દીપ પટેલે ૧૭મી ફેબ્રુઆરીએ બીજો પત્ર બીજા માસીના ઘરે મોકલાવ્યો : હવે મારે બીજો રસ્તો અપનાવવો પડશે તેવી બીજા પત્રમાં દીપે ધમકી આપતા પોલીસ વધુ સક્રિય બની
વડોદરા, મિ.રિપોર્ટર, ૨૦મી ફેબ્રુઆરી
ઇલેકટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનીયર થયેલા દીપ પટેલે દેવામાંથી બહાર નીકળવા ઉદ્યોગપતિ માસીના માસુમ પુત્રનું અપહરણ કરી જવાની નનામા પત્ર દ્વારા ધમકી આપી હતી. અને રૂપિયા 25 લાખ પડાવવાનો કારસો રચ્યો હતો. ક્રાઇમ બ્રાંચે ઓપરેશન નાઇટ રાઇડર્સ દ્વારા ભેજાબાજ યુવાનની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, વાઘોડિયા રોડ ઉપર રહેતા ઉદ્યોગપતિ વિશાલ પટેલને નનામા પત્ર દ્વારા ધોરણ-1માં અભ્યાસ કરતા એક વર્ષના મોટા પુત્રનું અપહરણ કરી જવાની ધમકી આપી રૂપિયા 25 લાખની માંગણી ઉદ્યોગપિતના માસીના પુત્ર દીપ પટેલે આપી હતી. જેની ક્રાઇમ બ્રાંચ દ્વારા બનાવવામાં આવેલી પી.એસ.આઇ. એ.આર. ગોહિલ, કે.આઇ. જાડેજા અને એસ.આર. મુછાલ અને ચુનંદા 25 જવાનોની ઓપરેશન નાઇટ રાઇડર્સના નામથી બનાવેલી ટીમ દ્વારા લાલબાગ બ્રિજ નીચેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઓપરેશન માટે ખાસ વોટ્સએપ ગૃપ બનાવ્યું હતું.
ક્રાઇમ બ્રાંચના ડી.સી.પી. જયદીપસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું કે, આરોપી દીપ પટેલ ઇ.સી. થયેલો છે. તેણે તેના ભાગીદાર દ્વારા ઇલેકટ્રોનિક્સનું નાનું યુનિટ શરૂ કર્યું હતું. ભાગીદાર છૂટો થયા બાદ તે આર્થિક ભીંસમાં આવી ગયો હતો. આ ઉપરાંત તેનું ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમવામાં પણ દેવું થઇ ગયું હતું. જે દેવામાંથી બહાર નીકળવા માટે તેણે તેના ઉદ્યોગપિત માસીના પુત્ર વિશાલ પટેલના પુત્રનું અપહરણ કરી જવાની ધમકી આપીને રૂપિયા 25 લાખ પડાવવા માટેનો કારસો રચ્યો હતો. પરંતુ, તે સફળ થાય તે પહેલાં તેણે દબોચી લેવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ૧૩મી ફેબ્રુઆરીની રાત્રે જ દીપ પટેલને ઝડપી લેવાનો હતો. પરંતુ, તેણે ગંધ આવી જતાં તે તેણે જે સ્થળ બતાવ્યું હતું ત્યાં આવ્યો ન હતો. બાદમાં તેણે તા.17ના રોજ બીજો પત્ર તેના માસીના ઘરે મોકલાવ્યો હતો. અને પત્રમાં વિશાલ પટેલને પત્ર પહોંચાડવા જણાવ્યું હતું. બીજો પત્ર મળ્યા બાદ વિશાલ પટેલ અને પરિવાર વધુ ચિંતામાં આવી ગયું હતું. પરંતુ, પોલીસ ઓપરેશનને પાર પાડવા માટે સુઝબૂઝથી આગળ ધપી રહ્યું હતું. ધમકી આપનારને ખબર ન પડે તે રીતે પરિવારને પ્રોટેક્શન પણ આપ્યું હતું.
ધમકીભર્યા બીજા પત્રમાં દીપ પટેલે શું લખ્યું ?
દીપે બીજા પત્રમાં જણાવ્યું હતું કે, મેંને આપકો કહા થા કી પોલીસકો મત બોલના. આપ પૈસે દેને નહિં આએગે. અબ મુઝે દુસરા રાસ્તા અપનાના પડેગા. આપકે દો મૌસીકે લડકે હૈ. જીસમેં એકકા નામ નૈશલ અને બીજો દીપ હૈ. આપકો દીપકા ઘર જો વાડી મેં હૈ વો નજદીક પડેગા. આપ ઉનકે ઘર પૈસે રખદેના. અગર આપ આપકી બેટેકી જિંદગી ચાહતે હો. ઔર પૈસા દેનેકે તૈયાર હો. તો અપની દુસરી માસીકે લડેકે કે વોટ્સઅપ ઉપર આપકા બડા બેટે કી ફોટો ડી.પી.મેં રખદેના. ઇસબાર ગલતી મત કરના. વરના આપકો આપકા બેટા ખોના પડેગા. મેંને જો વાદા કીયા હૈ કી આપકો આપકા રૂપિયા ૧૪મી ફેબ્રુઆરી, ૨૦૨૪ કો એક ટકા ઇન્ટ્રેસ કે સાથે રૂપિયા 40 વાપસ મિલ જાયેગા. વો વાદા મે પૂરા કરુંગા.
ક્રાઈમ બ્રાંચે દીપને પકડવા માટે શું તરકીબ અજમાવી ?
ક્રાઇમ બ્રાંચે દીપે પત્ર દ્વારા આપેલી સૂચના મુજબ ઉદ્યોગપતિએ પોતાના પુત્રનો ફોટો માસીના પુત્રના વોટ્સએપ ડી.પી. ઉપર મૂકી દીધો હતો. દીપના ઘરે રૂપિયા 25 લાખ પહોંચાડવા માટે સહમત થઇ ગયા હતા. તે બાદ દીપે પૈસા લેવા માટે ઉદ્યોગપિતને અલગ અલગ લોકેશન આપીને બોલાવવાનું શરૂ કર્યું હતું. તે સાથે પોલીસની ટીમને પણ દોડવું પડ્યું હતું. આખરે લાલબાગ બ્રિજ નીચે ઉદ્યોગપતિ પૈસા લઇને બોલાવ્યા હતા. જ્યાં પોલીસે દીપ પટેલને દબોચી લીધો હતો.
ઉદ્યોગપતિ અને તેણી પત્નીએ પોલીસનો આભાર માન્યો
માતા-પિતાએ જણાવ્યું હતું કે, જ્યારે પ્રથમ પત્ર મળ્યો ત્યારે અમારા હોશકોશ ઉડી ગયા હતા. અમને ખબર ન હતી કે, અમારાજ પરિવારજનો નીકળશે. પ્રથમ પત્ર મળ્યો ત્યારથી અમે અમારા બંને પુત્રોને સ્કૂલે મોકલ્યા નથી. દીપ પકડાયો ન હતો. ત્યાં સુધી અમારી ઉંઘ હરામ થઇ ગઇ હતી. અમે પોલીસ તંત્રનો આભાર માણીએ છે.