઓએ પોતાની અપીલમાં જણાવ્યું છે કે, કલમ 65, 65એએ અને 66માં જે સજાની જોગવાઈ છે તે વધારે પડતી અને અસંગત છે.

 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: